Site icon Gramin Today

દેડિયાપાડા-મોવી માર્ગ પર યાલ ગામ પાસે રૂ. 8.80 કરોડના ખર્ચે એપ્રોચ બ્રીજનું નિર્માણ કરાશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

નર્મદા જિલ્લાના દેડિયાપાડા-મોવી માર્ગ પર યાલ ગામ પાસે રૂપિયા 8.80 કરોડના ખર્ચે એપ્રોચ બ્રીજનું નિર્માણ કરાશે

સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં બ્રીજના કામનું ખાતમુહૂર્ત યોજાયું

આગામી દિવસોમાં મોવીથી દેડિયાપાડા સુધીના માર્ગને RCC બનાવવાની રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક મંજૂરી મળશે, જેમાં રૂપિયા 100 કરોડનો ખર્ચ થવાનો અંદાજ

બિપીન વસાવા, નેત્રંગ: નર્મદા જિલ્લાના દેડિયાપાડા-સાગબારા તાલુકાના ગામોને જિલ્લા મથક રાજપીપલા સાથે જોડતા મુખ્ય માર્ગ પર મોવી-યાલ ગામ વચ્ચે નદી પરનો બ્રીજ ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો. જેને નવો બનાવવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવતાં સરકારમાંથી અગ્રતાના ધોરણે ટૂંકસમયમાં મંજૂરી મળતાં હવે આ રોડ પર રૂપિયા 8.80 કરોડના ખર્ચે નવા એપ્રોચ લો લેવલના બ્રિજનું નિર્માણ કરવામાં આવશે.

 દેડિયાપાડા- સાગબારા તાલુકાને જિલ્લા મથક સાથે જોડતા આ માર્ગની ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત થવાની માત્રા વધારે રહેતી હતી. જે અંગે સ્થાનિક અગ્રણીઓ, વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારમાં મોવીથી દેડિયાપાડા સુધી આરસીસી રસ્તાના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 100 કરોડ ઉપરાંતની તાંત્રિક મંજૂરી આપવામાં આવશે. જેની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં કામગીરી હાથ ધરવામાં આવનાર હોય આ રસ્તાની મંજૂરી બદલ સાંસદ મનસુખભાઈ વસાવા અને ઉપસ્થિત અગ્રણીઓએ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મોતિસિંહ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સભ્ય પર્યુષાબેન વસાવા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિતાબેન વસાવા, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ખાનસિંગ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા, દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા, માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર એસ.એચ.મોદી, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, નાંદોદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ વસાવા સહિત સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version