Site icon Gramin Today

દેડિયાપાડાની કૃષિ ઈજનેરી કોલેજના ફેસીલીટેશન સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર વસાવા 

દેડિયાપાડાની કૃષિ ઈજનેરી કોલેજના ફેસીલીટેશન સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું;

દેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારના યોજાયેલા મતદાનમાં કુલ-૧૧૯૧ જેટલાં અધિકારીઓ/કર્મચારીઓએ મતદાન કર્યું;

નર્મદા જિલ્લામાં તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ સંદર્ભે મતદાનનાં દિવસે ૧૪૯-દેડિયાપાડા (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી ફરજ પર રહેનારાં પોલિંગ સ્ટાફ, સર્વિસ વોટર્સ, ગૃહ વિભાગના પોલીસ, હોમગાર્ડઝના જવાનો સહિત કુલ-૩૦૪૬ અધિકારીઓ/કર્મચારીઓ પણ ચૂંટણીપંચની સૂચના મુજબ પોસ્ટલ બેલેટથી મતદાન દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને નાંદોદ બેઠકના ચૂંટણી અધિકારીશ્રી આનંદ ઉકાણીની રાહબરી હેઠળ તા.૨૩ અને ૨૪મી નવેમ્બર,૨૦૨૨ના રોજ દેડિયાપાડાના કૃષિ ઈજનેરી કોલેજ સંકુલમાં ઉભા કરાયેલા ફેસિલિટેશન સેન્ટર ખાતે યોજાયેલા મતદાનમાં પોલીસ જવાનો, અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ મળી કુલ-૧૧૯૧ મતદાતાઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

દેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારની બેઠકના ચૂંટણી અધિકારીશ્રી આનંદ ઉકાણીએ કૃષિ ઈજનેરી કોલેજ સંકુલમાં પોસ્ટલ બેલેટથી યોજાયેલા મતદાનમાં પોલિંગ સ્ટાફ, સર્વિસ વોટર્સ, પોલીસ જવાનો દ્વારા થઇ રહેલા મતદાનની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. આ ફેસિલિટેશન સેન્ટરની બહાર ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરાયેલી ઉક્ત સુવિધા સંદર્ભે ચૂંટણી ફરજમાં રહેનારા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને પોસ્ટલ બેલેટથી કઇ રીતે મતદાન કરવું તે અંગેની વૈધાનિક બાબતોની સમજુતી પુરી પાડવાની પણ વ્યવસ્થા કરાઇ હતી.

દેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારની બેઠકના ચૂંટણી અધિકારીશ્રી આનંદ ઉકાણીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, દેડિયાપાડા વિધાનસભામાં સમાવિષ્ટ અને ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીશ્રીઓ/અધિકારીશ્રીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન માટે કૃષિ ઈજનેરી કોલેજ ખાતે ફેસીલીટેશન સેન્ટરના કરાયેલા આયોજનમાં અહીં ૨૯૪૦ પોલિંગ સ્ટાફ અને ૧૦૬ સર્વિસ વોટર્સ સહિત કુલ- ૩૦૪૬ જેટલા અધિકારીઓ/કર્મચારીઓ, પોલીસ જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા કરાયેલ હતી. જે પૈકી ૧૧૯૧ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Exit mobile version