Site icon Gramin Today

તિરંગાની આન-બાન-શાન સાથે સુબીરમાં ગુંજી ઊઠ્યો આઝાદીનો જયઘોષ, ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

તિરંગાની આન-બાન-શાન સાથે સુબીરમાં ગુંજી ઊઠ્યો આઝાદીનો જયઘોષ, ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી:

પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીતે રાજ્ય તથા જિલ્લાના સર્વાંગીણ વિકાસની રૂપરેખા આપી:

દિનકર બંગાળ, આહવા: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે ડાંગ જિલ્લાના સુબીર સ્થિત નવજ્યોત હાઈસ્કુલ ખાતે રાજ્ય મંત્રી-વ-ડાંગના પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીતના વરદ હસ્તે દેશની આન, બાન અને શાન સમાન તિરંગાને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કક્ષાની આ ઉજવણીમાં ઉપસ્થિત તમામને પ્રભારી મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી તેમનું અભિવાદન ઝીલ્યું હતું.

ડાંગ જિલ્લા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વના ગૌરવશાળી અવસરે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રભારી મંત્રીશ્રીએ આઝાદીના અમર સેનાનીઓ અને શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી સમસ્ત જિલ્લાવાસીઓ તથા રાજ્યના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “રાષ્ટ્ર પ્રથમ”ના સંકલ્પ અને ‘વિકસિત ભારત @૨૦૪૭’ના ધ્યેય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત જનઆરોગ્ય, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારી ક્ષેત્રે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.

કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ ડાંગ જિલ્લો પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના સનિષ્ઠ પ્રયાસોથી સર્વાંગી વિકાસ તરફ ઝડપભેર આગળ વધી રહ્યો છે

જિલ્લાના વિકાસ કાર્યો અંગેની વિગતો વર્ણવતા મંત્રીશ્રીએ પોતાના પ્રજાજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે, સાપુતારા મોન્સુન ફેસ્ટિવલ પ્રસંગે આહવા ખાતે રૂા. ૧૨.૧૪ કરોડના સ્ટાફ ક્વાર્ટર્સ, વઘઈમાં રૂા. ૨૧.૫૦ કરોડની આદર્શ નિવાસી કુમાર શાળાનું લોકાર્પણ, રૂા. ૨૪.૧૦ કરોડની આદર્શ નિવાસી કન્યા શાળાનું ઈ-ખાતમુહૂર્ત તેમજ ભવાનદગડ ખાતે રૂા. ૭.૪૭ કરોડના ખર્ચે દિવ્યાંગ-મૈત્રીપૂર્ણ નવી ARTO કચેરીની ભેટ અપાઈ છે. તો બીજી તરફ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ડાંગને ૧૪ જેટલી નવી એસ.ટી.બસો પણ ફાળવાઈ છે.

શિક્ષણ ક્ષેત્રની વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માર્ચ-૨૦૨૬ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા ડાંગ જિલ્લાએ HSC સામાન્ય પ્રવાહમાં ૯૭.૨૧% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન, SSC (ધોરણ-૧૦) માં ૮૮.૧૭% સાથે ૬ઠ્ઠો ક્રમ તથા HSC સાયન્સમાં ૮૯.૭૧% સાથે ૮મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જિલ્લામાં ૮ EMRS અને ૧ GLRS શાળાઓમાં ૨,૮૫૮ બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે.

ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લા તરીકે મળેલા બહુમાન અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બનેલા ડાંગમાં ૧૯,૩૮૯ ખેડૂતો દ્વારા ૧૯,૮૮૧ હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. ડાંગને ‘એગ્રીકલ્ચર સિલ્વર સ્કોચ એવોર્ડ’ મળ્યો છે. વસુધારા ડેરી દ્વારા ૧૯૦ દૂધ મંડળીઓ મારફતે દૈનિક ૫૦,૦૦૦ લીટર દૂધ એકત્ર કરી પશુપાલકોએ વાર્ષિક રૂા. ૧૧૦ કરોડની આવક પ્રાપ્ત કરી છે. આ સાથે જ જળસંચય, આવાસ અને પાયાની સુવિધાઓમાં ડાંગના ૫૨,૦૮૫ ઘરોને ૧૦૦% નળ જોડાણ અપાયું છે. કાકરાપાર આધારિત રૂા. ૮૬૬.૩૫ કરોડની બલ્ક પાઈપલાઈનથી ૨૭૬ ગામો સુરક્ષિત થવા જઈ રહ્યા છે. સમગ્ર ડાંગ ODF મોડેલ બન્યું છે તથા મિશન મંગલમ હેઠળ ૪,૧૯૪ સ્વ-સહાય જૂથો સક્રિય છે.

પ્રાકૃતિક સંપદા અને આદિવાસી સંસ્કૃતિના જતન સાથે ડાંગના સર્વાંગી વિકાસ માટે સહિયારા પ્રયાસોથી ‘વિકસિત ગુજરાત’ થકી ‘વિકસિત ભારત @૨૦૪૭’ના નિર્માણમાં સૌને અગ્રેસર બનવા પ્રભારી મંત્રીશ્રીએ ઉપસ્થિત તમામને આહવાન કર્યું હતું.

સ્વાતંત્ર્ય પર્વ સમારોહના મુખ્ય અધ્યક્ષ એવા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીતની ગરિમામય ઉપસ્થિતિમાં હર્ષ ધ્વનિ (વોલી ફાઈરિંગ) કરવામાં આવ્યું હતું. પરેડ કમાન્ડર શ્રી એચ.એસ.માલવના નેતૃત્વમાં પરેડનું પ્રભારી મંત્રીશ્રીએ નિરિક્ષણ કરી સૌનું અભિવાદન ઝીલ્યુ હતું. પરેડ નિરીક્ષણ દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમાર તેમજ જિલ્લા પોલીસ વડા સુશ્રી પૂજા યાદવ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમના પ્રારંભમાં સુબીર સર્કલથી નવજ્યોત હાઈસ્કૂલ સુધી પ્રભાતફેરી યોજવામાં આવી હતી. દરમિયાન સુબીર પ્રાથમિક શાળા, સરકારી માધ્યમિક શાળા, નવ જ્યોત હાઇસ્કૂલ, સુબીર વિનયન કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતોથી તરબોળ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરતા સૌ મંત્રમુગ્ધ બન્યા હતા. આ તમામ શાળાની કૃતિઓને શિલ્ડથી સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્નિફર ડોગનો ડેમો પણ પ્રદર્શીત કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર તરફથી ૧૫મી ઓગસ્ટ નિમિત્તે સુબીર તાલુકાના વિકાસના કામો માટે રૂ. ૨૫ લાખનો ચેક પ્રભારી મંત્રીશ્રીના વરદ હસ્તે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે બાળ વિકાસ યોજના, શિક્ષણ, પશુપાલન, મહિલા અને બાળ અધિકારીની કચેરી, આરોગ્ય, ૧૦૮ ઈમરજન્સી સેવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને પોલીસ વિભાગની કચેરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કુલ ૪૫ જેટલા કર્મચારીઓનું પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ રમતગમત અને શૈક્ષણિક ક્ષેત્ર, ધોરણ ૧૦/૧૨ની બોર્ડ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને કીટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

કાર્યક્રમ સાથે જ પર્યાવરણ સંવર્ધનના સંદેશ સાથે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરાયુ હતું.

કાર્યક્રમનો પ્રારંભ વંદે માતરમ ગીતથી, જ્યારે અંતમાં રાષ્ટ્રગાન સાથે ઉજવણીને સંપન્ને કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામીત, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પવાર, જિલ્લા સદસ્ય શ્રી મંગળભાઈ ગાવિત, વાસૂર્ણાના રાજવી શ્રી ધનરાજસિંહ સૂર્યવંશી, પિપંરીના રાજવી શ્રી ત્રિકમરાવ પવાર, નવજ્યોત હાઈસ્કૂલના વડા ફાધર અશોક વાઘેલા, ફાધર ફ્રાનશીસ પરમાર સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ સહિત કલેક્ટર શ્રી એન.ડી.પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડા સુશ્રી પૂજા યાદવ, દક્ષિણ ડાંગના નાયબ વન સંરક્ષક શ્રી નિરજકુમાર, ઉત્તર ડાંગના નાયબ વન સંરક્ષક શ્રી મુરારીલાલ મિણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ.ડી.તબિયાર, પ્રાયોજના વહીવટદારશ્રી ડો. મયુર પરમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી હિતેશ જણકાટ, પ્રાંત અધિકારી શ્રી યુ. વી. પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, કાર્યપાલક ઈજનેર શ્રી કેતન કુંકણા સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાનો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વિજયકુમાર ખાંભુ અને સુશ્રી અસ્મિતા બારોટે કર્યુ હતું.

Exit mobile version