શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં પ્રજા અને સરકારના સમન્વય થકી ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહી છે:- ગુજરાત રાજ્ય બિન અનામત આયોગના ચેરમેનશ્રી હંસરાજ ગજેરા
સુશાસન સપ્તાહના અંતિમ દિવસે તાપી જિલ્લામાં રૂ.૩૮ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત:
રાજ્યમાં સૌ પ્રથમ તાપી જિલ્લામાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ થીમ આધારીત “તાપી ગ્રામસેવા” પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું:
વ્યારા: સુશાસન સપ્તાહના અંતિમ દિવસે તાપી જિલ્લામાં વ્યારા (શ્યામાપ્રસાદ મુખરજી ટાઉનહોલ)ખાતે ગુજરાત રાજ્ય બિન અનામત આયોગના ચેરમેન શ્રી હંસરાજ ગજેરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સૂરજભાઈ વસાવા, કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી.કાપડીયા,પ્રાંત અધિકારી હિતેશભાઈ જોષી, ગ્રામ વિકાસ નિયામક છે. જે.જે નિનામાની ઉપસ્થિતિમાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ આયોજીત સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી શ્રી હંસરાજ ગજેરાના વરદ હસ્તે જિલ્લાના રૂ.૩૭ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં તાપી જિલ્લામાં સૌ પ્રથમ ‘તાપી ગ્રામસેવા’ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાલમાં જ સમરસ થયેલી પંચાયતના સરપંચશ્રીઓનુ અભિવાદન કરાયું હતું. આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે આવાસની ચાવી અર્પણ કરાઈ હતી.
સમારોહમાં ચેરમેન શ્રીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જિલ્લા પ્રશાસનની પ્રસંસા કરતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં પ્રજા અને સરકારના સમન્વય થકી ઉત્કૃષ્ટ કામગીરી થઇ રહી છે. સમગ્ર આદિવાસી જિલ્લાઓમાં તાપી જિલ્લો કોરોના પ્રતિરોધક રસીના પહેલો ડોઝ લેવામાં પ્રથમ રહ્યો છે જેના માટે તેમણે આરોગ્ય વિભાગ સહિત તમામ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત સમરસ થયેલ ગ્રામપંચાયતોમાં તાપી જિલ્લાની એક માત્ર ચીખલવાવ ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા સદસ્યો ધરાવતી પંચાયત બનતા તેમણે વિશેષ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ વર્તમાન સરકારમાં આજે સ્ત્રીઓ પુરુષ સમોવડી બની ખભે-ખભા મેળવી દેશની વિકાસ યાત્રામા સહભાગી થઇ રહી છે. જેથી ગુજરાત સમગ્ર દેશમાં ઇંફ્રાસ્ટ્રક્ચર, યોજનાઓ, આરોગ્ય, શિક્ષણ દરેક ક્ષેત્રમાં જનભાગીદારી થકી અગ્રેસર બન્યું છે. અંતે તેમણે સૌ સરપંચ તથા ચૂંટાયેલા પદાધિકારીઓને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવાએ સાચો ભારત દેશ ગામડાઓમાં વસે છે-ગાંધીજીની આ ઉક્તિને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પરિભાષામાં અંકિત કરી હોવાનું જણાવી છેવાડાના માનવી સુધી સરકારની યોજના જનજન સુધી પહોચે તે માટે તાપી જિલ્લા પ્રશાસન પણ તમામ રીતે સરાહનિય પ્રયાસ કરી રહ્યું છે.
કાર્યક્ર્મમાં કલેકટરશ્રીએ વિવિધ યોજનાઓ અને તાપી જિલ્લા દ્વારા લેવાયેલ નિતનવિન પગલાઓ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લા પ્રશાસન દ્વારા ગામના લોકો સાથે જોડાવાની પહેલ વિવિધ પ્રવતિઓ થકી કરી છે. જેમ કે રાત્રીસભા અને સેવાસતુ જેવા કાર્યક્ર્મો. આ વિશે વધુ માહિતી આપતા તેમણે ઉમેર્યું કે, જિલ્લામાં ગ્રામ્ય સ્તરે ૬૫ અને નગરપાલિકા સ્તરે ૦૪ સેવાસેતુઓ યોજાયા છે જેમાં ૫૫ જેટલી સરકારની સેવાઓનો સીધો લાભ છેવાડાના લોકો મેળવ્યો છે. રાત્રીસભા દ્વારા પ્રસાસન લોકો સુધી પહોચ્યુ છે. જેમાં નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ સ્થળ ઉપર અથવા ૭ દિવસની અંદર કરવામાં આવ્યા છે. અંતે તેમણે ઇ-શ્રમ કાર્ડના વિવિધ ફાયદા અંગે વિગતવાર ચર્ચા કરી દરેક મજુરી કરતા લોકો, લારી-ગલ્લા ચલાવતા, છુટક મજુરી કરતા શ્રમજીવી લોકોને વહેલી તકે પોતાની નોંધણી કરાવી ઇ-શ્રમ કાર્ડ મેળવી સરકારની મજુરો માટેની યોજનાનો લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન કરતા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ જણાવ્યું હતું કે, ગુડ ગવર્નન્સ અંતર્ગત રાજ્યમાં સૌ પ્રથમ તાપી જિલ્લામાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ થીમ આધારીત “તાપી ગ્રામસેવા” પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેની નોંધ રાજ્ય સ્તરે લઇ વિશેષ સરાહના પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ પોર્ટલ થકી જિલ્લાના દરેક વ્યક્તિને ડિજીટલ માધ્યમ થકી સરકાર સાથે જોડવાનો અને વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ પોર્ટલ ઉપર મળેલ અરજીઓનો ૭ દિવસમાં નિકાલ કરવામાં આવશે. ટેકનોલોજીના માધ્યમથી અસરકારક વહિવટ માટે આ પોર્ટલ મારફત ગ્રામ્ય કક્ષાએથી ઇ-ગ્રામ સેવા કેન્દ્રોના માધ્યમથી નાગરિકો પોતાના ગામની રજુઆત/ફરીયાદ પોતાના ગામથી જ કરી શકશે. ઘર વેરા, મિલકત વેરાની પહોચ ઓનલાન મળી શકશે. તેમજ કર્મચારીઓ જીપીએફની સ્લીપ ઓનલાઇન મેળવી શકશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આજરોજ ૧૫માં નાણાપંચ અંતર્ગત ૬૫૯ કામોનું રૂપિયા ૧૩.૨૨ કરોડના ખર્ચે લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું, મનરેગા હેઠળ ૫૭૬ કામોનું રૂપિયા ૧૪.૬૬ કરોડ, પ્રધાનમંત્રી આવાસ યોજના અંદાજિત રૂપિયા ૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૭૬૫ પુર્ણ મકાનોનું લોકાર્પણ કર્યું છે. આમ જિલ્લામાં અંદાજિત કુલ-૩૮ કરોડના વિકાસલક્ષી કામો પ્રજા સમક્ષ મુકવામાં આવ્યા છે. જિલ્લાની ૧૨ સમરસ ગ્રામ પંચાયત પૈકી ૧ ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા સદસ્યો ધરાવતી સમરસ થઇ છે જે તમામને સરકારશ્રી તરફથી કુલ-૫૯.૨૫ લાખનું અનુદાન ડીબીટી માધ્યમથી ચુકવણું કરવામાં આવતા અભિનંદન પાઠવ્યા હતા. સાથે-સાથે ઉપસ્થિત તમામ સરપંચ અને ચૂંટાયેલા પદાધિકારીઓને ત્રિ-સ્તરીય પંચાયતના માળખા અંગે પ્રેશનટેશનના માધ્યમ થકી વિસ્તૃત માહિતી આપી હતી. તથા નવા ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે આજે ગ્રામ્ય સ્તરે યોજાનાર ગ્રામસભા અંગે પણ જણાવ્યું હ્તું.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડિયાએ આભારદર્શન કર્યું હ્તું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું. આ પ્રસંગે સંગઠન પ્રભારી અશોકભાઇ ધોરાજીયા, કારોબારી અધ્યક્ષ મોહનભાઈ કોંકણી, વ્યારા તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન ગામીત, સહિત ચૂંટાયેલા સરપંચો અને સદસ્યો સામજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા.