Site icon Gramin Today

તાપી જિલ્લામાં યોગ દિન નિમિત્તે DDO ડો. દિનેશ કાપડીયાના હસ્તે યોગ કોચ અને ટ્રેનર્સનું સન્માન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં યોગ દિન નિમિત્તે ડી.ડી.ઓ.શ્રી ડો. દિનેશ કાપડીયાના હસ્તે યોગ કોચ અને ટ્રેનર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. 

 વ્યારા:  ૭માં વિશ્વ યોગ દિવસ નિમિત્તે કલેકટર કચેરી ખાતે તાપી જિલ્લા વિકાસ અધિકારી ડો. દિનેશ કાપડીયાના અધ્યક્ષસ્થાને યોગ કોચ અને ટ્રેનર્સને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યભરના યોગ કોચ- ટ્રેનર્સને પ્રેરક સંબોધન કર્યુ હતું.
કોરોનાની વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વને હવે યોગ-પ્રાણાયામ તરફ પ્રેરિત કર્યા છે પરંતુ આ યોગ સંસ્કૃતિનું સર્જન તો પાંચ હજાર વર્ષ પહેલાં આપણા મહર્ષિઓએ કરેલું છે.


જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, આપણી આ પ્રાચીન વિરાસતને વિશ્વ સમુદાય સમક્ષ ઊજાગર કરીને સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીનું ગૌરવ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને અપાવ્યું છે. આપણી સનાતન યોગ-પ્રાણાયામ સાધના તરફ હવે પશ્ચિમના રાષ્ટ્રો સહિતના દુનિયાના દેશો વળ્યા છે. કેમ કે શરીર, મન, બુદ્ધિ અને વ્યક્તિગત જીવન પ્રફૂલ્લિત-આનંદિત અને સ્વસ્થ રાખવાનું સક્ષમ માધ્યમ આપણી યોગ સંસ્કૃતિ જ છે તે હવે સૌને સમજાયું છે. ભારતની આ અણમોલ વિરાસત હવેના સમયમાં શારીરિક, માનસિક સ્વસ્થતા, શાંતિ માટે એક જરૂરિયાત બની ગઇ છે. ગુજરાત યોગ સાધના-યોગ અભ્યાસમાં પણ દેશમાં અગ્રેસર બને તેવી આપણી નેમ છે.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર બી.બી.વહોનિયાએ કોચ અને ટ્રેનર્સને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, લોકોની તંદુરસ્તી અને સારા સ્વાથ્ય માટે લોકો સુધી યોગ પહોંચાડવામાં યોગ કોચ અને ટ્રેનર્સે ખુબ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે, આપણી મહાન ઋષિ પરંપરાની ભેટ સમગ્ર વિશ્વને આપી છે. હવે સમગ્ર વિશ્વમાં તા. ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેનાથી દુનિયામાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ પથરાશે. આ પ્રસંગે તાપી જિલ્લાના ૧૦ યોગ કોચ અને ૧૦ યોગ ટ્રેનર્સને પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી અમરસિંહ રાઠવા,યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત સહિત યોગ કોચ તથા ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.

Exit mobile version