શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપીવાસીઓને આપવામાં આવેલ વેક્સિનના ડોઝનો આંકડો ૯૩ હજારને પાર:
તાપી જિલ્લા વહિવટી તંત્ર કોરોનાને નિયંત્રિત કરવા તરફ અગ્રેસર:
વ્યારા-તાપી તા. ૨૦: વૈશ્વિક મહામારી કોરાના ફરી વાર રાજ્યમાં પોતાના પગ પસારી રહ્યો છે. કલેક્ટર આર.જે.હલાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્રએ નાગરિકોના હિત અને સુરક્ષાને પગલે વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવી છે. જેમાં ૪૫થી ૬૦ વર્ષ તથા તેથી વધુ વયના વ્યક્તિઓને સતત રસીકરણ હેઠળ આવરી લેવાના કાર્યક્રમો હાથ ધરાયા છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હર્ષદ પટેલે વેક્સિનેશન અંગે આપેલ વિગતો મુજબ આજ દિન સુધી ૯૩૨૯૪ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી છે. જે પૈકી વ્યારામાં ૨૩૧૩૨, ડોલવણમાં ૧૧૩૯૭, સોનગઢમાં ૨૫૧૫૨, વાલોડમાં ૧૩૪૨૧, ઉચ્છલમાં ૮૨૪૦, નિઝરમાં ૭૫૬૨, કુકરમુંડામાં ૪૩૯૦, સહિત કુલ ૯૩૨૯૪ નાગરિકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. અગાઉ ડો. હર્ષદ પટેલે પણ વેક્સિનનો ડોઝ લઈને વેક્સિન અંગે લોકોને જાગૃત કરતા કહ્યું હતુ કે, વેક્સિન ખરેખર સુરક્ષિત છે અને કોરોના સામે લડવા માટેનું સુરક્ષા કવચ છે.
તાપી જિલ્લો આ મહામારી સામે ખડેપગે મક્કમતાથી લડી રહ્યો છે. વધુમાં વેક્સિનેશન અંગે નાગરિકો દ્વારા સારો સહયોગ મળી રહ્યો છે. વેક્સિન તો કોરોના સામે હથિયારનું કામ કરશે જ પરંતુ તે સિવાય નાગરિકોએ પણ આવી વિકટ પરિસ્થિતિમાં ખુબ જ સાવચેત રહેવાની જરૂર છે અને સામાજિક અંતર જાળવી માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની જરૂર છે. જેથી આપણું પરિવાર તો સુરક્ષિત રહેશે જ પરંતુ સમાજ માટે પણ તમારી આ સમજદારી લોકોને કોરોનાથી દૂર રાખવામાં કારગર સાબિત થશે.