Site icon Gramin Today

ડાંગ 173 વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મુકેશભાઈ પટેલે પોતાનું ફોર્મ ભર્યું :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

ડાંગ જિલ્લાનાં કૉંગ્રેસનાં ઉમેદવાર મુકેશભાઈ પટેલે ગતરોજ આહવા ખાતે જંગી જનમેદનીમાં રેલી યોજ્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કરી દાવેદારી નોંધાવી…. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં 14મી નવેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય જેને લઈને દરેક જિલ્લાઓમાં ભાજપા, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ દાવેદારો ચૂંટણી અધિકારી સમક્ષ દાવેદારી નોંધાવી રહ્યા છે.

ત્યારે ડાંગ 173 વિધાનસભા બેઠકની વાત કરીએ તો ડાંગ જિલ્લા 173 વિધાનસભાની બેઠક પર 2022માં ભાજપા, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રીપાંખીયો જંગ ખેલાશે. ડાંગ 173 વિધાનસભાની બેઠક પર ગુજરાત કૉંગ્રેસ પાર્ટી દ્વારા મુકેશભાઈ પટેલ પર પસંદગી ઉતારી છે.  ડાંગ કૉંગ્રેસનાં નેતા એવા મુકેશભાઈ પટેલ તેમના સમર્થકો સાથે નામાંકન ફોર્મ ભરવા જતા તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા.

ડાંગ જિલ્લાનાં આહવા ફુવારા સર્કલથી જંગી જનમેદનીમાં રેલી યોજી જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીએ પહોચ્યા હતા. અહી ડાંગ 173 વિધાનસભા કૉંગ્રેસનાં ઉમેદવાર મુકેશભાઈ પટેલે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કરી દાવેદારી નોંધાવી હતી.  આ સાથે કૉંગ્રેસનાં ઉમેદવાર મુકેશભાઈ પટેલની ટક્કર ભાજપનાં ધારસભ્ય વિજય પટેલ તથા આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર એડવોકેટ સુનિલભાઈ ગામીત  રહશે.

ડાંગ કૉંગ્રેસનાં ઉમેદવાર મુકેશભાઈ પટેલે 25,000 થી વધુની લીડ સાથે જીતનો દાવો કર્યો….

ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારીની હિટલરશાહીથી જિલ્લાનાં મિડીયા આલમમાં રોષ.. ડાંગ 173 વિધાનસભાની બેઠક પર આજરોજ કૉંગ્રેસનાં ઉમેદવાર મુકેશભાઈ પટેલે પ્રાંત અધિકારી એવમ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કર્યું હતુ. અહી ડાંગ જિલ્લાનાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડીયાનાં પ્રતિનિધિઓ દ્વારા ચૂંટણી અધિકારીને ફોટો સહિત વિડીયો કેપ્ચર માટે 1 મિનિટનો સમય માંગ્યો હતો. પરંતુ ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારીએ પોતાની હિટલરશાહી અપનાવી મીડીયાને પણ એન્ટ્રી ન આપી પોતાની તાનાશાહી ચલાવતા ભારે હોબાળો સર્જાયો હતો. ડાંગ ચૂંટણી અધિકારીની હિટલરશાહીનાં પગલે ડાંગ જિલ્લાનું મિડીયા આલમ રોષે ભરાયુ હતુ.

અત્રે નોંધનીય છે કે ગુજરાતનાં દરેક જિલ્લાઓમાં ઉમેદવારો ફોર્મ રજૂ કરતા હોય તે વેળાએ મિડીયાને એન્ટ્રી અપાતી હોવાના ડાંગ મીડીયાનાં પ્રતિનિધિઓ દ્વારા પુરાવા પણ રજૂ કરાયા હતા. પરંતુ ડાંગ જિલ્લાનાં વહીવટી તંત્રનાં ચૂંટણી અધિકારી પોતાની હિટલરશાહીમાં દેશની ચોથી જાગીર એવી મીડીયાને પણ એન્ટ્રી ન આપી ગંડુ રાજાની અંઘેરી નગરી જેવી કામગીરીને સાર્થક કરતા જિલ્લાનો પત્રકાર આલમ રોષે ભરાયો હતો.

Exit mobile version