Site icon Gramin Today

ડાંગ જિલ્લામાં “પ્રોજેક્ટ દેવી” અંતર્ગત સામાજિક કૂ-રિવાજને નાબૂદ કરવા જાગૃતિ કાર્યક્રમનું આયોજન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, પ્રદીપ ગાંગુર્ડે 

ડાંગ જિલ્લામાં “પ્રોજેક્ટ દેવી” અંતર્ગત સમાજ માંથી  કૂ-રિવાજને નાબૂદ કરવા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ડાકણ પ્રથા’ને જિલ્લામાંથી તિલાંજલિ આપવા ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા :

‘ડાકણ પ્રથા’નો ભોગ બનનાર મહિલાઓને સ્વમાનભેર જીવવા માટે પોલીસે પ્રોત્સાહિત કરી :

સાર્વજનિક નવરાત્રી મહોત્સવ દરમ્યાન ડાંગ જિલ્લા પોલીસ દ્વારા શ્રેણીબદ્ધ જનજાગૃતિ કાર્યક્રમોનુ કરાયુ આયોજન :

સાપુતારા: ડાંગ જિલ્લા પોલીસ દ્વારા તા.૧૯/૧૦/૨૦૨૩ ના રોજ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત, મુખ્ય મથક ખાતે, ડાંગ જિલ્લામાં “ડાકણ પ્રથા”ના કૂ રિવાજને નાબૂદ કરવા અંગેના જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડામોર સાહેબ, તેમજ RAC શ્રી તબિયાડ સાહેબ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દેશમુખ સાહેબ, સમાજ કલ્યાણ અધિકારી (આદિજાતિ) શ્રી કનુજા સાહેબ, વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચંદરભાઈ, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રી મંગળભાઈ ગાંવિત તેમજ જિલ્લા સરકારી વકીલ શ્રી કોંકણી, શ્રી હરિરામભાઈ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ અતિથી તરીકે રાજવી શ્રી ધનરાજ સિંહ પધાર્યા હતા.

જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી યશપાલ જગાણીયા સાહેબે મહેમાનોનું સ્વાગત કરી,પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં આર્થિક, સામાજિક કે, આરોગ્યના કારણસર કોઇ સમસ્યા ઉદભવી હોય તો પ્રવર્તતી અંધશ્રધ્ધાને કારણે ઘરની જ કોઈ મહિલાને જવાબદાર ઠરાવી “ડાકણ” તરીકે જાહેર કરી, સમસ્યાના નિવારણ માટે તેણી ઉપર માનસિક – શારીરિક ત્રાસ ગુજારવામાં આવે છે. અમુક કિસ્સામાં આવી મહિલાઓએ પોતાના પર થતા માનસિક અને શારીરિક અત્યાચારોને કારણે આત્મહત્યા પણ કરી છે. કમનસીબે આવો કૂ રિવાજ ડાંગ જિલ્લામાં હજુ પણ અસ્તિત્વ ધરાવે છે.  તેથી આવા કુરિવાજોને અંકુશમાં લેવા સમાજના તમામ વર્ગોના અગ્રણીઓનો સહિયારો પ્રયાસ અનિવાર્ય બને છે, તેમ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.

છેલ્લા ૧૦ વર્ષોમાં માત્ર ડાંગ જિલ્લામાં કુલ ૧૪૫ જેટલી અરજીઓ કે, ફરિયાદો નોંધાઈ છે. આ સંખ્યા ચોક્કસપણે સુશિક્ષિત સમાજ માટે શરમજનક છે. દેશની પ્રગતિમા પણ અવરોધ ઊભો કરે છે. આ કાર્યક્રમમાં આવી પીડિત મહિલાઓને ગામડે ગામડેથી અત્રે આહવા ખાતે આમંત્રિત કરવામાં આવી હતી. “પ્રોજેક્ટ દેવી” અંતર્ગત મહિલાઓનું મહેમાનો દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેથી પીડિત મહિલાઓ સમાજના મુખ્ય પ્રવાહમાં ફરીથી ભળી શકે ! તેમજ એક સન્માન ભર્યું જીવન વ્યતીત કરી શકે, એવો સ્તુત્ય પ્રયાસ ડાંગ જિલ્લા પોલીસ વિભાગ તરફથી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આવી મહિલાઓને પ્રતાડિત કરનારા, તેમના સગા સંબંધીઓ તેમજ ગામના લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા. તેમને પણ એવો સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો હતો કે, હવે પછી કોઈ પણ વ્યક્તિ મહિલાને ડાકણ જાહેર કરી, ત્રાસ કરશે તો કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.

કાર્યક્રમમાં પધારેલા મહેમાનોએ પણ પોતાના પ્રવચન દ્વારા, સમાજમાંથી ડાકણ પ્રથા પૂરી રીતે નાબૂદ કરવા માટે જાગૃત થવા આહ્વાન કર્યું હતું. જે આ કાર્યક્રમની સફળતા ગણી પડશે. કાર્યક્રમમાં કુલ ૬૪ જેટલી પીડિત મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારનું અનપેક્ષિત સન્માન મળતા, સમાજની આવી ઉપેક્ષિત મહિલાઓએ આંખોમાં અશ્રુ સાથે પોતાની વ્યથા વ્યક્ત કરતા પોલીસની કામગીરીને બિરદાવી હતી. તેમજ ભવિષ્યમાં પણ જો કોઈ પ્રશ્ન હશે તો પોલીસનો સંપર્ક કરવા સંમતિ દર્શાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર, જીલ્લાના તમામ સબ ઇન્સ્પેક્ટરો તેમજ She Teamની મહિલા કર્મચારીઓ અને પોલીસ મુખ્ય મથકના સ્ટાફ તથા GRDના જવાનોના સહિયારા પ્રયાસો દ્વારા સફળ બનાવવામા આવ્યું હતું.  અંતમાં સૌએ ભેગા મળી જિલ્લામાંથી ડાકણ પ્રથા સંપૂર્ણ પણે નાબૂદ કરવા માટે શપથ લીધા હતા.

Exit mobile version