Site icon Gramin Today

ડાંગ જિલ્લાના નડગખાદી ગામેથી ‘સેવા સેતુ’ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા કલેકટર ભાવિન પંડ્યા :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, રામુભાઇ માહલા 

ડાંગ જિલ્લાના નડગખાદી ગામેથી ‘સેવા સેતુ’ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા કલેકટર શ્રી ભાવિન પંડ્યા :

ડાંગ, આહવા: રાજ્ય સરકારની પારદર્શી પ્રશાસનની પ્રતિબદ્ધતા સાથે પ્રજાજનોની લાગણી, માંગણી, અને અપેક્ષા અનુસાર સરકારના જુદા જુદા વિભાગોની સેવાઓને એક જ છત્ર નીચે લાવી, ઘર આંગણે જ તેમની રોજીંદી સેવાઓને ઉપલબ્ધ કરાવવાનો સેવાયજ્ઞ એટલે ‘સેવાસેતુ’ કાર્યક્રમ, એમ જણાવતા ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ, જિલ્લાના ‘સેવા સેતુ’ કાર્યક્રમનો નડગખાદીથી શુભારંભ કરાવ્યો હતો.

ડાંગ જિલ્લાના સાતમા તબક્કાના નડગખાદીના પ્રથમ સેવા સેતુ કાર્યક્રમમા નડગખાદી સહિત આસપાસના પીંપરી, હનવંતચોંડ, દાવદહાડ, ધૂલચોંડ, ચિકટીયા, ગૌર્યા અને ઇસદર ગામોના પ્રજાજનોને સરકારના જુદાજુદા ૧૩ વિભાગોની ૫૭ પ્રકારની સેવાઓ સ્થળ ઉપર જ ઉપલબ્ધ કરાવવામા આવી છે.

સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી નડગખાદીની પ્રાથમિક શાળા ખાતે આયોજિત આ સેવા સેતુ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમા આહવા તાલુકા પંચાયતના પ્રમુખ કમળાબેન ચૌધરી સહિત સ્થાનિક પદાધિકારીઓ, ડાંગ કલેક્ટરશ્રી ભાવિન પંડયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ડી.એન.ચૌધરી સહિત આહવા તાલુકાના મામલતદાર શ્રી ધવલ સંગાડા, અને આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી શ્રી રતિલાલ ચૌધરી, અને જુદા જુદા વિભાગના અધિકારી/કર્મચારીઓ તથા પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

નડગખાદી પ્રાથમિક શાળાની બાળાઓની પ્રાર્થના તથા સ્વાગત ગીત સાથે શરૂ થયેલા ઉદ્ઘાટન કાર્યક્રમમા ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. ઉદઘોષક તરીકે શ્રી પ્રગ્નેશ પાટીલે સેવા આપી હતી.

Exit mobile version