શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ જિલ્લાનાં રેશનકાર્ડ ધારકોને મે અને જુન માસનો અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવશે:
દિનકર બંગાળ, વઘઈ : જાહેર વિતરણ વ્યવસ્થા યોજનામા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો એમ બે પ્રકારના કુટુંબોને સરકારશ્રી દ્વારા ડાંગ જિલ્લામાં આવેલ તમામ સસ્તા અનાજની દુકાન ખાતેથી સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવે છે.
પ્રવર્તમાન પરિસ્થિને ધ્યાને લઇ રાજ્ય સરકારશ્રી દ્વારા આ (મે મહિનો) માસમાં ઘઉં,ચોખા,ખાંડ અને મીઠાનો તથા જૂન માસના ઘઉં અને ચોખાનું વિતરણ કરવા સુચવેલ છે.
જેથી ડાંગ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને સસ્તા અનાજની દુકાન ખાતેથી મે-૨૦૨૫ માસમાં મે અને જૂન માસનો આમ બે માસનો અનાજનો જથ્થો સમયસર મેળવી લેવા અનુરોધ કરવામાં આવેલ છે.
જે એન.એફ.એસ.એસ. રેશનકાર્ડ ધારકોનું ઇ-કેવાઇસી બાકીમાં છે તે રેશનકાર્ડ ધારકો ઇ-કેવાઇસી કરાવતા સંલગ્ર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પુરવઠા દ્વારા એપ્રૂવ આપ્યાના ચોવીસ (૨૪) કલાક બાદ સસ્તા અનાજની દુકાન ખાતેથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકશે તેમ ડાંગ જિલ્લા પુરવઠા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.