Site icon Gramin Today

ડાંગનાં ૩૧૧ ગામોમાં ગુંજશે એકતાનો સંદેશ, પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગનાં ૩૧૧ ગામોમાં ગુંજશે એકતાનો સંદેશ, પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ:

PM-KISAN સન્માન ઉત્સવ અંતર્ગત જિલ્લાના ૩૦,૪૮૮ ખેડૂતોને રૂ. ૬.૧૧ કરોડથી વધુની સહાય થશે

દિનકર બંગાળ, આહવા: જિલ્લા કલેક્ટર કચેરી, આહવા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ તથા નાગરિક ઉડ્ડયન વિભાગ તેમજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડૉ. જયરામભાઇ ગામીતના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઇ હતી. આ પત્રકાર પરિષદમાં મંત્રીશ્રીએ આવતીકાલે તા.૩૦ મી ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ યોજાનારા ‘PM-KISAN સન્માન ઉત્સવ’ તથા તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ યોજાનારા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના કાર્યક્રમો અંગે મિડીયાકર્મીઓને માહિતગાર કર્યા હતા.

આ પત્રકાર પરિષદ દરમિયાન મંત્રીશ્રીએ આવતીકાલે PM-KISAN સન્માન ઉત્સવ અંતર્ગત યોજાનારા કાર્યક્રમોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ખેડૂતોના આર્થિક સશક્તિકરણ અને કલ્યાણના હેતુથી યોજાશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૨૪મા હપ્તાની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધી લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

આવતીકાલે તા. ૩૦ ઓક્ટોબરના રોજ ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત દીઠ બે કાર્યક્રમો અને જિલ્લા કક્ષાએ એક કાર્યક્રમ સહિત કુલ ૩૫ કાર્યક્રમોમાં જિલ્લાના વિવિધ સ્થળોએ PM-KISAN સન્માન ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમો સવારે ૦૯:૩૦ કલાકથી શરૂ થવાના છે. જેથી જિલ્લાના ખેડૂતોને આ ઉજવણીમાં સહભાગી બનવા આહવાન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં ડાંગ જિલ્લામાં કુલ ૩૦,૪૮૮ ખેડૂતોને આશરે રૂ. ૬.૧૧ કરોડની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધી લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે એકતાનગર ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ડાંગ જિલ્લામાં પણ જિલ્લાના તમામ ગામોમાં એકતા, રાષ્ટ્રપ્રેમ અને સામૂહિક ભાગીદારીની ભાવનાને ઉજાગર કરવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સવારે ૦૭:૦૦ કલાકે આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડમાં ડાંગ જિલ્લાના નાગરિકો અને યુવાનોને જોડાવા અપીલ કરવામાં આવી છે. રન ફોર યુનિટીનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ, આહવાથી શરૂ કરીને કલેક્ટર કચેરી, શહીદ સ્મારક, ફૂવારા સર્કલ, ડાંગ સ્વરાજ આશ્રમ અને પરત પરેડ ગ્રાઉન્ડ સુધીના રૂટને આવરી લે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે.

એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાના તમામ ગામોમાં એકતા પરેડનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ માટે ગામની શાળાઓમાં જરૂરી વ્યવસ્થા ઊભી કરી સ્થાનિક નાગરિકોને કાર્યક્રમ સાથે જોડાવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાંસ્કૃતિક ભવન (ડાંગ દરબાર હોલ), આહવા ખાતે યોજાશે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યોજાનારા કાર્યક્રમો સુચારુ રીતે સંપન્ન થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી આયોજન અને સંકલન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઇ ગામીત, જિલ્લા કલેક્ટરશ્રી એન.ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પૂજા યાદવ તથા જિલ્લા અગ્રણીશ્રી સુરેશભાઇ ચૌધરી તેમજ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version