Site icon Gramin Today

જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવાએ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવાએ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો:
અફવાઓથી દુર રહી કોઇ શંકા કે ડર રાખ્યા વગર તમામ નાગરિકોને રસી લેવા માટે કરી અપીલ:

કલેકટર/ડીડીઓના માર્ગદર્શન હેઠળ આયોજનબધ્ધ રીતે વરિષ્ઠ નાગરિકોને રસીકરણથી સુરક્ષા પ્રદાન કરવાનો ધ્યેય:

તાપી જિલ્લામાં અત્યાર સુધી ૩૯૦૪૯ લોકોને કોરોનાની રસી આપી સુરક્ષિત કરાયા:

વ્યારા: કોરોના વાયરસ સંક્રમણે ફરી માથુ ઉંચક્યા બાદ દિન-પ્રતિદિન કોવિડ-૧૯ના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે તાપી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા રસીકરણ કાર્યક્રમની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. જે અન્વયે જિલ્લાના તમામ વરિષ્ઠ નાગરિકોને રસીકરણ હેઠળ આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવાએ વ્યારા સ્થિત અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. આ પ્રસંગે જણાવ્યું કે, વિશ્વ વ્યાપી કોરોના મહામારીને વધતા અટકાવવા માટે કોરોના પ્રતિરોધક રસી સંપૂર્ણ સુરક્ષિત છે. તેથી અફવાઓથી દુર રહી રસી મુકાવવા અંગે કોઇ શંકા કે ડર રાખ્યા વગર જિલ્લાના તમામ નાગરિકોને રસી લેવા અપીલ કરી છે.
કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષણ મેળવવાના ભાગરૂપે સમગ્ર તાપી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ નાગરિકો તથા ૪૫ વર્ષથી ૫૯ વર્ષ સુધીના કો-મોર્બિડિટી ધરાવતા નાગરીકોને કોવીડ રસીકરણ કાર્યક્રમ હેઠળ આવરી લઈ નાગરિકોને સઘન સુરક્ષા કવચ પુરૂ પાડવા માટે ઝુંબેશરૂપે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ રસીકરણ ઝુંબેશ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓના મોનિટરીંગ હેઠળ વિવિધ ગામોમાં તલાટી કમ મંત્રી તથા આરોગ્યકર્મી સહિતના ફિલ્ડ પર કામ કરતાં કર્મચારીઓ દ્વારા વરિષ્ઠ નાગરિકોને બુથ પર લાવી તેમનું રસીકરણ કરવામાં આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
કોરોના વાયરસના સંક્રમણનું સૌથી વધુ જોખમ વરિષ્ઠ નાગરિકોને હોય છે ત્યારે કલેકટર આર.જે.હાલાણી અને જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંઘના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા પ્રોએકટીવ કામગીરી કરી મહત્તમ નાગરીકોને રસી આપીને સુરક્ષિત કરવામાં આવી રહયા છે.
આજ દિન સુધી તાપી જિલ્લામાં ૧૯૫૮૬ સિનિયર સિટિઝનને કોરોનાની રસી આપી સુરક્ષિત કરાયા છે. આ પૈકી ૫૧૬૮ હેલ્થ કેર વર્કર, ૬૨૧૨ ફ્રન્ટ લાઈન વર્કર, ૪૫ થી ૬૦ વર્ષની વયના કોમોરબીડ-૮૦૮૩ મળી કુલ ૩૯૦૪૯ લોકોને કોરોનાની રસી આપી સુરક્ષિત કરાયા છે. જે પૈકી કોઈપણ વ્યક્તિને આડઅસર થયેલ નથી. તાપી જિલ્લામાં વિવિધ ૪૮ કેન્દ્રો ખાતે રસીકરણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
કોવિડ વેક્સિનેશન માટે તાપી જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર તથા જનરલ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત ચિલ્ડ્રન હોસ્પિટલ તથા જનક હોસ્પિટલ, વ્યારા ખાતે પણ નિયત ચાર્જમાં વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. જિલ્લામાં વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પદાધિકારીઓ દ્વારા પણ સરપંચો સહિતના ગામ આગેવાનો સાથે પરામર્શ કરી તેમના સહયોગથી વરિષ્ઠ નાગરિકોને રસી લેવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

Exit mobile version