શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામિતના અધ્યક્ષસ્થાને ડાંગમાં ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ:
દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામિતના અધ્યક્ષ સ્થાને, ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત પોષણ ઉત્સવ -૨૦૨૬ અંતર્ગત ટેક હોમ રાશન મીલેટ માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામિતે જણાવ્યું હતું કે, “મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આઈ.સી.ડી.એસ. દ્વારા છેવાડાના વિસ્તારો સુધી ટેક હોમ રાશન બાલશક્તિ, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિ પહોંચાડીને બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રીમાતાઓના પોષણ તેમજ આરોગ્ય સુધારણા માટે સતત પ્રશંસનીય કામગીરી કરી રહી છે.
ડાંગ જેવા વિસ્તારમાં ઉપલબ્ધ પરંપરાગત ધાન્ય પાકો—નાગલી (રાગી), જુવાર, વરાઈ, કોદરી તેમજ શ્રી અન્ન (મિલેટ્સ) અને સરગવાના અસાધારણ પોષક મૂલ્યો વિશે આંગણવાડી કેન્દ્રો મારફત વાનગી નિદર્શન સાથે સ્થાનિક ભાષામાં જાગૃતિ કેળવવામાં આવી રહી છે. આપણાં બાળકો અને મહિલાઓ સુપોષિત બને તે માટે આ સ્થાનિક પૌષ્ટિક ખાદ્યોનો દૈનિક આહારમાં મહત્તમ ઉપયોગ થાય તે અત્યંત અનિવાર્ય છે. વધુમાં સુપોષિત ડાંગના આ સંકલ્પને સાકાર કરવા તમામ વાલીઓ અને નાગરિકો સક્રિય સહભાગી બને તેવો પ્રમુખશ્રીએ તમામને અનુરોધ કર્યો હતો.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે તમામ આંગણવાડી બહેનોને ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવી નિષ્ઠાપૂર્વક કામગીરી કરવાં જણાવ્યું હતું. તેમજ જિલ્લાની આંગણવાડીઓના મકાન ઉપરાંત જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવાં પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે તેમ વધુમાં જણાવ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવોએ પોષણ ઉત્સવ અંતર્ગત બનાવેલ વાનગીઓનું નિદર્શન કર્યું હતું. તેમજ વાનગી સ્પર્ધા,મિલેટ સ્પર્ધા અને THR સ્પર્ધામા એક થી ત્રણ નંબરે આવનાર બહેનોને પ્રમાણ પત્ર અને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમા જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસના અધ્યક્ષ કમળાબેન રાઉત, આરોગ્ય સમિતિના અધ્યક્ષ દિનેશભાઇ હિલિમ, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન પાડવી, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ પવાર, આહવા ગ્રામ પંચાયત સરપંચ હરિરામભાઈ સાંવત સહિત જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા, ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર ડો. હિમાંશુભાઈ ગામિત, તેમજ મોટી આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમના ઉદઘોષક તરીકે વિજયભાઈ ખાંભુએ સેવા આપી હતી.

