શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ગાંધી જયંતી નિમિત્તે શિવારીમાળ અંધજન શાળા ખાતે દિવ્યાંગ બાળકો માટે સહાય પ્રવૃત્તિ કાર્યક્રમ યોજાયો:
ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ ગામીત સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ:
દિનકર બંગાળ, આહવા: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ડાંગ જિલ્લાના શિવારીમાળ સ્થિત અંધજન શાળાના પ્રાંગણમાં દિવ્યાંગ બાળકો માટે વિશેષ સહાય પ્રવૃત્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજુભાઈ ગામીત તથા ઉપપ્રમુખ ઉષાબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ગાવિત, સક્રિય યુવા અગ્રણી ધર્મેશભાઈ પટેલ, સલાહકાર સમિતિના સભ્ય મયુરભાઈ પટેલ, શિવારીમાળ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્મિલાબેન ખૈરાડ તેમજ માનવ કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી જયપ્રકાશ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન માનવ કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જયપ્રકાશ મહેતાએ પૂજ્ય બાપુના જીવનમૂલ્યો—સત્ય, અહિંસા, પ્રેમ, પ્રાર્થના અને સ્વચ્છતા વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે ગાંધીજીના જીવનપ્રસંગો વર્ણવી બાળકોને તે મૂલ્યો આત્મસાત કરવા પ્રેરિત કર્યા હતા. આ સાથે તેમણે સાહસિક પાયલટ સ્મિત મછાર દ્વારા વિમાન બચાવવાની પ્રેરક ઘટના વર્ણવી બાળકોમાં હિંમત, સાહસ અને અડગ આત્મવિશ્વાસનો સંચાર કર્યો હતો.
પ્રસંગોચિત ઉદબોધનમાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજુભાઈ ગામીતે બાળકોને અભ્યાસ અને પરિશ્રમ થકી જીવનમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે દિવ્યાંગ બાળકો અને તેમના પરિવારોને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, સમાજ અને સરકાર હંમેશાં દિવ્યાંગજનોના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે પડખે ઊભા છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના વરદ્ હસ્તે શાળાના તમામ બાળકોને સ્કૂલબેગ અને નોટબુક સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

