Site icon Gramin Today

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા મહિલા કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી:

શ્રોત:ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર 

તાપી: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા, જિ. તાપી ખાતે તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ મહિલા કિસાન દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો મુખ્ય વિષય ‘મહિલાઓનો કૃષિવિકાસમાં ફાળો’ હતો. આ પ્રસંગે તાપી જિલ્લાના વિવિધ ગામોની ૩૨ આદિવાસી મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમનાં અધ્યક્ષ અને માન. સાંસદશ્રી ૨૩-બારડોલી મતવિસ્તાર શ્રી પ્રભુભાઈ વસાવાએ ડીજીટલ માધ્યમ દ્વારા ઓનલાઈન જોડાઈને મહિલાઓનું ખેતી વિકાસમાં યોગદાન વિષે ભાર મૂકતાં જણાવેલ કે મહિલાઓએ કૃષિ અને પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક ટેકનોલોજી અપનાવવી જોઈએ.
તેમણે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલ ખેડૂત બીલ વિષે પણ વિસ્તૃતમાં માહિતી આપી હતી. વધુમાં, કૃષિ વિજ્ઞાન કેન્દ્રની કામગીરી બિરદાવતા ઉપસ્થિત મહિલાઓને સદર કેન્દ્ર ખાતે ટેકનીકલ માર્ગદર્શન મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યાએ સ્વાગત પ્રવચન કરી મહિલાઓનો કૃષિવિકાસમાં અમૂલ્ય ફાળો વિષય ઉપર સવિસ્તાર માહિતી આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ મહિલાઓનો ખેતીકાર્યમાં શ્રમ ઘટે તે માટે ઉપયોગી ખેતઓજારો વિષે ટેકનીકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે સંકળાયેલી પ્રગતિશીલ આદિવાસી ખેડૂતમહિલાઓ કે જેઓ વ્યવસાયિક તાલીમ થકી આયુર્વેદિક કેશતેલ અને નાળિયેરના રેસામાંથી આર્ટિકલ્સ બનાવી વેચાણ કરી આવક ઉપાર્જન કરી રહી છે તેઓને સન્માનપત્ર આપી કામગીરીને બિરદાવી હતી.ત્યારબાદ ઉપસ્થિત સર્વે મહિલાઓને ડાંગરના થ્રેસરના ઉપયોગ અંગે પધ્ધતિ નિદર્શન બતાવવામાં આવ્યું હતું જેથી મહિલાઓમાં શ્રમ ઘટે તેવા ખેતઓજારોના ઉપયોગ માટે જાગૃતિ લાવી શકાય. આ પ્રસંગ નિમિત્તે ચાકધરા અને ધોળકા ગામની ૨૦ આદિવાસી મહિલાઓને બે જૂથમાં ડાંગર થ્રેસર અગ્રિમ
હરોળ નિદર્શન માટે આપવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન અને આભારવિધિ કેન્દ્રના ગૃહવૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ કરી હતી.

 

Exit mobile version