શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
“ઓપરેશન મિલાપ”ની સિદ્ધિ: ડાંગની ગુમ દીકરી ૫૫૦ કિમી દૂર મહારાષ્ટ્રમાંથી મળી
સાપુતારા પોલીસનો સરાહનીય પ્રયાસ: ગુમ દીકરીનો સાંગલીમાંથી સુરક્ષિત બચાવ
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ડાંગ જિલ્લામાં પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા “ઓપરેશન મિલાપ” અંતર્ગત એક વધુ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના સક્રિય માર્ગદર્શન અને દૃઢ નેતૃત્વ હેઠળ ગુમ થયેલા લોકોની શોધખોળ માટે વિશેષ અભિયાન તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક, આહવા વિભાગના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. ગોંડલિયાના નેતૃત્વમાં પોલીસ ટીમે સતત પ્રયત્નો હાથ ધર્યા હતા. ટીમે આધુનિક ટેકનિકલ સાધનો સાથે માનવ સૂત્રોના સુમેળભર્યા ઉપયોગથી તપાસને દિશાબદ્ધ બનાવી હતી.
તપાસ દરમિયાન મહત્વપૂર્ણ માહિતીના આધારે ગુમ થયેલી દીકરીનો પતો મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી જિલ્લાના વિટા ગામે મળ્યો હતો, જે ડાંગ જિલ્લાથી આશરે ૫૫૦ કિલોમીટર દૂર આવેલું છે. પોલીસ ટીમે તાત્કાલિક કાર્યક્ષમતા દાખવીને સ્થળ પર પહોંચી દીકરીને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી.
પોલીસ દ્વારા દીકરીને યોગ્ય કાઉન્સલિંગ કરી માનસિક રીતે સજ્જ કર્યા બાદ તેને સાપુતારા પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. ત્યારબાદ પરિવારજનો સાથે તેનો ભાવુક અને સુખદ મિલાપ કરાવવામાં આવ્યો હતો, જે દૃશ્યે સૌના હૃદયને સ્પર્શી લીધા હતા.
આ સમગ્ર કામગીરી પોલીસની સતર્કતા, પ્રતિબદ્ધતા અને માનવતાવાદી અભિગમનું ઉત્તમ ઉદાહરણ છે. સ્થાનિક લોકો અને સમાજના વિવિધ વર્ગોમાં પોલીસની આ કામગીરીને વ્યાપક પ્રશંસા મળી રહી છે.

