Site icon Gramin Today

એલોપેથિક સારવારની ડિગ્રી વિના દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો ડોક્ટર ઝડપાયો:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલિનકુમાર

ઝંખવાવ ગામે એલોપેથિક સારવારની ડિગ્રી વિના દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો  ડોક્ટર ઝડપાયો.

આરોગ્ય વિભાગની ટીમે પોલીસ સાથે દરોડો પાડી એલોપેથિક દવાના મોટા જથ્થા સાથે ડોકટરની ધરપકડ કરતા પંથકમાં ફફડાટ: 

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે એલોપેથિક સારવાર આપવાની કોઇ ડિગ્રી નહીં ધરાવતા ડોક્ટરે એલોપેથિક સારવાર આપી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસે સંયુક્ત દરોડો પાડી ડોક્ટરને એલોપેથિક દવાના જથ્થા સાથે ઝડપી પાડયો હતો.ઝંખવાવ ગામના બજારમાં હોમિયોપેથીક ડી.એચ.એમ.એસની ડીગ્રી ધરાવતા ડોક્ટર પ્રકાશ સુદામ પાટીલ પોતાનું દવાખાનુ ચલાવે છે.તેઓ પાસે એલોપેથિક સારવારની કોઈ ડીગ્રી નહીં હોવા છતાં બિનઅધિકૃત રીતે એલોપેથિક સારવાર કરી દર્દીના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હોવાની ફરિયાદ સ્થાનિક નાગરિક દ્વારા તાલુકા જિલ્લાથી લઇ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સુધી કરવામાં આવી હતી જેથી ઉચ્ચ અધિકારીઓના આદેશને પગલે મેડિકલ ઓફિસર જૈમિનીબેન જગતસિંહ વસાવાના નેજા હેઠળ આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે ઉપરોક્ત ડોક્ટરના દવાખાને સંયુક્ત રેડ કરી હતી.આ સમયે કંમ્પાઉન્ડર ધર્મેશભાઈ જોગીભાઈ ચૌધરી હાજર હતો તેની પણ પૂછપરછ કરવામાં આવતા તેણે પોતે દર્દીઓને લાઈનમાં બેસાડી દેખરેખ રાખતા હોવાનું જણાવ્યું હતું. દવાખાનામાં ડોક્ટર પ્રકાશભાઈ સુદામભાઈ પાટીલ મળી આવતા તેમની ડિગ્રી બાબતે ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેમણે હોમિયોપેથીક ડી.એચ.એમ.એસની ડીગ્રીનું સર્ટીફીકેટ બતાવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે ડોક્ટરને સાથે રાખી તેમના દવાખાનામાં તપાસ કરતા એલોપેથિક દવાની બોટલો ટેબલેટ ઇન્જેક્શનો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. જેથી એલોપેથિક દવાથી ગેરકાયદેસર રીતે તેઓ દર્દીઓની સારવાર કરી રહ્યા હોવાનું ફલિત થયું હતું દવાનો મોટો જથ્થો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.ડોક્ટર પ્રકાશ પાટીલ ગુજરાત મેડીકલ પ્રેક્ટિસ એક્ટ ૧૯૬૩ની જોગવાઈનો ભંગ કરી દર્દીના આરોગ્ય સાથે ચેડા કરતા પકડાઈ ગયા હોવાથી તેમના વિરુદ્ધ ગુજરાત મેડીકલ પ્રેક્ટિસ એક્ટની કલમ 35 હેઠળ મેડિકલ ઓફિસર જૈમિનીબેન ભગતસિંહ વસાવાએ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ડોક્ટર પ્રકાશ પાટીલની ધરપકડ કરી હતી.

Exit mobile version