Site icon Gramin Today

એક ૯૯ વર્ષનાં દાદાએ કોરોના મહામારીમાં એવું શું કર્યું કે સોસિયલ મીડિયામાં થયાં વાયરલ?

૯૯ વર્ષની વયોવૃદ્ધ  ઉમરે બીજાની મદદ માટે દેશને કોરોના મહામારીમાં આપ્યા ૫૧૦૦૦/રૂપિયા!   આ ઉંમરે લોકો મદદ લે છે પણ રત્ના દાદાએ કોરોના મહામારીમાં આપ્યો સહયોગ અને  આજે સોસિયલ મીડિયામાં ગુજરાતનાં લોકો દાદાને સલામ કરી રહ્યા છે!

આપણો ભારત દેશ મહાન છે એમજ કોઈ અમથું નથી કહેતું  કારણકે ભારત પાસે રત્નાબાપા જેવા મુઠ્ઠી ઊંચેરા માણસો પણ છે.

 એક વયોવૃદ્ધ માણસ લાકડીના ટેકે ટેકે જૂનાગઢની કલેક્ટર કચેરીના પગથિયાં ચડીને મુખ્ય દરવાજે આવ્યા. દરવાજે રહેલા ચોકીદારે દાદાના હાથમાં સેનીટાઇઝર આપતા પૂછયું, ‘દાદા, કેટલા વરસ થયા ?’ દાદાએ ધ્રુજતા અવાજે કહ્યું, ‘ભાઈ ૯૯ મું ચાલે છે’. ચોકીદારે પૂછ્યું , ‘કોઈ મદદ લેવા આવ્યા છો ?’ દાદાએ કહ્યું, ‘ના ભાઈ કોઈ મદદ લેવા નથી આવ્યો. આપણો દેશ અત્યારે ઉપાધિમાંથી પસાર થઈ રહ્યો છે એટલે મારી મરણમૂડી મુખ્યમંત્રી રાહતફંડમાં આપવા આવ્યો છું. મારી પાસે અંગત બચતની થોડી રકમ પડી હતી તેમાંથી ૫૧૦૦૦નો ચેક કલેક્ટર સાહેબને આપવા આવ્યો છું.’

આ દાદાનું નામ છે રત્નાભાઈ મનજીભાઈ ઠુમર. તમને જાણીને આશ્વર્ય થશે કે 99 વર્ષના આ દાદા ૧૯૭૫થી ૧૯૮૦ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા રત્નાબાપાએ ધારાસભ્ય તરીકે પોતાનો પગાર પણ નથી લીધો અને પેન્શન પણ નથી લીધું. ધારાસભ્ય હતા ત્યારે પણ સરકારી બસમાં જ સામાન્ય મુસાફર તરીકે મુસાફરી કરી છે.

ભારતમાં જ્યારે અનાજની તંગી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીએ ભારતના લોકોને અઠવાડિયામાં એક દિવસ એક ટંકનું ભોજન છોડવા માટે અપીલ કરી હતી. રત્નાબાપાએ ત્યારથી દર સોમવારે એક ટંક જમવાનું છોડી દીધું જે નિયમ 99 વર્ષની જૈફ વયે તૂટવા નથી દીધો. સલામ છે રત્ના બાપાને.

૫૧૦૦૦નો ચેક જૂનાગઢના એડિશનલ કલેક્ટરને અર્પણ કર્યો ત્યારે રત્નાબાપાએ કહ્યું, ‘સાહેબ, હું વૃદ્ધ છું એટલે આવેલા સંકટ સામે લડાઈ લડવામાં મારું શરીર તો કામમાં આવે એમ નથી પણ મારી થોડીઘણી બચત હતી તે દેશને કામમાં આવે એટલે અર્પણ કરું છું.’ ગર્વ છે મને મારાં ભારત દેશ તથાં દેશનાં નાયક રત્નાભાઈ મનજીભાઈ ઠુમર જેવી વ્યક્તિઓ માટે! 

Exit mobile version