શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
આહવા ગ્રામસભામાં સરકારી બાબુઓ ગેરહાજર રહેતા વાતાવરણ ગરમાયો :
ગ્રામજનો DDO ને ફરિયાદ કરી ધ્યાન દોરશે :
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આજે ૧૧/૧૦/૨૦૨૫ ના રોજ ખાસગ્રામસભાનો ઠરાવ તા.૦૨/૧૦/૨૦૨૫ ના રોજે ગ્રામસભામાં કરવામાં આવેલ હતો. પરંતુ ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ અને વહીવટી પારદર્શિતા માટે ફરજિયાત ગણાતા મોટાભાગના જવાબદાર સરકારી બાબુઓની ગેરહાજરી જોવા મળી હતી. માત્ર સરપંચશ્રી સભામાં હાજર રહ્યા હતા. જેથી વાતાવરણ તંગ બનવા પામ્યો હતો. ગ્રામસભાનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના વિકાસના કાર્યો, જાહેર સુવિધાઓ અને અન્ય મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો હતો. જેથી ગ્રામજનો ઉત્સાહપૂર્વક ભાગ લેવા આવ્યા હતા. પાણી, રસ્તા, સફાઈ તથા અન્ય સ્થાનિક સમસ્યાઓ અંગે પોતાના પ્રશ્નો રજૂ કરવાના હતા. જોકે, સંબંધિત વિભાગના અધિકારીઓની ગેરહાજરીને કારણે આ પ્રશ્નોનો સ્થળ પર જ કોઈ સંતોષકારક જવાબ કે નિરાકરણ મળી શક્યું ન હતુ, જેનાથી ગ્રામજનોમાં નિરાશા અને રોષની લાગણી ફેલાઈ હતી.
આહવાના જાગૃત નાગરિકો અને ગ્રામજનો દ્વારા અધિકારીઓની આ બેજવાબદારી ભરી ગેરહાજરીને લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું છે. સમગ્ર ગંભીર બાબતની નોંધ લઈને, આહવાના ગ્રામજનો અને આગેવાનો દ્વારા આ ગેરહાજર રહેલા જવાબદાર અધિકારીઓ સામે સોમવાર, તા.૧૩/૧૦/૨૦૨૫ ના રોજ જિલ્લા વિકાસ અધિકારી (DDO) ડાંગને સત્તાવાર ફરિયાદ કરવામાં આવશે તેવી બાતમી મળી રહી છે.
ગ્રામજનોએ માંગણી કરી છે કે, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ મામલે સત્વરે યોગ્ય તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં આ પ્રકારની બેદરકારી ન થાય તે માટે ગેરહાજર રહેલા અધિકારીઓ સામે કાયદેસરની અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે. સ્થાનિક વહીવટની આ પ્રકારની બેદરકારીથી ગ્રામવિકાસના કાર્યોમાં અવરોધ ઊભો થવાની સંભાવના પણ છે, જે અંગે ઉચ્ચ અધિકારીઓનું તાત્કાલિક ધ્યાન દોરવું જરૂરી થવા પામ્યુ છે.