Site icon Gramin Today

આદિવાસી સમાજ દ્વારા કેવડિયામાં આક્રોશ મહારેલી અને મહાસંમેલન યોજાશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

આદિવાસી સમાજ દ્વારા કેવડિયામાં આક્રોશ મહારેલી અને મહાસંમેલન યોજાશે;

આદિવાસી સમાજની બહેનોને ન્યાય માટે હજારો આદિવાસી મહિલાઓ અને યુવાનો રોડ પર ‌ઉતરશે: ડૉ.પ્રફુલ વસાવા

એક તરફ સરકાર મહિલાઓના વિકાસ અને સશક્તિકરણના નામ પર ઘણાં કાર્યક્રમ યોજે છે, અને બીજી તરફ સ્થાનિક આદિવાસી મહિલાઓ અને યુવાનો સાથે અને સમાજ સાથે દગા બાજી કરે છે,  તે વ્યાજબી નથી..!

આદિવાસીઓનું ઐતિહાસિક ગામ કેવડિયાનું નામ બદલી એક્તા નગર કરી દેવામાં આવ્યું છે જેનો ખાસ વિરોધ કરવામાં આવશે: ડૉ.પ્રફુલ વસાવા

નર્મદા જિલ્લામાં ૧૨ જૂન, ૨૦૨૨ રવિવાર નાં રોજ ‌કેવડિયા બચાવો આંદોલન સમિતિ નાં અગ્રણી ડો. પ્રફુલ વસાવા ની આગેવાનીમાં ભાજપ સરકાર દ્વારા કેવડિયા અને નર્મદા જિલ્લાનાં આદિવાસીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે, જે બાબતે કેવડિયામાં આક્રોશ મહારેલી અને મહાસંમેલન યોજાશે. તેમ ડૉ.પ્રફુલ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું છે.

કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી માંથી ૧૫૦ આદિવાસી બહેનો ‌ને નોકરી માંથી એકાએક છુટા કરી દેવામાં આવી છે, જેમાં કેટલીક બહેનો વિધવા છે, આખાં પરિવાર ની જવાબદારી છે, પોતાની સાથે થયેલ અન્યાયનાં વિરોધ માં છેલ્લા ૧૦ દિવસ થી આ બહેનો ભુખ હડતાલ પર બેઠી હોવાં છતાં ભાજપ સરકારનાં પેટ નું પાણી હાલતું નથી, જેથી આદિવાસી સમાજની બહેનોને ન્યાય માટે લોકો રોડ પર ‌ઉતરશે.

આ સંમેલનમાં ભાજપ સરકાર દ્વારા જે આદિવાસીઓનું ઐતિહાસિક ગામ કેવડિયાનું નામ બદલી એક્તા નગર કરી દેવામાં આવ્યું છે જેનાં વિરોધ કરવામાં આવશે. ગુજરાત ભાજપ સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ લાવી કેવડિયા વિસ્તારનાં ‌પહેલા ૬ ગામ ત્યારબાદ ૧૪, ૧૯ અને હવે ૨૪ ગામોની જમીનો પડાવવા મોટાં ષડયંત્ર ચાલી રહ્યા છે. SOU એકટ ને લીધે જળ, જમીન, જંગલ અને આદિવાસી સમાજનાં અસ્તિત્વ સામે જોખમ ઉભું થયું છે, તેમજ આદિવાસી ઓનાં બંધારણીય અધિકારો નું હનન થઈ રહ્યું છે.

ભાજપ સરકારે નર્મદા જિલ્લામાં ૧૨૧ ગામોની જમીનો હડપવા માટે ઇકો સેન્સેટીવ ઝોન લાગું કર્યોં છે અને હજી સુધી આ કાયદાને ભાજપ સરકારે રદ્ કરેલ નથી જેનાં વિરોધમાં આદિવાસી સમાજ રોડ પર ઉતરશે.

નર્મદા ડેમનાં વિસ્થાપિતો એ એક વર્ષ સુધી કેવડિયામાં ઉપવાસ કર્યા ત્યારબાદ ભાજપના નેતાઓ સરકાર નાં મંત્રીઓ એ વિસ્થાપિતો ને ખોટા‌ વચનો આપી પારણાં કરાવ્યા પાંચ વર્ષ વિતી ગયા સમાધાનને પરંતુ ભાજપ સરકાર નર્મદા ડેમ વિસ્થાપિતોની માંગણી પુરી નહીં કરી વિસ્થાપિતો સાથે દગો ‌કર્યો છે.

ગુજરાત ભાજપ સરકાર દ્વારા કેવડીયા વિસ્તારની મહિલાઓ, યુવાનો, ખેડૂતો, આંદોલનકારીઓ પર જે ખોટાં કેસો ‌કરવામા આવ્યાં છે, તે પરત લેવામાં આવે.

કેવડીયા વિસ્તારમાં જમીનો આપનારા પરિવાર અને ગરુડેશ્વર, નાંદોદ, તિલકવાડા તાલુકા નાં બેરોજગાર સ્થાનિક યુવાનોને કાયમી નોકરી આપવાની માંગ સાથે કેવડિયા બચાવો આંદોલન સમિતિનાં અગ્રણી ડૉ. પ્રફુલ વસાવાનાં આહવાન પર ‌હજારો આદિવાસી મહિલાઓ, યુવાનો રોડ પર ઉતરશે તે નક્કી છે.

Exit mobile version