શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદાનાં અંતરિયાળ વિસ્તાર આઝાદી વર્ષો બાદ પ્રથમવાર બનેલ 3 કિ.મી.ના રસ્તામાં ભ્રષ્ટાચાર થયાનો ગામ લોકોનો આક્ષેપ:
1 કરોડ 5 લાખની ગ્રાન્ટ વાળા રસ્તામાં 7 નાળાનો સમાવેશ પરંતુ નાળા બન્યા પહેલા પાકો રસ્તો બની જતા નાળા બનશે કે કેમ ? તેવો ગ્રામજનોનો સવાલ:
ડેડીયાપાડા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામોમાં રસ્તાના કામોમાં કેટલાક ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટર દ્વારા હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરી તેમજ તકલાદી કામ કરી સરકારી ગ્રાન્ટ વાપરી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ની મીલીભગતને કારણે ભ્રષ્ટાચાર થયા ની સ્થાનિકો દ્વારા વાંરવાર ફરિયાદો કરવામાં આવતી હોય છે.
ડેડીયાપાડા તાલુકાના ટેકવાડા ગામ થી ગઢ ગામ સુધી ના 3 કિલોમીટર બનેલા રસ્તામાં સ્થાનિક લોકો દ્વારા ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવ્યો છે. માંડ બે મહિના પહેલા બનેલો રસ્તો વરસાદ ઓછો હોવા છતાં ધોવાય ગયો છે. કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરી રસ્તા નું તકલાદી કામ કરતા રસ્તા પરની કપચી અને ડામર હાથ વડે જ ઉખડી જાય છે. રસ્તામાં ખાડા પાડવા લાગ્યા છે. ડામર ના ઓછા ઉપયોગને કારણે રસ્તા વચ્ચે કપચી પણ નીકળી જવા લાગી છે. તેમજ 3 કિ.મી.ના આ રસ્તાની મંજૂર થયેલી ગ્રાન્ટમાં સાત જેટલા નાળાઓ બનાવવાનો પણ સમાવેશ થાય છે ત્યારે નવા નાળા બનાવ્યા વગર જુના નાળાઓ પર જ નવો રસ્તો બની જતા નવા નાળા બનશે કે કેમ? તે ગામ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.