Site icon Gramin Today

વિકાસ સપ્તાહ, પ્રથમ દિન: યુવા સશક્તિકરણ દિવસ

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ 

વિકાસ સપ્તાહ, પ્રથમ દિન: યુવા સશક્તિકરણ દિવસ

ડાંગ જિલ્લાના યુવાનો પણ જુદા જુદા ક્ષેત્રે વગાડી રહ્યા છે ડંક:

ખેલ મહાકુંભના પરિણામે ૧૧ જેટલા ખેલાડીઓએ વિવિધ રમતોમા આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનુ ગૌરવ વધાર્યું:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૪ વર્ષમાં ગુજરાતના યુવાઓને સશક્ત બનાવવા અને તેમની બુદ્ધિ પ્રતિભા અને ક્ષમતાઓને તક મળે તેવા વાતાવરણનું નિર્માણ કરવા અનેકવિધ પ્રયાસો કર્યા છે. વડાપ્રધાનશ્રીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે નિમિત્તે ગુજરાતમાં તા.૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે, વિશ્વમાં સૌથી વધુ યુવા વર્ગ ધરાવતા ભારત દેશના યુવાનોમાં રહેલી પ્રતિભાને વડાપ્રધાનશ્રીએ નવી દિશા આપી છે. જે સંદર્ભે તા.૦૭ ઓક્ટોબરે ‘યુવા સશક્તિકરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ-૨૦૧૦માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના યુવાનોનો રમત ગમત ક્ષેત્રે રસ વધે તે શુભ આશય સાથે ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. આજે ખેલ મહાકુંભના માધ્યમથી રાજ્યના ૧૧ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાતી સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જેમાં ગુજરાતની માના પટેલે સ્વીમીંગ રમતમાં, એલાવેનીલ વાલરીવને-શુટિંગમાં, તસ્નીમ મીરે-બેડમિન્ટનમાં, સરિતા ગાયકવાડ અને  મુરલી ગાવિતે-એથ્લેટીકસમાં,  મોક્ષ દોશીએ-ચેસમાં,  દ્વીપ શાહે-સ્કેટીંગમાં, અનિકેત દેસાઇએ-સોફટ ટેનીસમાં, કલ્યાણી સક્સેનાએ- સ્વીમીંગમાં, વિશ્વા વાસણવાલાએ-ચેસમાં, સનોફર પઠાણે-કુસ્તીમાં,  અનુષ્કા પરીખે-બેડમિન્ટનમાં, માધવીન કામથ અને ઝીલ દેસાઇએ-ટેનીસમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવીને ગુજરાતના યુવાઓને પ્રેરણા આપી છે.

કોઈ પણ દેશ ત્યારે જ સશક્ત બને છે, જ્યારે તે દેશના યુવાઓ સશક્ત બને. ખેલ મહાકુંભ જેવા માધ્યમથી ગુજરાતના યુવાનો આજે રમત ગમત ક્ષેત્રે પોતાની સુવર્ણ કારકિર્દી ઘડવાની સાથે દેશ- રાજ્યનું પણ નામ રોશન કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “રમશે ગુજરાત, જીતશે ગુજરાત” અને ‘ખેલે તે ખીલે’ જેવા મંત્ર સાથે શરુ કરેલા ખેલ મહાકુંભે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના પ્રતિભાવાન બાળકો-યુવાઓના સપનાને નવી પાંખ આપી છે. રાજ્યના નાગરિકોની રમત-ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય, શારિરીક તદુંરસ્તી જળવાય અને રમત-ગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી ખેલ મહાકુંભનું ગ્રામ્ય કક્ષાએથી રાજ્યકક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં આજે ખેલ મહાકુંભ વર્ષ-૨૦૨૫માં ૭૨ લાખથી વધુ રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન થયા છે. જેમાં ૪૩.૮૦ લાખથી વધુ પુરુષ ખેલાડીઓ અને ૨૮.૭૪ લાખથી વધુ મહિલા ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજરાતના યુવા ખેલાડીઓ માટે આ વર્ષે ખેલ મહાકુંભ તાલુકા કક્ષાની સ્પર્ધા આગામી  તા. ૦૬ થી ૧૦ નવેમ્બર દરમિયાન, જિલ્લા કક્ષાની સ્પર્ધા તા. ૧૧ થી ૩૦ નવેમ્બર દરમિયાન, ઝોન કક્ષાની સ્પર્ધા તા. ૦૧ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન તેમજ રાજ્ય કક્ષાની સ્પર્ધા તા. ૧૬ થી ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુવાનો રમત-ગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડીને આગળ વધી શકે તે માટે આ વર્ષના બજેટમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનાં માળખાગત સુવિધાઓના વિકાસ અર્થે રૂ.૧૨૫ કરોડની જોગવાઈની મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પેરા હાઈ પર્ફોમેન્સ સેન્ટરનું નિર્માણ કરવા માટે પણ રૂ.૩૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ડાંગ જિલ્લાની વાત કરીએ તો, ડાંગની માટીની મહેક વિશ્વમાં પ્રસરાવતા ખો ખો વર્લ્ડ કપની ફાઈનલમાં ભાગ લેનાર ભારતીય (વુમન્સ) ખો ખો ટીમના એક ખેલાડી તરીકે ડાંગની યુવતી કુ. ઓપીના ભિલારે નવ નંબરની જર્સી સાથે રમત પ્રેમીઓનું ધ્યાન ખેચ્યું હતું. તો ડાંગનો અન્ય એક યુવક શ્રી ભોવાન રાઠોડ પણ માઉન્ટ એવરેસ્ટ સર કરવાના સ્વપ્ન સાથે હિમાલયના ડુંગરા ખૂંદી રહ્યો છે. ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ અને ડાંગ એક્સ્પ્રેસ મુરલી ગાવિતે એથ્લેટિક્સમાં ડાંગને ગૌરવ પ્રદાન કર્યું છે. તો સાથે સાથે ડાંગના ચનખલ ગામની યુવતી મોનાલીસા પટેલ, માળગા ગામની જયુ ચૌર્યા અને રાહુલ પવાર બોલીવુડ અને ટેલીવુડ ક્ષેત્રે પદાર્પણ કરી ચૂક્યા છે.

Exit mobile version