Site icon Gramin Today

પ્રાથમિક શાળા ગારદા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

પ્રાથમિક શાળા ગારદા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી: 

નર્મદા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શ્રીમતી શાંતાબેન વસાવાના હસ્તે શાળા તેમજ આંગણવાડી નાં બાળકોને રંગેચંગે પ્રવેશ કરાવ્યો;

ડેડીયાપાડા: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા. ૨૩,૨૪ અને ૨૫ જૂન ત્રણ દિવસ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ અને આંગણવાડીમાં બાળકોને પ્રવેશ કરાવી પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે, તે અંતર્ગત ડેડિયાપાડા તાલુકાના પ્રાથમિક શાળા ગારદા માં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ની ઉજવણી નર્મદા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શ્રીમતી શાંતાબેન વસાવાની અધ્યક્ષતામાં પ્રાથમિક શાળા ખાતે ધોરણ-૧ માં પ્રવેશપાત્ર ભૂલકાંઓ અને આંગણવાડીના બાળકોને રંગેચંગે શાળા પ્રવેશ કરાવ્યો હતો.

આ અવસરે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના મહોત્સવને સંબોધતા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શાંતાબેન વસાવાએ જણાવ્યું હતું કે સરકારના અથાગ પ્રયત્નોથી બાળકોને તેનો શિક્ષણનો અધિકાર મળી રહ્યો છે. સરકારના પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવથી બાળકોનો ડ્રોપ આઉટ રેસિયો ઘટ્યો છે. શાળાઓમાં બાળકોને શિક્ષણ પ્રત્યે રુચિ વધી છે. તેમજ શાળામાં નવા પ્રવેશ પામેલા બાળકોને શુભેચ્છાઓ આપી હતી. અને દરવર્ષે શાળામાં શિક્ષણ માટે ની સ્ટેશનરી કીટ આપતા જાગૃત યુવા કાર્યકર સર્જન વસાવા નું જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના  ચેરમેન શાંતાબેન વસાવા દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં લાઇઝન ઓફિસર (બી.આર.સી) મહેન્દ્રભાઈ, સામાજિક કાર્યકર જયેશભાઈ વસાવા, સામાજિક કાર્યકર પ્રતાપભાઈ વસાવા, આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા ચેરમેન સર્જન વસાવા, ગ્રામ પંચાયતનાં સભ્ય અલ્પેશભાઈ વસાવા, શાળાના આચાર્યશ્રી ચંપકભાઈ વસાવા, મદદનીશ શિક્ષિકા શ્રીમતી જ્યોત્સનાબેન, SMC નાં સભ્યો,આંગણવાડી કાર્યકરો, શાળાના બાળકો, તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળા પ્રવેશોત્સવ બાદ શાળા સંકુલમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી નાં હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યશ્રી ચંપકભાઈ વસાવાએ કર્યું હતું.

Exit mobile version