શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા, સર્જન વસાવા.
નર્મદા: સરદાર સરોવર ડેમમાં છોડવામાં આવેલ પાણી નર્મદા નદી કિનારાઓમાં વસતાં ખેડૂતો માટે અતિભારે વરસાદ બન્યો માથાનો દુખાવો: લાખોનો પાક નિષ્ફળ જવાની ભીતિ!
નર્મદા નદી માં પાણી છોડતાં નાંદોદ તાલુકાના ધાનપોર ગામે ખેતરોમાં પાણી ફરિ વળતાં ખેડૂતોના ઉભા પાક ધોવાયા.
નર્મદા ડેમના ઉપર વાસ મધ્યપ્રદેશ માં અતિ ભારે વરસાદ ને કારણે સરદાર સરોવર નર્મદા ડેમ માં પાણીની ભારે માત્રામાં આવક થઈ રહી છે, ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમ માંથી નર્મદા નદીમાં 8 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાઇ રહ્યું છે, ત્યારે ભરૂચ, નર્મદા તેમજ વડોદરા જિલ્લાના અમુક નર્મદા કાંઠાના વિસ્તારો માં એલર્ટ જાહેર કરાયા છે, ત્યારે નર્મદા જિલ્લાના સિસોદ્રા, ધાનપોર સહિત ના ગામો માં ખેતરો માં પાણી ભરાતા ખેડૂતોનો ઉભા પાક ને ભારે નુકશાન થવા પામ્યું છે.
નાંદોદ ના ધાનપોર ગામ પાસે નર્મદા અને કરજણ નદી ભેગી થાય છે ત્યારે નદીઓ માં પાણી છોડવાથી કેળા, પપૈયા, કપાસ દીવેલા,મગ ,તુવેર ,શેરડી વગેરે પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે, ઉપરાંત ખેતરમાં પાણી માટે નાખેલી ડ્રીપ લાઈન પણ તણાઈ જતા વધુ નુકશાન ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે.
આ બાબતે ખેડૂતો જણાવે છે કે અગાઉ કોરોના મહામારીમાં પાકોના ભાવ ન મળવાથી ખેડૂતો પાયમાલ બન્યા છે, ત્યારે હાલ પુર ની પરિસ્થિતિ માં ખેતરોનો ઉભો પાક ધોવાઈ જતા ખેડૂતો ને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે, તો તંત્ર યોગ્ય સર્વે કરી ખેડૂતો ને વળતર આપે તેવી લોક માંગ ઉઠી છે.