Site icon Gramin Today

દંડકવન આશ્રમમાં 11મો વાર્ષિક ઉત્સવ આધ્યાત્મિક ઉમંગ સાથે ભવ્ય રીતે સંપન્ન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

દંડકવન આશ્રમમાં 11મો વાર્ષિક ઉત્સવ આધ્યાત્મિક ઉમંગ સાથે ભવ્ય રીતે સંપન્ન:

કમલેશ ગાંવિત, વાંસદા: વાંસદા નજીક આવેલ દંડકવન આશ્રમ ખાતે 11મો વાર્ષિક ઉત્સવ અદભૂત ભવ્યતા, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઊર્જાના માહોલમાં ઉજવાયો હતો. ત્રણ દિવસ સુધી ચાલેલા આ મહોત્સવે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ પાથર્યું હતું. વાંસદા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે આશ્રમ પરિસર ભક્તિરસથી છલકાયું હતું.

ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને આયોજનકર્તાઓ દ્વારા મંડપમાં મિસ્ટ ફેન (પાણીના ફુવારા) જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી, જેના કારણે ભક્તોએ આરામદાયક અને શીતળ વાતાવરણમાં ધાર્મિક કાર્યક્રમોનો આનંદ માણ્યો હતો.

ઉત્સવનો એક વિશેષ આકર્ષણ બની રહેલી ભવ્ય શોભાયાત્રા આચાર્ય પરિવારના માર્ગદર્શન હેઠળ વાંસદા ગામમાં નીકળી હતી. આ શોભાયાત્રામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર માર્ગ પર ફૂલોથી પુષ્પવર્ષા કરી ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. સાથે સાથે વિવિધ વિસ્તારોમાંથી આવેલા ભક્તો માટે ઠંડા સરબત અને પીવાના પાણીની સુવિધા ગોઠવાઈ હતી, જે સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું હતું.

ધાર્મિક કાર્યક્રમોની શ્રેણીમાં 1100 કુંડીયાનો વિશ્વ શાંતિ વૈદિક મહાયજ્ઞ વિશેષ આકર્ષણ રહ્યો હતો. આ મહાયજ્ઞમાં અનેક ભક્તોએ ભાગ લઈ યજ્ઞકુંડમાં આહુતિઓ આપી અને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થનાઓ કરી હતી. સંત પ્રવર શ્રી વિજ્ઞાન દેવજી મહારાજની પ્રેરણાદાયી દિવ્યવાણી અને શ્રી સ્વતંત્ર દેવજી મહારાજની અમૃતવાણીથી ભક્તોમાં નવી આધ્યાત્મિક જાગૃતિ અને આત્મિક શાંતિનો સંચાર થયો હતો.

ત્રણ દિવસીય આ આધ્યાત્મિક મહોત્સવ દરમિયાન હજારો ભક્તોએ ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો. વિવિધ ધાર્મિક વિધિઓ સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઉત્સવને જીવંત બનાવ્યો હતો.

ઉત્સવનું વિશેષ આકર્ષણ ઉત્તરાધિકારી સંત પ્રવર શ્રી વિજ્ઞાન દેવજી દ્વારા આશરે 2000 જેટલા નવા ભક્તોને ધ્યાન તાલીમ (ઉપદેશ) આપવાનો કાર્યક્રમ રહ્યો હતો, જેના કારણે અનેક લોકો આધ્યાત્મિક માર્ગે આગળ વધવા પ્રેરિત થયા હતા.

સમગ્ર ઉત્સવ દરમિયાન વાંસદા તેમજ આસપાસના ગામોના ભક્તોએ ભારે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ભાગ લીધો હતો. સુવ્યવસ્થિત આયોજન, સેવાભાવ અને ભક્તિભાવના સંગમથી આ ઉત્સવ એક યાદગાર અને સફળ આધ્યાત્મિક મહોત્સવ તરીકે નોંધાયો હતો.

Exit mobile version