Site icon Gramin Today

ડાંગ કલેક્ટર એન. ડી.પરમારે ધવલીદોડ ખાતે આયોજીત સમર યોગ કેમ્પમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થી સાથે સાધ્યો સંવાદ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ કલેક્ટર એન. ડી.પરમારે ધવલીદોડ ખાતે આયોજીત સમર યોગ કેમ્પમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થી સાથે સાધ્યો સંવાદ:

વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવી યોગ ટ્રેનર બનવા પ્રોત્સાહિત કર્યાં:

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે સમગ્ર રાજ્યમાં ૨૨૫ જેટલા સમર યોગ કેમ્પ યોજાઇ રહ્યાં છે. જે પૈકી ડાંગ જિલ્લામાં પણ કુલ ૪ જેટલા સમર યોગ કેમ્પનું આયોજન કરાયું છે. જે પૈકી આહવા તાલુકાના ધવલીદોડ ગામે આયોજીત યોગ સમર કેમ્પમાં જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમારે વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.

કલેક્ટર શ્રી પરમારે વિદ્યાર્થીઓના સંસ્કાર ઘડતરમાં યોગનું મહત્વ સ્પષ્ટ કરી વિદ્યાર્થીઓને વહેલા ઉઠવાની ટેવ અને શિસ્તબદ્ધ જીવનશૈલી માટે પ્રોત્સાહિત કર્યાં હતાં. જેથી, તેઓ મોબાઈલ અને અન્ય ગેજેટ્સથી દૂર રહીને પોતાની સર્જનાત્મકતામાં વધારો કરી શકે. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોના પરિચય સાથે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સકારાત્મકતાનો વિકાસ થાય તે અંગે પણ કલેકટરશ્રી એ આ વેળા માર્ગદર્શન આપ્યું હતું.

આ યોગ સમર કેમ્પમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો’ ના સંદેશને ગુંજતો કરતા કેમ્પના તમામ બાળકોને હાયજેનિક કીટ, ઉપરાંત સ્ટેટશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગ્રામજનો, સરપંચશ્રી તથા તુળજા ભવાની આયુર્વેદિક મંડળ તરફથી બાળકો અને વાલીઓ માટે મંડપ સુવિધા, પૌષ્ટિક નાસ્તો અને લીંબુ શરબત ઉપલબ્ધ કરાવાયું હતું.

આ પ્રસંગે ધવલીદોડ સરપંચ સુશ્રી હર્ષિદાબેન ગાંગોડા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઝોન કો-ઓર્ડીનેટર સુશ્રી પ્રીતિબેન પાંડે, જિલ્લા યોગ કો ઓર્ડીનેટર પ્રિયંકા ભોયે, મહિલા અને બાળ અધિકારીશ્રી ડો. મનીષાબેન મુલતાની, શાળાના આચાર્ય શ્રી રામુભાઈ, સામજીક આગેવાન શ્રી રમેશભાઈ ગાંગોડા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Exit mobile version