શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગના પોળસમાળ ગામમાં ડેમના કામમાં ગુણવત્તા મુદ્દે વિવાદ:
ડેમ ઊંડાણ અને પાળ બાંધકામના લાખો રૂપિયાનો પ્રોજેક્ટમાં ગોટાળાની શંકા, તટસ્થ તપાસ અને કાર્યવાહીની માંગ:
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કીરલી ગ્રામ પંચાયત હેઠળ આવેલા પોળસમાળ ગામમાં ચાલી રહેલા ડેમ ઊંડાણ અને પાળ બાંધકામના કામમાં ભ્રષ્ટાચાર તથા બોગસ કામગીરી થઈ રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મુદ્દે ડાંગ જિલ્લા આઈ.ટી. સેલના પ્રમુખ મનીષભાઈ મારકણાએ જિલ્લા વિકાસ અધિકારી (DDO), ડાંગ-આહવાને લેખિત આવેદનપત્ર પાઠવી તટસ્થ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગણી કરી છે.
પોળસમાળ ગામના સમસ્ત ગ્રામજનો વતી કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે સરકારની યોજના હેઠળ ગામમાં ડેમ ઊંડાણ અને પાળ (પિચિંગ/પ્રોટેક્શન વોલ) બનાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે, કોન્ટ્રાક્ટર અને સંબંધિત એજન્સી દ્વારા કામગીરીમાં અત્યંત નબળી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આવેદનપત્ર મુજબ બાંધકામ દરમિયાન સિમેન્ટ, રેતી અને કપચીનું જરૂરી પ્રમાણમાં મિશ્રણ કરવામાં આવ્યું નથી. માત્ર ઉપરથી સિમેન્ટનું પાતળું પ્લાસ્ટર કરીને અંદરથી પોલું અને નબળું માળખું ઊભું કરવામાં આવ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. આક્ષેપને સમર્થન આપતા ફોટોગ્રાફ્સ અને વિડિયો પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. રજૂ કરાયેલા દૃશ્યોમાં સામાન્ય લાકડીના પ્રહારથી બાંધકામ તૂટી પડતું હોવાનું તેમજ અંદરથી માત્ર માટી અને પથ્થરો બહાર આવતા હોવાનું દર્શાવવામાં આવ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, જો હાલની સ્થિતિ યથાવત રહેશે તો ચોમાસા દરમિયાન સામાન્ય પાણીના પ્રવાહમાં પણ પાળ તૂટી જવાની શક્યતા છે. જેના કારણે સરકારના લાખો રૂપિયાના ખર્ચનો વ્યય થવા ઉપરાંત ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
મનીષભાઈ મારકણાએ જિલ્લા વિકાસ અધિકારીને સમગ્ર કામગીરીની તટસ્થ અને ટેકનિકલ તપાસ કરાવવા, ગુણવત્તા વિહીન સામગ્રીનો ઉપયોગ કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા તેમજ કામગીરીની દેખરેખમાં બેદરકારી દાખવનાર જવાબદાર સુપરવાઈઝર અને એન્જિનિયરો સામે કાનૂની પગલાં ભરવાની માંગ કરી છે.
આવેદનમાં વધુમાં સંબંધિત કામગીરીનું ચુકવણું તાત્કાલિક અટકાવવા, બોગસ અને ગુણવત્તા વિહીન બાંધકામ બંધ કરાવવા તેમજ સરકારના ધારાધોરણો (SDR/SOR) મુજબ ગુણવત્તાયુક્ત અને મજબૂત નવું બાંધકામ કરાવવાની માંગણી કરવામાં આવી છે. ઉપરાંત, આ કામગીરી સાથે સંકળાયેલી એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
હવે જિલ્લાનું તંત્ર આ ગંભીર આક્ષેપોની તપાસ કરીને શું કાર્યવાહી કરે છે તેના પર પોળસમાળ સહિત સમગ્ર વિસ્તારના ગ્રામજનોની નજર મંડાઈ છે.

