Site icon Gramin Today

જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર તથા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર માટેની તકેદારી સમિતીની બેઠક:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, કીર્તનકુમાર 

વ્યારા:- તાપી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર તથા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર માટેની તકેદારી સમિતીની બેઠક કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં મળી હતી.
બેઠકમાં વ્યાજબી ભાવની દુકાન પર આધારિત વિતરણ વ્યવસ્થામાં ઓફલાઈન ટ્રાન્જેક્શન, સાયલેન્ટ રેશનકાર્ડ/એફ્પીએસ, તાલુકાવાર દર માસે મોડલ એફ.પી.એસ બનાવવા બાબતે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ જાહેર વિતરણ વ્યવસ્થામાં વિક્ષેપ ન પડે તે માટે વ્યાજબી ભાવની દુકાનો સતત ચાલુ રહે તેમજ અન્ય વિસ્તારમાં રોજગારી માટે ગયેલ લોકોને પણ અનાજ મેળવામાં મુશ્કેલી ન પડે તે જોવા સબંધિત અધિકારીઓને સુચના આપી હતી.
બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવાએ કુકરમુંડા,ઉચ્છલ અને નિઝર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી અન્યત્ર રોજગારી માટે ગયેલ લોકોના પરિવારને પણ નિયમિય રીતે અનાજનો પુરવઠો મળી રહે તે જોવા જણાવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં કુલ ૧૬૫૦૭ રેશનકાર્ડ ધારકોમાં ૩૨૦ દિવ્યાંગ, ૧૦૩૨ વૃધ્ધ પેન્શન મેળવતા, ૩૯૮ વિધવા બહેનોના પેન્શન મેળવતા, ૧૬૯૬ શ્રમયોગી લાભાર્થીઓનો સમાવેશ થાય છે. આ કાર્ડધારકોને જિલ્લામાં ૨૪૨ વ્યાજબી ભાવની દુકાનો પરથી અનાજનુ વિતરણ કરવામાં આવે છે. છેલ્લા છ માસમાં “ રાષ્ટ્રિય અન્ન સલામતી કાયદા” હેઠળ સમાવિષ્ટ કરીને ૧૬૫૦૭ કુટુંબોના ૭૫ હજારથી વધુ લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ છે. તમામ કાર્ડધારકોના નંબર અને વસ્તી સાથે આધારકાર્ડ લિંક કરવામાં આવેલ છે. જે કાર્ડ ધારકો પાસે આધારકાર્ડ નથી તેવા લાભાર્થીઓ અનાજના જથ્થાથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા માન્ય રાખવામાં આવેલ અન્ય ૧૩ પુરાવાઓ રજુ કરીને અનાજ મેળવી શકે છે.

Exit mobile version