શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લામાં કાર્યરત છે, સદર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મહિલા સામખ્ય, તાપીના સંયુક્ત ઉપક્રમે તા. ૦૮ માર્ચ ૨૦૨૧ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં તાપી જિલ્લાના વિવિધ ગામોની ૮૨ આદિવાસી મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો કાર્યક્રમનો મુખ્ય વિષય ખેતીમાં મહિલાઓનું નેતૃત્વ: ઉદ્યોગસાહસિકતા , સમાનતા અને સશક્તિકરણ ’ હતો.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને મહિલા સંગઠન ગીત દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત માનનીયશ્રી હિતેશ જોષી(GAS) SDM, વ્યારાએ સર્વે મહિલાઓને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નવીન ટેકનોલોજીની માહિતી મેળવી તેને અપનાવવા માટે ભાર મૂક્યો હતો. વધુમાં, તેમણે રાષ્ટ્રની ઉન્નતિ માટે મહિલાઓ શસક્ત બને તે જરૂરી છે અને શિક્ષણ અને આરોગ્ય સંલગ્ન જાગૃત રહેવા જણાવેલ હતું. ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કે ન્દ્ર,વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નું મહત્વ સમજાવતા જણાવેલ કે આજનો દિવસ મહિલાઓએ કરેલ કાર્યોને બીરદાવવાનો છે. પ્રેરક પ્રસંગ જણાવી મહિલાઓ મજબૂર નહીં પણ મજબૂત બને અને આર્થિક રીતે આગળ વધે તેવી હાંકલ કરી હતી.
કે.વી.કે, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક શ્રીમતી આરતી એન. સોનીએ ઉપસ્થિત મહિલાઓને આરોગ્ય, મૂલ્યવર્ધન અને મહિલાઓનો ખેતીકાર્યમાં શ્રમ ઘટે તેવા ઓજારોની માહિતી આપી હતી અને મહિલાઓ કૌશલ્ય વિકાસ તાલીમ મેળવી આત્મનિર્ભર બને તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉપરાંત કાર્યક્રમમાં તાપી જીલ્લાની પાંચ સફળ મહિલા ઉદ્યોગસાહસિક/મહિલા લીડરનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાલ ઓઢાડી સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ. જેમાં સન્માનિત થયેલા શ્રીમતી ઈન્દુબેન ગામીત(ગામ:કપુરા) શ્રીમતી અંજનાબેન ગામીત(ગામ:નાની ચીખલી) શ્રીમતી ઈન્દુબેન ચૌધરી (ગામ:જામલીયા) , શ્રીમતી કલાવતીબેન (ગામ:ચકવાણ) અને શ્રીમતી ઈલાબેન (ગામ:ઘાંચીકુવા)એ પોતાના અનુભવો પ્રદર્શિત કરી સર્વે મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે મહિલાઓએ ICAR, નવી દિલ્હીથી આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે પ્રસારિત ઓનલાઈન કાર્યક્રમ નિહાળ્યો હતો.
કાર્યક્રમમાં જીવનવહળ ટ્રસ્ટના સિસ્ટર ઝોના , સિસ્ટર ચીનામા, મહિલા સામખ્ય-તાપીના શ્રીમતી ગીતાબેન ચૌધરી અને દક્ષિણ ગુજરાત વિકાસ સંસ્થા, વ્યારાના શ્રીમતી જશુબેન ચૌધરી ઉપસ્થિત રહ્યાં હતાં, કાર્યક્રમના અંતે મહિલા સામખ્યની મહિલાઓએ આદિવાસી નાચ કર્યો હતો અને સર્વે મહિલાઓએ કેવીકે ફાર્મની મુલાકાત લઈ માર્ગદર્શન મેળવ્યું હતું. અંતમાં કે.વી.કે વ્યારાના વિસ્તરણ વિભાગના વૈજ્ઞાનિક ડો. એ. જે. ઢોડિયાએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કેન્દ્રના ગૃહવૈજ્ઞાનિક પ્રો. આરતી એન, સોનીએ કર્યું હતું.