શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
કાકરાપાર અણુવિદ્યુત મથકના સૌજન્ય થકી માંડવીના નાનીચેર ખાતે અંદાજીત રૂ.૮૫.૦૦ લાખના ખર્ચે નવનિર્મિત આંતરિક રસ્તાઓનું લોકાર્પણ:
વ્યારા-તાપી: એન.પી.સી.આઇ.એલ.-કાકરાપાર અણુવિદ્યુત મથકની સી.એસ.આર. યોજના હેઠળ આશરે રૂ.૮૫.૦૦ લાખના ખર્ચે માંડવી તાલુકાના નાનીચેર ખાતે નવનિર્મિત “આંતરિક રસ્તાઓ” નું લોકાર્પણ તાજેતરમાં એનપીસીઆઇએલના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર બી.સી. પાઠકના વરદ હસ્તે અને કાકરાપાર અણુવિદ્યુત મથકના સાઇટ ડાયરેક્ટર એમ. વેંકટાચલમ તથા નાનીચેર ગામના સરપંચ અમિષાબેન ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
મુખ્ય અતિથિ શ્રી બી.સી. પાઠકે સરપંચ તેમજ ગ્રામ પંચાયત સભ્યો અને ગ્રામજનોને આ સુવિધાના લોકાર્પણ પ્રસંગે અભિનંદન પાઠવી જણાવ્યુ હતું કે, ગામના આર્થિક અને સામાજિક વિકાસમાં રસ્તાઓ મહત્વનો ભાગ ભજવે છે કારણ કે તે ગામને શિક્ષણ કે રોજગારીના સ્થળો સાથે જોડે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા નવનિર્મિત રસ્તાઓથી ગ્રામજનો તેમજ આસપાસના લોકોની સુવિધામાં વધારો થશે. ગ્રામજનોને ખાસ કરીને ચોમાસા દરમિયાન ખેતીના કામે કે ધંધા રોજગાર માટે આવન-જાવન માટે પડતી અગવડ દૂર થશે સાથો સાથ જે વિદ્યાર્થીઓ અન્ય સ્થળોએ અભ્યાસ કરતાં હોય તેઓને માટે પણ સુવિધા થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અણુમથકની સીએસઆર યોજના હેઠળ મથકની ૧૬ કિમી ત્રિજ્યામાં આવેલા ગામોમાં માળખાકીય સુવિધાઓની જરૂરિયાત સંતોષવા સતત પ્રયત્નશીલ છીએ. આસપાસના ગામોમાં રસ્તાઓ, સિંચાઇ માટે લિફ્ટ ઇરિગેશન, પીવાના પાણીની સુવિધા, શાળાના સંપૂર્ણ સુવિધાયુક્ત ભવનોનું નિર્માણ, તેમજ આસપાસના ગામોની મોટાભાગની શાળાઓની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ સાંસ્ક્રુતિક ભવન, મધ્યાહન ભોજન કિચનશેડ, કુમાર-કન્યાઓ માટે સેનિટેશન બ્લોક વગેરે સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલ છે અને હાલમાં પણ અનેક કાર્યો પ્રગતિ હેઠળ છે.
આ ઉપરાંત મહાનુભાવોએ નાનીચેર જતાં રસ્તામાં લીમડદા ગામે કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા વિકસિત કરવામાં આવી રહેલ રમતના મેદાનની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપસ્થિત યુવાઓ સાથે ક્રિકેટની રમત માણી યુવાઓનો ઉત્સાહ વધાર્યો હતો. હાલમાં આ રમતના મેદાનનું વિકાસકાર્ય પ્રગતિમાં છે અને ટૂંક સમયમાં રમતપ્રેમી યુવાનોના ઉપયોગ માટે તૈયાર હશે.
લોકાર્પણ પ્રસંગે એનપીસીઆઇએલ-કાકરાપાર અણુવિદ્યુત મથકના ઉચ્ચ અધિકારી હરીશ કલસી, એડિ. ડાયરેક્ટર, રંજય શરણ, પ્રોજેકટ ડાયરેક્ટર કેએપીપી-3&4, એ.બી. દેશમુખ, સ્ટેશન ડાયરેક્ટર કેએપીએસ-1&2, એસ.કે. રોય, સ્ટેશન ડાયરેક્ટર કેએપીપી-3&4, એસ.કે. દેશમુખ, એડિશનલ ચીફ એંજિનિયર, સી.એ. પદ્મનાભન, ડીજીએમ(એચઆર), અન્ય વરિષ્ઠ અધિકારીઓ તેમજ ઉમરકુવા સરપંચ જયાબેન ચૌધરી અને ગ્રામ પંચાયત સભ્યો સહિત ગ્રામજનો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.