શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ રેલી અને વાનગી સ્પર્ધા યોજાઈ
સર્જન વસાવા, દેડીયાપાડા: પોષણ અભિયાન અંતર્ગત પ્રતિ વર્ષ એપ્રિલ મહિનામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આ વર્ષે તા. ૮થી ૨૨ એપ્રિલ – ૨૦૨૫ દરમિયાન આઈસીડીએસના સંકલનમાં રહીને વિવિધ વિભાગો દ્વારા પોષણ પખવાડિયાને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પોષણ પખવાડાની ઉજવણીના ભાગરૂપે સાગબારા તાલુકાના આંગણવાડી કેન્દ્રોમાં એનિમિયા અંગેની જાગૃતિ રેલી યોજાઈ હતી. જેમાં આંગણવાડી કાર્યકર બહેનો, આશાવર્કર અને આંગણવાડીના બાળકોએ ગામમાં ફરીને એનિમિયા અંગે વાલીઓને જાગૃત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો. તેવીજ રીતે દેડિયાપાડા તાલુકામાં વાનગી સ્પર્ધા યોજાઈ હતી. જેના થકી ઘરમાં ઉપલબ્ધ ધાન્ય તેમજ આંગણવાડીમાંથી આપવામાં આવતા પોષક ધાન્યોમાંથી બનતી વિવિધ વાનગીઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી.