શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ હાંસલ કરવાના લક્ષ્યાંકને વહેલો કરીને 2025 સુધી રખાયો : પ્રધાનમંત્રી
રિસાઇક્લિંગ દ્વારા સંસાધનનો સદુપયોગ થઈ કે તે માટે સરકારે 11 ક્ષેત્રો નિશ્ચિત કર્યા છે: પ્રધાનમંત્રી
દેશભરમાં ઈથેનોલના ઉત્પાદન અને વિતરણ માટે પૂણેમાં ઇ-100 પાયલોટ પ્રોજેક્ટ લોંચ કરાયો;
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પૂણેના ખેડૂતો સાથે વાર્તાલાપ યોજ્યો હતો જેમણે ઓર્ગેનિક ખેતી અને કૃષિમાં બાયો ફ્યુઅલના ઉપયોગ અંગેના પોતાના અનુભવો શેર કર્યા હતા.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ભારતમાં ઈથેનોલ બ્લેન્ડિંગ 2020-2025ના રોડમેપ અંગે નિષ્ણાતોની સમિતિએ તૈયાર કરેલો અહેવાલ જારી કર્યો હતો. આ સાથે તેમણે દેશભરમાં ઈથેનોલના ઉત્પાદન અને વિતરણ માટે પૂણેમાં અત્યંત મહત્વાકાંક્ષી એવા ઇ-100 પાયલોટ પ્રોજેક્ટને પણ લોંચ કર્યો હતો. આ વખતના પર્યાવરણ દિવસના કાર્યક્રમની થીમ ‘બહેતર પર્યાવરણ માટે બાયો ફ્યુલના પ્રમોશન’ હતી. આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ શ્રી નીતિન ગડકરી, શ્રી નરેન્દ્ર સિંહ તોમર, શ્રી પ્રકાશ જાવડેકર, શ્રી પીયૂષ ગોયલ અને શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ખાસ હાજરી આપી હતી.
આ પ્રસંગે પોતાનું વકતવ્ય આપતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઈથેનોલ ક્ષેક્રના વિકાસ માટે વિગતવાર રોડમેપ જારી કરીને ભારતે વઘુ એક હરણફાળ ભરી છે. તેમણે જણાવ્યું હતું કે 21મી સદીના ભારત માટે ઈથેનોલ એક મહત્વની પ્રાથમિકતા બની ગઈ છે. તેમણે ઉમેર્યું હતું કે ઈથેનોલ પર ફોકસ કરવું તે પર્યાવરણ પર મોટી અસર છે અને સાથે સાથે ખેડૂતોના જીવન પર પણ અસર કરે છે. તેમણે કહ્યું હતું કે 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક હાંસલ કરવા સરકાર પ્રતિબદ્ધ છે. અગાઉ આ લક્ષ્યાંક 2030 સુધીમાં પાર પાડવાનો હતો જેને હવે પાંચ વર્ષ વહેલો કરી દેવાયો છે. તેમણે ઉમેર્યું હતું કે 2014 સુધી ભારતમાં ઈથેનોલમાં સરેરાશ 1.5 ટકા મિશ્રણ થતું હતું જે હવે 8.5 ટકા સુધી પહોંચી ગયું છે. 2013-14માં દેશમાં અંદાજે 38 કરોડ લીટર ઈથેનોલ ખરીદવામાં આવ્યું હતું જે હવે વધીને 320 કરોડ લીટર પર પહોંચી ગયું છે. તેમણે જણાવ્યું હતું કે આ આઠ ગણાના વધારામાંથી મોટા ભાગનો હિસ્સો દેશના શેરડીના ખેડૂતોને લાભકર્તા પુરવાર થયું છે.
પ્રધાનમંત્રીએ ટકોર કરી હતી કે 21મી સદીનું ભારત 21મી સદીની આધુનિક નીતિઓ અને આધુનિક વિચારધારામાંથી જ ઉર્જા પ્રાપ્ત કરી શકશે. આ વિચારધારા સાથે જ સરકાર દરેક ક્ષેત્રમાં સતત નીતિ વિષયક નિર્ણયો લઈ રહી છે. તેમણે જણાવ્યું હતુ કે આજે દેશમાં ઈથેનોલના ઉત્પાદન અને ખરીદી માટે સંખ્યાબંધ માળખાગત સવલતોની રચના કરવા પર ભાર મુકાઈ રહ્યો છે. મોટા ભાગના ઈથેનોલ ઉત્પાદન એકમો માત્ર એવા ચારથી પાંચ રાજ્યોમાં જ ધ્યાન આપી રહ્યા હતા જ્યાં ખાંડનું ઉત્પાદન ઉચા દરે થાય છે પરંતુ હવે તેનો સમગ્ર દેશમાં વ્યાપ વધે તે માટે ખાદ્ય અને અનાજ આધારિત ડિસ્ટીલિયરીઝ સ્થાપવામાં આવી છે. કૃષિના બગાડ (વેસ્ટ)માંથી ઈથેનોલ બનાવવા માટે દેશમાં આધુનિક ટેકનોલોજી આધારિત પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કલાઇમેટને ન્યાય માટે ભારત સૌથી મજબૂત ટેકેદાર છે અને એક સૂર્ય, એક જગત, એક ધરતીના વિઝનને સાકાર કરવા માટે ઇન્ટરનેશનલ સોલાર સમજૂતિ જવા વૈશ્વિક વિઝન માટે ફંડ એકત્રિત કરવા ભારત આગળ ધપી રહ્યું છે. ડિઝાસ્ટર અવરોધક માળખાની સંરચના માટેની આ પહેલ છે. તેમણે નોંધ્યું હતું કે આબોહવ પરિવર્તન માટેની પરફોર્મન્સ ઇન્ડેક્સમાં વિશ્વના દસ મોખરાના દેશોમાં ભારતને સામેલ કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યુ હતું કે આબોહવા પરિવર્તનને કારણે આવનારા પડકારો અંગે ભારત જાગૃત છે અને તે દિશામાં સક્રિય રીતે કામગીરી ચાલી રહી છે.
પ્રધાનમંત્રીએ આબોહવા પરિવર્તન સામેની લડત માટે લેવાયેલા આકરા અને કૂણા અભિગમ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે છેલ્લા છ થી સાત વર્ષમાં રિન્યુએબલ એનર્જીની આપણી ક્ષમતામાં 250 ટકાનો વધારો થયો છે. ઇન્સ્ટોલ રિન્યુએબલ એનર્જી ક્ષમતાની રીતે ભારત અત્યારે વિશ્વના મોખરાના પાંચ દેશમાં સ્થાન ધરાવે છે. તેમાં ખાસ કરીને છેલ્લા છ વર્ષમાં સોલાર એનર્જીની ક્ષમતામાં 15 ગણો વધારો નોંધાયો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશે કૂણા વલણમાં પણ ઐતિહાસિક પગલું ભર્યું છે. આજે દેશનો સામાન્ય નાગરિક પણ પ્લાસ્ટિકના એક વારના ઉપયોગ, સમૂદ્ર કાંઠાની સ્વચ્છતા અને સ્વચ્છ ભારત જેવા પર્યાવરણ તરફી ઝુંબેશમાં જોડાયો છે અને અગ્રેસર રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે 37 કરોડ એલઈડી બલ્બ આપવાની કે 23 લાખ એનર્જી સક્ષમ પંખાના વિતરણ અંગે ખાસ ચર્ચા થતી નથી. આ જ રીતે ઉજ્જવલા યોજના હેઠળ વિના મૂલ્યે ગેસ જોડાણ પૂરા પાડવાની, સૌભાગ્ય યોજના હેઠળ વિજ જોડાણ આપવાથી લાકડાના ઇંધણ પર આધારિત લોકોની સંખ્યા ઘટી ગઈ છે. તેનાથી માત્ર પ્રદૂષણમાં જ ઘટાડો થયો નથી પરંતુ તેની સાથે સાથે પ્રજાના આરોગ્યમાં સુધારો થયો છે અને પર્યાવરણના રક્ષણને વધુ મજબૂત બનાવાયું છે. તેમણે જણાવ્યું હતું કે ભારતે વિશ્વ સમક્ષ એ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પર્યાવરણના રક્ષણ માટે વિકાસ અટકાવી દેવાની જરૂર નથી. તેમણે ઉમેર્યું હતું કે અર્થતંત્ર અને ઇકોલોજી સાથે મળીને આગળ વધી શકે છે. અને, ભારતે આ માર્ગ અપનાવ્યો છે. તેમણે કહ્યું હતું કે અર્થતંત્રને મજબૂત બનાવવાની સાથે છેલ્લા કેટલાક વર્ષમાં આપણા જંગલોમા 15 હજાર ચોરસ કિલોમીટરનો વધારો કરાયો છે. છેલ્લા કેટલાક વર્ષમાં આપણા દેશમાં વાઘની સંખ્યા બમણી થઈ છે અને ચિત્તાની સંખ્યામાં 60 ટકા જેટલો વધારો નોંધાયો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છ અને સક્ષમ એનર્જી સિસ્ટમ, સક્ષમ શહેરી માળખું અને સુનિયોજિત ઇકો પુનઃસ્થાપિત સિસ્ટમ આત્મનિર્ભર ભારત ઝુંબેશનો મહત્વનો હિસ્સો છે. તેમણે કહ્યું હતું કે પર્યાવરણને લગતા તમામ પ્રયાસો હાથ ધરીને દેશમાં રોકાણની નવી તક સર્જવામાં આવી છે. દેશના લાખો યુવાનોને રોજગારી મળી છે. તેમણે જણાવ્યું હતું કે હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે ભારત નેશનલ ક્લીન એર પ્લાનના મેગા પ્રોજેક્ટની દિશામાં કામ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે જળમાર્ગો પર કામ કરીને ભારત માત્ર પરસ્પર જોડાણ અને ગ્રીન ટ્રાન્સપોર્ટના મિશનને મજબૂત બનાવશે પરંતુ સાથે સાથે દેશની લોજિસ્ટિક ક્ષમતાને પણ મજબૂત બનાવશે. આજે ભારતભરમાં મેટ્રો રેલ સેવા પાંચ શહેરમાંથી વધીને 18 શહેર સુધી પહોંચી છે જેને કારણે અંગત વાહનોના ઉપયોગને ઘટાડવામાં મદદ મળી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે આજે દેશનો ઘણો મોટો હિસ્સો ઇલેક્ટ્રિક રેલવે નેટવર્ક ધરાવે છે. દેશના એરપોર્ટ પણ સોલાર એનર્જીમાંથી પ્રાપ્ત થતી વિજળીનો ઉપયોગ કરે છે. તેમણે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું કે 2014 અગાઉ માત્ર સાત જ એરપોર્ટ ખાતે સોલાર પાવરની સવલત હતી જ્યારે આજે આ સંખ્યા વધીને 50 ઉપર પહોંચી ગઈ છે. 80 કરતા વધારે એરપોર્ટ પર એલઇડી લાઇટ્સ ગોઠવવામા આવી છે જેનાથી એનર્જીની ક્ષમતામાં વધારો થશે.
પ્રધાનમંત્રીએ કેવડીયાના વિકાસ અંગે ચર્ચા કરી હતી જે ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી તરીકે વિકાસ પામી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં કેવડીયામાં માત્ર બેટરી આધારિત બસ, દ્વિચક્રી વાહનો અને ચાર પૈડાના વાહનો ફરી શકે તે માટે જરૂરી માળખાગત સવલતો પૂરી પાડવામાં આવશે. તેમણે કહ્યુ હતું કે વોટર સાઇકલ પણ આબોહવા પરિવર્તન સાથે સીધો નાતો ધરાવે છે અને વોટર સાઇકલને કારણે જળ સુરક્ષાને સીધી અસર પડે છે. તેમણે જણાવ્યું હતું કે જળ જીવન મિશન હેઠળ દેશમા જળ સંસાધનોના ઉપયોગ અને રક્ષણ માટે કામગીરી હાથ ધરવા વ્યાપક પ્રયાસો કરાયા છે. એખ તરફ દરેક ઘરને પાઇપ સાથે સાંકળવામાં આવ્યું છે તો બીજી તરફ અટલ ભુજબળ યોજના અને કેચ ધ રેઇન જેવી ઝુંબેશ મારફતે ભૂગર્ભના પાણીનું સ્તર ઉંચુ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરકારે એવા 11 ક્ષેત્રો શોધી કાઢ્યા છે જેમનું આધુનિક ટેકનોલોજી મારફતે રિસાઇક્લિંગ દ્વારા સંસાધનોનો સદુપયોગ કરી શકાય. તેમણે જણાવ્યું હતું કે કચરાથી કંચન માટે છેલ્લા કેટલાક વર્ષમાં ઘણી કામગીરી હાથ ધરવામાં આવી છે અને હવે તેને મિશન મોડેલ તરીકે વધુ ઝડપથી આગળ ધપાવવામાં આવશે. આ અંગેના એક્શન પ્લાનમાં નિયમન અને વિકાસને લગતા પાસાનો સમાવેશ કરાશે અને આગામી મહિનાઓમાં તેનો અમલ કરાશે. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે આબોહવાનું રક્ષણ કરવા માટે પર્યાવરણના રક્ષણ માટેના આપણા પ્રયાસોને સુનિયોજિત કરવા મહત્વની બાબત છે. તેમણે અનુરોધ કર્યો હતો કે જ્યારે દેશનો દરેક નાગરિક જળ, હવા અને જમીનના સંતુલનને જાળવી રાખવાના સામૂહિક પ્રયાસ કરશે ત્યારે જ આપણે આપણી આગામી પેઢીને સુરક્ષિત પર્યાવરણની ભેટ આપી શકીશું.