શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ભારતીય ટ્રાયબલ ટાઈગર સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સામે કાયદેસરના સખ્ત પગલાં લેવાની માંગ;
પૂર્વ વનમંત્રી મોતી વસાવા અને બીજેપીના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું;
દેડિયાપાડા તાલુકાના બોગજ ગામના ભારતીય ટ્રાયબલ ટાઈગર સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચૈતર વસાવા દ્વારા રાજકીય નક્સલવાદ પ્રવૃત્તિ કરી યુવાનોને ગેરમાર્ગે દોરી તેમજ પોતાની આગેવાનીમાં બોગજ ગામમાં હિંસાત્મક પ્રવૃત્તિ, આતંક, ધમકીઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરવા સામે સખ્ત પગલાં લેવા બાબતે બોગજ ગામના ગ્રામજનો તેમજ
પૂર્વ વનમંત્રી અને ડેડીયાપાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મોતીલાલ વસાવા તેમજ નર્મદા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શંકર વસાવા અને આગેવાનોએ દેડિયાપાડાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ચૈતર વસાવા ખૂબ જ ગેરકાનૂની અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે, દારૂ, જુગારની પ્રવૃત્તિ કરાવે છે. ખંડણી ઉઘરાવવા માટે લોકોને દબાણ કરે છે. તેમના પર અગાઉ પાસાનો કેસ થયેલો છે. ચૈતર વસાવા વિરુદ્ધ દેડિયાપાડા, સાગબારા, કેવડિયા, રાજપીપળા પોલીસ સ્ટેશનમાં 10 જેટલા ગુનાઓ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમ્યાન બોગજ ગામે ચૈતર વસાવા એ સતીષ કુંવરજી વસાવા પર જીવલેણ હુમલો કરી મારી નાંખવાનો પ્રયાસ કર્યાની પોલીસ ફરીયાદ પણ નોંધાઇ છે. ક્રિમીનલ પ્રવૃત્તિ ડામવા તેમજ તાલુકામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે ગુજરાત ગુંડાધારા અન્વયે ચૈતર વસાવાની ધરપકડ ક૨વામાં આવે અને લોકો શાંતિમય જીવન પસાર કરે તે માટે ફરીયાદી અને સાહેદોને સુરક્ષા આપવા માટે આવેદનપત્ર આપી પૂર્વ વનમંત્રી મોતી વસાવાએ ચૈતર વસાવાને પાસા કરવાની માંગણી કરી હતી.