શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
મને નથી લાગતું કે મહેશ ભાજપમાં કે બીજે ક્યાંય જાય તો સમાજનું ભલું થાય: છોટુ વસાવા
મહેશ ના સમજ છે, તેને મિસ ગાઈડ કરવામાં આવ્યો છે: છોટુ વસાવા
આદિવાસીઓ બંધારણ વાંચતા નથી એટલે ગુલામગીરી કરે છે: છોટુ વસાવા
નર્મદા: લોકસભા ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, ત્યારે છેલ્લા થોડા સમય થી ભરૂચ/નર્મદા લોકસભા બેઠક ભારે ચર્ચામાં આવતી જાય છે કેમકે આ બેઠક પર એક પછી એક ઉથલપાથલ જોવા મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા આ બેઠક પર સારું એવું પ્રભુત્વ ધરાવનાર BTP (ભારતીય ટ્રાઈબલ પાર્ટી) નાં આદિવાસી નેતા અને સ્થાપક છોટુ વસાવા નાં પુત્ર મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી, જેને લઈ અનેક પ્રકારની ચર્ચાઓ સોશ્યલ મીડિયામાં વહેતી થઈ હતી. ચર્ચા છે કે તેઓ કા તો ભાજપમાં જોડાશે અથવા તો BTP ( ભારતીય ટ્રાઈબલ પાર્ટી) ભાજપને સમર્થન કરશે ત્યારે આ મામલે BTP ના સ્થાપક અને આદિવાસી દિગ્ગજ નેતા પુર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ માંડવીનાં ઉશ્કેર ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા છોટુ વસાવા એ તેમના પુત્ર બીજેપીમાં જોડાવાની ચાલતી ચર્ચા અંગે નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે મહેશ નાસમજ છે તેને મિસ ગાઈડ કરવામાં આવ્યો છે, મને નથી લાગતું કે મહેશ ભાજપમાં કે બીજે ક્યાંય જાય તો સમાજનું ભલું થાય, તેમણે વધુમાં કહ્યું કે અમે પહેલેથી RSS ના વિરોધી છીએ. પછી મારો છોકરો એમાં જાય કે બીજે કોઈ જાય અમે તો હંમેશા વિરોધ કરીશું. તેમણે કહ્યું કે મહેશ ને લાલચ હશે અને ચાટવાની ટેવ હોય અને સમાજ ગમતો ન હોય એટલે બીજી પાર્ટીમાં જવાનું વિચારી રહ્યો છે.
વધુમાં તેમણે કહ્યું કે દેશમાં બનાવટી ચૂંટણી થાય છે આમાં કોઈનું ભલું થવાનું નથી આદિવાસીઓ બંધારણ વાંચતા નથી એટલે ગુલામ છે. RSS ,ભાજપ, કોંગ્રેસ બધા ભેગા મળી સમસ્યા ઊભી કરે છે. તેમને પૂછવામાં આવ્યું કે આવનાર લોકસભાની ચૂંટણીમાં તેમનું શું વલણ હશે? તેના જવાબમાં તેમણે કહ્યું કે અમે નવી પાર્ટી બનાવીશું, નવું સંગઠન બનાવીશું અને ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડીશું.