Site icon Gramin Today

જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે ડાંગ જિલ્લામાં ફોર્મ ભરાતા રાજકારણમાં ગરમાટો સર્જાયો: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ રિપોર્ટર: પ્રદીપભાઈ સાપુતારા  

જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે ડાંગ જિલ્લામાં ફોર્મ ભરાતા રાજકારણમાં ગરમાટો સર્જાયો: 

ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખનાં પદ માટે મેન્ડેડ મળેલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે જિલ્લા પંચાયતની મહિલા એસ.ટી. પ્રમુખપદની બેઠક માટે બે મહિલા ઉમેદવારોએ ફોર્મ ભરાતા આંતરિક ગરમાટો સર્જ્યો છે.

ડાંગ જિલ્લા પંચાયતમાં ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 18માંથી 17 બેઠક ભાજપની આવી હતી અને 1 બેઠક કોંગ્રેસને મળી હતી. જ્યારે ત્રણે તાલુકા પંચાયતની વાત કરીએ તો આહવા તાલુકા પંચાયતમાં 16માંથી 13 બેઠકો ભાજપા અને 3 બેઠકો પર કોંગ્રેસ, વઘઈ તાલુકા પંચાયતમાં 16 બેઠકમાંથી 14 બેઠક પર ભાજપા અને 2 બેઠક પર કોંગ્રેસ તથા સુબીર તાલુકા પંચાયતમાં 16 બેઠકમાંથી 14 બેઠક પર ભાજપા અને 2 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી.

 ડાંગ જિલ્લામાં અગાઉના અઢી વર્ષ માટે જિલ્લા પંચાયત અને ત્રણે તાલુકા પંચાયતમાં ભાજપાએ નિર્વિધ્ન શાસન પૂરું કર્યું છે. ડાંગ જિલ્લા પંચાયત તથા ત્રણે તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તથા વિવિધ સમિતિના અધ્યક્ષોની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે.

હાલમાં ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતમાં ભાજપાની સ્પષ્ટ બહુમતી હોય જેથી બુધવારે પ્રમુખ અને ઉપપ્રમુખ નામો માટે પ્રદેશ ભાજપા પાર્ટી દ્વારા મેન્ડેડની ઘોષણા કરતા ગરમાટો સર્જ્યો હતો. ગુજરાત ભાજપ દ્વારા ડાંગ જિલ્લા પંચાયતમાં રોટેશન મુજબ મહિલા પ્રમુખ તરીકે નિર્મળાબેન સુભાષભાઈ ગાઈન તથા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ ભીખુભાઈ ભોયેના નામ પર મ્હોર મારી ઘોષણા કરતા તેઓએ ડીડીઓ સમક્ષ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે ભાજપા હાઇકમાન્ડ દ્વારા આહવા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે સુરેશભાઈ ચૌધરી તથા ઉપપ્રમુખ પદે કમલેશભાઈ વાઘમારે,વઘઈ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ચંદરભાઈ ગાવિત, ઉપપ્રમુખ પદે વનિતાબેન ભોયે તેમજ સુબીર તાલુકાના પંચાયતમાં પ્રમુખ તરીકે રવિનાબેન ગાવિત તથા ઉપપ્રમુખ તરીકે રઘુનાથભાઈ સાવળેના નામોની ઘોષણા કરતા આ તમામે ટીડીઓ સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

ગુજરાત પ્રદેશ ભાજપાની હાઈકમાન્ડ દ્વારા ડાંગ જિલ્લા પંચાયતમાં મહિલા એસ.ટી. પ્રમુખપદની બેઠક માટે નિર્મળાબેન ગાઇનનાં નામની મ્હોર મારી મેન્ડેડની ઘોષણા કરી ફોર્મ ભરાવ્યું હતું, તેવામાં ડાંગ જિલ્લા પંચાયતમાં અમુક અસંતુષ્ટ જિલ્લા સદસ્યોએ આંતરિક જૂથવાદમાં ભાજપા પાર્ટીના હાઇકમાન્ડને અવગણીને પ્રમુખપદ માટે નિલમબેન દિલીપભાઈ ચૌધરીનું ફોર્મ ભરાવી ઉમેદવારી નોંધાવતા ડાંગ જિલ્લા પંચાયતમાં પ્રમુખપદનો આંતરિક વિખવાદ તરી આવ્યો હતો અને ડાંગના રાજકારણમાં હડકંપ મચી આવ્યો હતો.

નિલમબેન દિલીપભાઈ ચૌધરીને પાર્ટીએ કોઈપણ મેન્ડેડ આપ્યો નથી, પગલા ભરાશે ભાજપા હાઈકમાન્ડ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ માટે નિર્મળાબેન ગાઈનને મેન્ડેડ આપ્યો છે. નીલમબેન ચૌધરીને ભાજપા પાર્ટીએ મેન્ડેડ આપ્યો નથી છતાં ફોર્મ ભર્યું છે. આ બાબતે પ્રદેશ કક્ષાએ જાણ કરી પગલા ભરાશે તેવું કિશોરભાઈ ગાવિત, પ્રમુખ, ભાજપ, ડાંગ જિલ્લાનાઓએ ઉમેર્યું હતું. 

Exit mobile version