Site icon Gramin Today

પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે રાજપીપલા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી શાહે જિલ્લાકક્ષાનુ ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવ્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

પ્રગતિશીલ ગુજરાતના મિશનને વધુ વેગવાન બનાવવાના સહિયારા પ્રયાસોની સાથે મજબૂત રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરાર રાખવાની કટિબધ્ધતા સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા સંકલ્પબધ્ધ થવા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહનું આહવાન
———–
દેશના બંધારણના ઘડતરની ઐતિહાસિક ઘટનાઓના સંસ્મરણોને વાગોળી “ મા ” ભોમની રક્ષા કાજે શહીદી વ્હોરનારા સ્વતંત્ર અખંડ ભારતના નિર્માતા શહીદ સપૂતોને શ્રધ્ધા-સુમન સાથે હ્રદયપૂર્વકની અંજલી અર્પતા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ
———–
સરદાર સાહેબે પથદર્શક બનીને આઝાદ ભારતને એકતાની દિશા બતાવી હતી તેમ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વની એકતાનું શાશ્વત પ્રતિક બની છે,
———–
પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે રાજપીપલા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી શાહે જિલ્લાકક્ષાનુ ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવ્યો;
———–
નાંદોદ તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક એનાયત : આરોગ્ય સેવાઓ ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ કોરોના વોરિયર્સ સહિતના કર્મયોગીઓ અને બુથ લેવલ ઓફિસર્સ ઉપરાંત કરૂણા અભિયાનના વોલન્ટીયર્સને પ્રશસ્તિપત્રો એનાયત કરી કરાયું સન્માન : મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સને અપાયાં રસીના પ્રિકોશન ડોઝ

રાજપીપલા, નર્મદા :- રાષ્ટ્રના ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાના મુખ્ય મથકે રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનોની વગેરેની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રી શાહે આજના પ્રજાસત્તાક પર્વના વધામણા સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવાની સાથોસાથ તેમણે મહાનુભાવોનું અભિવાદન પણ કર્યું હતું. ધ્વજવંદન બાદ પોલીસ જવાનો તરફથી હર્ષ ધ્વની (VOLLEY FIRING) કરાયું હતું. આ તકે શ્રી શાહે સહુ દેશવાસીઓને મજબૂત રાષ્ટ્રના નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરાર રાખવા સહભાગી બનવાની સાથે કટિબધ્ધ થઇ આજની આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા માટે સંકલ્પબધ્ધ થવાનું આહવાન કર્યું હતું.


જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે “ મા ” ભારતી ના ઇતિહાસના ગૌરવપૂર્ણ દિવસની આજની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન બાદ ઉપસ્થિત માનવ મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, દેશની આઝાદી અપાવવામાં રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીબાપુ, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સહિત અનેક નામી-અનામી રાષ્ટ્રપુરૂષો સહિત “ મા ભોમ ” કાજે શહીદી વહોરનારા આઝાદીના લડવૈયાઓ અને “ માં ભોમ ” ની આન-બાન અને શાનને બરકરાર રાખવા અને “ મા ” ભારતીની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોના પ્રતાપે આજે આપણે લોકશાહી દેશના નાગરિક તરીકે મુક્ત છીએ. આ તમામ રાષ્ટ્રપુરૂષો તેમજ દેશના સ્વતંત્ર અખંડ ભારતના નિર્માતા રાષ્ટ્રના શહીદ સપૂતોને શ્રધ્ધા સૂમન અર્પણ કરી તેમણે હ્રદયપૂર્વક અંજલી અર્પી હતી.
શ્રી શાહે બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા વિશિષ્ટ અને બેજોડ ભારતીય સંવિધાનની કરાયેલી રચનાનો ઉલ્લેખ કરી વધુમાં જણાવ્યું હતું કે, તા.૨૬ મી જાન્યુઆરી, ૧૯૫૦ માં ભારત સરકારના અધિનિયમ ૧૯૩૫ ને હટાવીને ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું અને એક લોકતાંત્રિક સરકાર પ્રણાલીની સાથે તેને લાગુ કરાયું હતું. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબે ૫૬૨ જેટલા દેશી રજવાડાઓનું પોતાની આગવી સૂઝબૂઝ અને કુનેહપૂર્વક ભારતમાં વિલીનીકરણ કરાવીને અખંડ ભારતના નિર્માણની સાથે રાષ્ટ્રીય એકતાની બેનમૂન મિશાલ સમગ્ર વિશ્વમાં કાયમ કરી છે. જુદા જુદા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ બોલીઓ, ભાષાઓ, રહેણીકરણી, રિતરિવાજો અને આનંદ-ઉમંગ-ઉલ્લાસ સાથે કરાતી વિવિધ તહેવારોની ઉજવણી થકી પણ ભારતે સમગ્ર વિશ્વમાં “વિવિધતામાં એકતા અને એકતામાં અનેકતા” ની મિશાલ પ્રસ્થાપિત કરી છે.

Exit mobile version