Site icon Gramin Today

કોરોના કહેર વચ્ચે સમગ્ર દુનિયામાં કોલ્ડવોર અમેરિકા અને રશિયા આમને સામને ?

નવી દિલ્હી, તા. 16 મે 2020, શનિવાર

કોરોના કહેર વચ્ચે  આખાં જગતમાં શીતયુદ્ધ-૨ ની પરિસ્થિતિ નિર્માણ પામી છે જેમાં એક તરફ અમેરિકા અને તેના સહયોગી દેશો છે, બીજી  બાજુ ચીન અને રશિયા છે. આ સંજોગોમાં શંકા, દુશ્મનાવટ અને આક્રમકતા સાથે કોઈ પણ જાતની હિંસા વગર સેનાઓમાં પણ હલન-ચલન જણાઈ રહી છે. ૧૯૪૫થી ૧૯૮૦ના દસકાના અંત સુધી ચાલેલા શીતયુદ્ધની આ એક આદર્શ વિશેષતા રહી હતી.

આ દિવસોમાં  અમેરિકા મહાસત્તા  ચીન વિરૂદ્ધ પોતાના સહયોગી દેશો વધારી રહ્યું છે.

અમેરિકાનું સહયોગી ઓસ્ટ્રેલિયા હવે અસરકારક રીતે ચીન સાથેના વ્યાપારિક સંબંધો તોડવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ચીન ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું નિકાસ માર્કેટ હોવા છતા તે આ દિશામાં જઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયા ચીનમાં 30 ટકા જેટલી નિકાસ કરે છે જે તેની જીડીપીના સાત ટકા છે. ઉપરાંત ચીની વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ ઓસ્ટ્રેલિયાને ઘણો સારો વેપાર આપે છે.

ચીન દરેક વસ્તુનો લાભ ઉઠાવી રહ્યું છે. વડાપ્રધાન સ્કોટ મોરિસને કોરોના મહામારી મામલે વ્યાપક તપાસની માંગ કરી ત્યાર બાદ ચીને ઓસ્ટ્રેલિયાથી બીફ અને જવની આયાત રોકી દીધી છે. જો કે, ઓસ્ટ્રેલિયા આજે પણ પોતાની વાત પર અડગ છે.

તેના પછી જાપાનનો વારો આવે છે. જાપાનના મુખ્ય કેબિનેટ સચિવે ચીનના ઉઈગરો અંગે વાત કરી હતી. ઉપરાંત જાપાન ચીનમાંથી પોતાનો વેપાર ઘટાડવા પણ પ્રયત્ન કરી રહ્યું છે.રાષ્ટ્રપતિ  ટ્રમ્પ હંમેશા યુ-ટર્ન લેવા જાણીતા છે પરંતુ હાલ કેટલાક દિવસોથી તે ચીન માટે ખૂબ આક્રમક રહે છે. ગુરૂવારે અમેરિકી રાષ્ટ્રપતિએ ચીન સાથે અમેરિકાના રાજદ્વારી સંબંધોનો અંત લાવવાની ધમકી આપી હતી.

ટ્રમ્પે કોરોના વાયરસ મહામારી માટે ચીનને દોષિત ઠેરવ્યું હતું અને પોતે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરવા નથી ઈચ્છતા તેમણે  જણાવ્યું હતું. અમેરિકી સચિવ માઈક પોમ્પિયોએ તાજેતરમાં જ સાત દેશોના વિદેશ મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય તેમને ચીન વિરૂદ્ધ એકઠાં  કરવાંનો હતો. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર પણ આ બેઠકમાં સામેલ થયા હતા અને તે સિવાય ઈઝરાયલ-દક્ષિણ કોરિયાએ તેમાં ભાગ લીધો હતો.

આશરે 75 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં અમેરિકાએ ચીનની સપ્લાય ચેઈનનું પુનર્ગઠન કરવા પર અને વિશ્વ વ્યાપાર પર ચીનનું વર્ચસ્વ સમાપ્ત કરવા ઉપર ભાર મુક્યો હતો. આ ઉપરાંત સોમવારે અથડામણ વધી શકે છે કારણ કે, તે દિવસે WHOના સદસ્ય વર્લ્ડ હેલ્થ અસેમ્બ્લી માટે વીડિયો કોન્ફરન્સ મુલાકાત કરશે.

શ્રોત:Daily hunt 
Exit mobile version