શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
બારડોલી સુગરની ચૂંટણીમાં કિસાન પરિવર્તન પેનલનો ભવ્ય વિજય:
ગ્રામિણ ટુડે, બારડોલી: એશિયાની પ્રતિષ્ઠિત શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી (બારડોલી સુગર) ની ચૂંટણીમાં અતુલભાઈ પટેલની આગેવાની હેઠળની કિસાન પરિવર્તન પેનલ એ શાનદાર અને ભવ્ય વિજય મેળવ્યો છે. આ ચૂંટણી પરિણામોએ સહકારી ક્ષેત્રની રાજનીતિમાં મોટા પરિવર્તનના સંકેત આપ્યા છે.
ખાંડ ઉદ્યોગના સહકારી ક્ષેત્રમાં સભાસદો હવે પરિવર્તનના મૂડમાં હોવાના સંકેતો મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગણદેવી સુગર બાદ સાયણ સુગરમાં પરિવર્તન પેનલની જીત નોંધાઈ છે. હવે બારડોલી સુગરના પરિણામે પણ સહકારી રાજકારણમાં નવી ઉર્જા જગાવી છે.
એશિયાની મોટી સહકારી ખાંડ સંસ્થાઓમાં સ્થાન ધરાવતી બારડોલી સુગરની ચૂંટણીના પરિણામોએ સહકારી રાજકારણમાં મોટો ઉલટફેર સજર્યો છે. હાલ યોજાયેલ ચુંટણીમાં વર્તમાન સહકાર પેનલનો કારમો પરાજય થતાં કિસાન પરિવર્તન પેનલે સત્તા કબજે કરી છે. પરિણામે બારડોલી સુગરના સહકારી રાજકારણમાં વર્ષોથી જોવા મળતી સત્તાની સમીકરણો બદલાઈ ગયા છે, આ દ્વારા સભાસદોએ સહકારી ક્ષેત્રે રાજકીય દખલગીરી ને જાકારો આપ્યાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગત 16 ઓગસ્ટ 2026ના રોજ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલા મતદાન દરમિયાન કુલ 43.82 ટકા મતદાન નોંધાયું હતું. 18 ઓગસ્ટે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં કિસાન પરિવર્તન પેનલે જોરદાર દબદબો બનાવીને સત્તાધારી પક્ષને કારમી હાર આપી છે. વર્તમાન પ્રમુખ ભાવેશભાઈ પટેલ તથા પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વર પરમારની આગેવાનીવાળી સહકાર પેનલના અનેક દિગ્ગજ ઉમેદવારોને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ખેડૂતોના હિતોનું રક્ષણ, સુગર ફેક્ટરીના વહીવટમાં પારદર્શિતા લાવવી, અને સંસ્થાના સર્વાંગી વિકાસ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
પરિણામો જાહેર થયા બાદ કિસાન પરિવર્તન પેનલના વિજયથી સમર્થકો અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ તથા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બારડોલી સુગરના આ પરિણામો બાદ હવે સહકારી ક્ષેત્રમાં નવા નેતૃત્વ અને નવી દિશાને લઈને સહકારી ક્ષેત્રે ચર્ચાઓનો દોર શરૂ થયો છે.

