Site icon Gramin Today

તાપી જિલ્લા/તાલુકા પંચાયત પેટા ચૂંટણી-૨૦૨૧નો વિગતવાર કાર્યક્રમઃ

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લા/તાલુકા પંચાયત પેટા ચૂંટણી-૨૦૨૧નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો, 

 વ્યારા-તાપી: રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા તાપી જિલ્લામાં પ્રસંગોપાત ખાલી પડેલ જિલ્લા/તાલુકા પંચાયતની ખાલી બેઠકોમાં ૧૬-કરંજવેલ અનુસૂચિત આદિજાતિ સ્ત્રી અને તાલુકા પંચાયતોની ખાલી બેઠકોમાં વ્યારા તાલુકા ની ૭-ઘાટા, ૧૪-કેળકુઇ, ૧-બાલપુર, સોનગઢ તાલુકાની ૧૩-ખેરવાડા, નિઝર તાલુકાની ૧૨-શાલે-૧ની અનુસૂચિત આદિજાતિ અને ડોલવણ તાલુકાની ૩-બેડારાયપુરાની અનુસૂચિત જાતિ બેઠકોની પેટા ચૂંટણી યોજવા માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

જે અનુસાર જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તા.૧૩/૦૯/૨૦૨૧, ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તા.૧૮/૦૯/૨૦૨૧, ઉમેદવારો પત્રોની ચકાસણી માટેની તા.૨૦/૦૯/૨૦૨૧, ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની તા.૨૧/૦૯/૨૦૨૧, મતદાન તારીખ તથા સમય તા.૦૩/૧૦/૨૦૨૧ (રવિવાર) સવારના ૭-૦૦ થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી, પુનઃમતદાનની તા. (જો જરૂરી હોય તો) ૦૪/૧૦/૨૦૨૧, મતગણતરીની તા.૦૫/૧૦/૨૦૨૧, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તા.૦૮/૧૦/૨૦૨૧ રાખવામાં આવી છે.

જિલ્લા/તાલુકા પંચાયત તથા નગરપાલિકાની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત થતાં ચૂંટણી હેઠળના વિસ્તારોમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલમાં આવે છે. મતદારોએ લોકશાહીને વધુ મજબૂત કરવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવું. મતદારો, ઉમેદવારો, સર્વે રાજકીય પક્ષો અને જાહેર જનતા તરફથી પાયાની લોકશાહીની આ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી મુકત ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે રાષ્ટ્રીય/સંવૈદ્યાનિક કામમાં સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખે છે. જિલ્લા/તાલુકા પંચાયત તથા નગરપાલિકાની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી વીજાણું મતદાન યંત્રો (EVM) દ્વારા કરવામાં આવશે. ચૂંટણી માટેના મતદાનનો સમય સવારે ૭-૦૦ વાગ્યેથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધીનો રહેશે. 

કોવિડ-૧૯ મહામારીના પ્રતિરોધક પગલાં લેવા આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહી રાજય ચૂંટણી આયોગ દ્વારા માર્ગદર્શિકા સાથે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણીમાં ઉમેદવારે ઉમેદવારી પત્ર સાથે પોતાનો ગુન્હાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલ્કત અને દેવા બાબતનું સોગંદનામુ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. અરજદાર દ્વારા ઉમેદવારી ફોર્મ સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીએથી મેળવી શકાશે અથવા આયોગની વેબસાઇટ http:sec-gujarat.gov.in પરથી ડાઉનલોડ પણ કરી શકાશે. તેમ નોડલ અધિકારી સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણી અને નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Exit mobile version