શ્રોત: ગ્રામિણ ટુડે ન્યૂઝ ૨૪x૭ વેબ પોર્ટલ
ગાંધીજીનું નામ હટાવવું એટલે રાષ્ટ્રીય આત્માનો અપમાન: કોંગ્રેસનો પ્રહાર
ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીએ મનરેગા યોજનાનું નામ બદલવા અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી:
‘વીબી-રામ-જી’ કાયદો ગ્રામીણ ગરીબો પર સીધો હુમલો : સ્નેહલ ઠાકરે
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ગ્રામીણ ભારતની જીવનરેખા સમાન મનરેગાને ખતમ કરવાની ભાજપ સરકારની નીતિ સામે કોંગ્રેસે હવે આરપારની લડાઈ જાહેર કરી છે. ‘વીબી-રામ-જી’ નામના નવા કાયદાના બહાને મનરેગાને નબળી બનાવી ગરીબો પાસેથી રોજગારનો અધિકાર છીનવવાની “ઘાતક સાજિશ” ચાલી રહી હોવાનો કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યો છે. ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરેએ આક્રમક અંદાજમાં જણાવ્યું કે, આ કાયદો માત્ર યોજના નહીં પરંતુ ગ્રામીણ ગરીબો પર સીધો હુમલો છે.
સ્નેહલ ઠાકરે જણાવ્યું કે, ભાજપ જે ‘વીબી-રામ-જી’ને વિકસિત ભારત તરીકે રજૂ કરે છે, તેનો સાચો અર્થ ‘વિનાશ ભારત – કેન્દ્રીકરણની ગેરંટી’ થાય છે. આ કાયદો ખેડૂતો, ભૂમિહીન મજૂરો, મહિલાઓ, દલિત-આદિવાસી સમુદાયો અને ગ્રામિણ ગરીબો સાથે ખુલ્લો દગો છે. દુષ્કાળ, પૂર અને આર્થિક સંકટ સમયે કરોડો પરિવારોને જીવંત રાખનાર મનરેગાને હવે સરકારની મરજી પર છોડી દેવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ ‘મનરેગા બચાવો આંદોલન’ હવે માત્ર દિલ્હી સુધી સીમિત નહીં રહે, પરંતુ પંચાયત, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે તુફાની સ્વરૂપ ધારણ કરશે.
નવા કાયદા હેઠળ રાજ્ય સરકારોની સંમતિ વિના ૬૦:૪૦ ફંડિંગ રેશિયો લાદવો એ બંધારણના અનુચ્છેદ ૨૫૮નો સીધો ભંગ હોવાનું તેમણે જણાવ્યું અને આ કાયદાને અદાલતમાં પડકારવાની સ્પષ્ટ ચેતવણી આપી.
ઠાકરે યાદ અપાવ્યું કે મનરેગા ૨૦૦૫માં સર્વસંમતિથી પસાર થયો હતો અને ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ભાજપના કલ્યાણ સિંહ હતા. આજે એ જ ભાજપ આ કાયદાને ખતમ કરવા ઉતરી છે. નવા સુધારાઓથી ગ્રામસભા અને પંચાયતોની સત્તા છીનવી લઈ તમામ નિર્ણયો દિલ્હી કેન્દ્રિત કરવામાં આવ્યા છે. પંચાયતો હવે માત્ર નામ પૂરતી રહેશે એવી ચિંતા કોંગ્રેસે વ્યક્ત કરી.
નવા નિયમો હેઠળ રોજગારનો અધિકાર જ સમાપ્ત થઈ ગયો છે. બજેટ મર્યાદા અને નોર્મેટિવ એલોકેશનના કારણે ફંડ ખતમ થતાં કામ બંધ થશે. મોંઘવારી સાથે જોડાયેલી નિશ્ચિત મજૂરી રદ થતાં મજૂરો પર ભારે આર્થિક માર પડશે. ખેતીની પીક સીઝનમાં ૬૦ દિવસ કામ નહીં મળવાથી ગ્રામિણ અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થશે.
પારદર્શિતાના નામે લાવવામાં આવેલી બાયોમેટ્રિક પદ્ધતિ ગરીબો માટે બહિષ્કારનું હથિયાર બની ગઈ છે. ઓછા શિક્ષિત અને ટેકનોલોજીથી વંચિત મજૂરો રોજગારથી વંચિત થવાની ભીતિ છે. કેન્દ્ર સરકારે મજૂરીમાં પોતાનો ફાળો ૧૦૦ ટકા પરથી ઘટાડીને ૬૦ ટકા કરતાં ગુજરાત સહિતના રાજ્યો પર ભારે આર્થિક બોજ ઊભો થશે.
મનરેગામાંથી મહાત્મા ગાંધીજીનું નામ હટાવવું એ માત્ર કાયદાકીય નહીં પરંતુ રાષ્ટ્રીય અપમાન હોવાનું કોંગ્રેસે જણાવ્યું. ભાજપ ૧૨૫ દિવસની રોજગાર ગેરંટીના દાવા કરે છે, પરંતુ ઓછા ભંડોળને કારણે વાસ્તવમાં ઓછા દિવસોનું જ કામ મળશે, જેના કારણે બેરોજગારી અને પલાયન વધશે.
અંતમાં સ્નેહલ ઠાકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “મનરેગા કોઈ દયા કે ભીખ નથી, પરંતુ ગરીબોનો બંધારણીય અધિકાર છે.”
કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે:
* ‘વીબી-રામ-જી’ કાયદો તાત્કાલિક પરત ખેંચવામાં આવે
* મનરેગાને ફરીથી અધિકાર આધારિત કાયદા તરીકે પુનઃસ્થાપિત કરવામાં આવે
* રોજગારના અધિકાર અને પંચાયતી રાજનું સંપૂર્ણ સંરક્ષણ કરવામાં આવે
કોંગ્રેસ ગરીબો, મજૂરો અને ગ્રામિણ ભારતના હક્ક માટે ભાજપની ગરીબ વિરોધી નીતિઓ સામે રસ્તાથી લઈને અદાલત સુધી અડગ રહીને લડશે- ગુજરાત માટે, ગ્રામીણ ભારત માટે અને ન્યાય માટે.

