શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીએ યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વૈશ્વિક ધરોહર સ્થળ ઘોષિત કરાતા ખુશી વ્યક્ત કરી:
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં હડપ્પા યુગના શહેર, ધોળાવીરાને વૈશ્વિક ધરોહર સ્થળ ઘોષિત કરવા અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે અહીં અવશ્ય જવું જોઈએ, ખાસ કરીને એ લોકોએ જેઓ ઈતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વમાં રસ ધરાવે છે.
ભારતે રજૂ કરેલા ગુજરાતના કચ્છના રણમાં આવેલાં હડપ્પન નગર ધોળાવીરાને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટ-વિશ્વ ધરોહર યાદીમાં અંકિત કરવામાં આવ્યું છે. ભારતે જાન્યુઆરી 2020માં વર્લ્ડ હેરિટેજ સેન્ટરને ધોળાવીરા- એક હડપ્પા નગર માટે નૉમિનેશનનું ડૉઝિયર સુપરત કર્યું હતું. આ સ્થળ 2014થી યુનેસ્કોની હંગામી યાદીમાં હતું. ધોળાવીરા એ આજથી ત્રીજી કે મધ્ય બીજી સહસ્ત્રાબ્દી પૂર્વેની એટલે કે 3500 વર્ષો પૂર્વેની દક્ષિણ એશિયાની સારી રીતે સચવાયેલી બહુ જૂજ શહેરી વસાહતોમાંની એક એવું હડપ્પા નગર છે.
યુનેસ્કો દ્વારા કરાયેલા ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કહ્યું હતું કે ;
“આ સમાચારથી ખૂબ ખુશી થઈ ધોળાવીરા એક મહત્વપૂર્ણ શહેરી કેન્દ્ર હતું અને આપણા અતીત સાથે આપણા સૌથી મહત્વના સંપર્કોમાંનું એક છે. અહીં જરૂર જવું જોઈએ, ખાસ કરીને એ લોકોએ જેઓ ઈતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વમાં રૂચિ ધરાવે છે.
હું મારા વિદ્યાર્થી જીવનના દિવસોમાં પ્રથમવાર ધોળાવીરા ગયો હતો અને હું એ સ્થળથી મંત્રમમુગ્ધ થઈ ગયો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મને ધોળાવીરામાં વારસાના અને જીર્ણોદ્ધારને સંબંધિત પાસાઓ પર કામ કરવાનો મોકો મળ્યો. અમારી ટીમે ત્યાં પર્યટનને અનુકૂળ માળખાનું સર્જન કરવા માટે પણ કાર્ય કર્યુ હતું.”