Site icon Gramin Today

તા.૧૦મી સપ્ટેમ્બર એટલે  “વિશ્વ આપઘાત નિવારણ દિવસ” અંતર્ગત વિશેષ લેખ : 

શ્રોત: ગ્રામિણ  ટુડે ન્યુઝ, સુરત ફતેહ બેલીમ 

તા.૧૦મી સપ્ટેમ્બર એટલે  “વિશ્વ આપઘાત નિવારણ દિવસ”:    જવાબ માંગે છે જિંદગી કે મને અકાળે કેમ બુઝાવો છો?

 આપઘાતનો પ્રયત્ન કરનાર વ્યક્તિ જીવન ટૂંકાવવા નહીં, પરંતુ કોઇ તેની હતાશા, દુઃખદર્દમાં દરમિયાનગીરી અને મદદ ઇચ્છતી હોય છે, 

સુરતમાં આપઘાત નિવારણ સંદર્ભે આવતા કોલ્સમાં પુરૂષો કરતાં મહિલા/યુવતીઓનું પ્રમાણ વધુ:
 ૪ થી ૫ હજાર મહામૂલી જિંદગીઓને મોતના મુખમાં જતી બચાવી:_ મનોવૈજ્ઞાનિક ડો. બાલી ભલાણી

નજીકના સ્નેહીઓ કે મિત્રો મદદરૂપ બને તો આપઘાતના ઘણા કિસ્સાઓ નિવારી શકાય છે:- વાંદરેવાલા ફાઉન્ડેશનના સીઈઓ ડો. અરૂણ જોહ્ન

સરકાર દ્વારા મેન્ટલ હેલ્થ પોલિસીમાં કરવામાં આવેલા ફેરફાર કારગર સાબિત થયા છે:

“નાની અમથી જિંદગી છે, બધી વાતમાં ખુશ રહો.. કાલ કોને જોઈ છે બધી વાતમાં ખુશ રહો..” આ બે પંક્તિઓ આપણને જીવન જીવવાની સકારાત્મક પ્રેરણા આપે છે, પરંતુ જીવન ટુંકાવનારી ઘટનાના આંકડાઓ તદ્દન જુદી જ કહાની દર્શાવે છે. દર વર્ષે વિશ્વમાં આશરે ૮ લાખ જેટલા લોકો મહામુલી જિંદગીને આપઘાત કરીને ટુંકાવી દે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) અને આંતરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થા દ્વારા દર વર્ષે ૧૦ સપ્ટેમ્બરે ‘વિશ્વ આપઘાત નિવારણ દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૧૯ મો “વિશ્વ આપઘાત નિવારણ દિવસ” ઉજવાશે, જેમા “ક્રિએટિંગ હોપ થ્રુ ઍક્શન” ને મુખ્ય ત્રિ-વાર્ષિક થીમ તરીકે પસંદ કરાઇ છે.
આ વિશે SVNIT-સુરતના સહાયક અધ્યાપક, મનોવૈજ્ઞાનિક અને સુરત જિલ્લા પોલીસ સાથે મળીને આપઘાત નિવારણ માટેનું કાઉન્સેલિંગ કરતા ડો.બાલી ભલાણીએ જણાવ્યું કે, આત્મહત્યા નિવારણ જાગૃત્તિ માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રહે, પણ જીવનની પ્રત્યેક ક્ષણે તેના વિષે સ્વયં જાગૃત્ત રહેવું અને અન્યને પણ દિશાદર્શન આપવું એ સભ્ય નાગરિક તરીકે આપણી સૌની ફરજ છે. આપઘાત નિવારણ સંદર્ભે આવતા કોલ્સમાં અમે અત્યાર સુધી ચારથી પાંચ હજાર કૉલ્સનું સફળ કાઉન્સેલિંગ કર્યું, જે મુજબ સુરતમાં પુરૂષો કરતાં મહિલા/કિશોરીઓમાં આપઘાતનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.
ડો.બાલી ભલાણીએ કહ્યું કે, સ્ત્રીઓ પોતાની હૈયાવરાળ ઠાલવતી હોય છે, જ્યારે પુરૂષો મનોમન મુંઝાતા હોય છે. પેઢીઓથી સમાજે પુરૂષોને ‘મજબૂત’ થવા અને પોતે મુશ્કેલીમાં છે એવું દેખાવા ન દેવા પ્રેર્યા છે. અનેક કિસ્સાઓમાં  આપઘાતનો પ્રયત્ન કરનાર વ્યક્તિ જીવન ટૂંકાવવા નહીં, પરંતુ કોઇ તેની હતાશા, દુઃખદર્દમાં દરમિયાનગીરી અને મદદ ઇચ્છતી હોય છે. દરેક મૃત્યુના કારણોમાં યુવાનોની માનસિક પરિસ્થિતિ અગત્યનો ભાગ ભજવતી હોય છે, ત્યારે ફક્ત લાગણીઓ તેમજ ગુસ્સાને નિયંત્રિત કરવાની તાલીમ આપવાથી પણ તેને નિવારી શકાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, મારી કારકિર્દીમાં આ પ્રકારના અનેક કિસ્સાઓનું કાઉન્સેલિંગ કર્યું પરંતુ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં શહેરના સિંગણપોર વિસ્તારમાં રહેતા એક પરિવારના તમામ ૮ સભ્યોએ હતાશ બની અગમ્ય કારણસર સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય કર્યા અને જેની અંતરંગ વિગતો જાણવા મળતા તેમનું અસરકારક કાઉન્સેલિંગ કરી તેમની મનોસ્થિતિ બદલવાનો પડકાર સફળ થયો હતો.
ડો.ભલાણીએ શહેરમાં બનતા આવા કિસ્સાઓની આંકડાકીય માહિતી આપતા કહ્યું કે, વર્ષ ૨૦૨૧થી અત્યાર સુધી કુલ ૧૯૮ કાઉન્સેલિંગના કોલ્સ મળ્યા છે જેમાં ૨૧ વિદ્યાર્થીઓ, ૪૦ પોલીસ હેલ્પલાઈન થકી અને ૧૩૭ પોલીસ સ્ટેશનથી સીધા સંપર્ક કોલ્સ મળીને કુલ ૧૯૮ કેસોનો સમાવેશ થાય છે. યુવાનોમાં સમસ્યા વધુ હોવાનું તારણ કાઢી તેમણે માતા પિતાએ પોતાના સંતાનો સાથે હંમેશા મિત્ર બનીને રહેવા અનુરોધ કર્યો હતો.
ઓલ ઈન્ડિયા ૨૪x૭ હેલ્પલાઈન (૯૯૯૯૬ ૬૬૫૫૫) વાંદરેવાલા ફાઉન્ડેશન આપઘાત નિવારણ માટે અસરકારક કામ કરે છે, જેના સીઈઓ અરૂણ જોહ્ન જણાવે છે કે, ઘણી વખત સ્નેહીજન કે મિત્ર આપઘાતની વાત કે, પોતાના વિચાર જાહેર કરે ત્યારે શું કરવુ-કેવો પ્રતિભાવ આપવો એ આપણે સમજી શકતા નથી. આવા વ્યક્તિઓ સાથે કરવામા આવતા ટુંકા, સહાનુભુતિપુર્વકનું વર્તન, જે તે વ્યકિતને પોતાની આપવિતી ચર્ચવા પ્રોત્સાહિત કરે છે અને આપઘાતનુ જોખમ ઘટાડી શકાય છે.
તેઓ જણાવે છે કે, આત્મહત્યાના વિચારો માટે જીવનમાં મુશ્કેલીઓ, હેરાન પરેશાન કરતી કસોટીઓ, સંઘર્ષ, નિષ્ફળતા, પીડા, હતાશા, બાળકો પર માતાપિતાનું ખોટું અનુશાસન, કોઈ શારીરિક માનસિક રોગ, બેકારી, ગરીબી, સહનશીલતાનો અભાવ, ઉચ્ચ અહમ, પ્રિય વ્યક્તિનું મૃત્યુ, એકલતા, સામાજિક તિરસ્કાર, લોકોનું દબાણ, વધુ પડતી આવેગશીલતા, નાણાકીય ભીડ, ભણતરની ચિંતા અને ડિપ્રેશન આ પ્રમુખ કારણો હોવાનું તેઓએ જણાવ્યું હતું.

ભારતમાં આત્મહત્યાનું પ્રમાણ ઘટાડવા સરકાર દ્વારા અનેક પ્રયાસ થઇ રહ્યા છે. મેન્ટલ હેલ્થ પોલિસીમાં થયેલા બદલાઓ પણ ઘણા કારગર સાબિત થઈ રહ્યા છે.

આત્મહત્યાની દુષ્પ્રેરણાના મુખ્ય લક્ષણો :

રોજબરોજના કાર્યમાં પરિવર્તન જેમકે જમવા- સુવાની રીતમાં અચાનક બદલાવ, વારંવાર મૂડમાં પરિવર્તન જેમ કે, અચાનક ખોટો ગુસ્સો, કારણ વગર રડવું, નિરાશ થઈ જવું, આશાહીન બનવું, અચાનક નશીલા દ્રવ્યોનું સેવન, જોખમી કાર્ય કરવા, સોશિયલ મીડિયાથી અચાનક દૂર થવું, લોકો, પરિવારજનોથી દૂરી રાખવી. એકલા રહેવાનું શરૂ કરી દેવું, વ્યક્તિત્વમાં પરિવર્તન, જીવન જીવવા જેવું નથી એવા ઉદ્દગારો, નિષેધક પોસ્ટ મુકવી, મિતભાષી થઈ જવું, એડવાન્સ આર્થિક પ્લાન, મને કોઈ સમજતું નથી એવી લાગણી આ તમામ આત્મહત્યાના મુખ્ય લક્ષણો હોય છે.

Exit mobile version