Site icon Gramin Today

CSR એક્ટિવિટી અંતર્ગત NEW SPACE INDIA LTD (NSIL) દ્વારા નર્મદા જિલ્લાનાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ ક્ષેત્રે કાર્ય:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

CSR એક્ટિવિટી અંતર્ગત બેંગ્લોરની NEW SPACE INDIA LTD (NSIL) દ્વારા નર્મદા જિલ્લાનાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ ક્ષેત્રે અંદાજે રૂા.૫૭.૪૦ લાખનાં પ્રોજેક્ટ મંજુર; 

રૂા.૧૦ લાખના ખર્ચે વિજ્ઞાનના સાધનો ઉપલબ્ધ થયેથી જિલ્લાની બે શાળાના ૪૦૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વિજ્ઞાનના શિક્ષણકાર્યમાં મદદરૂપ-ઉપયોગી બની રહેશે; 

આરોગ્યક્ષેત્રે રૂા.૨૫ લાખના ખર્ચે બેઝીક લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સ વાનની સુવિધા ઉપલબ્ધિ સાથે રૂા.૨૨.૪૦ લાખના ખર્ચે ૨૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની સુવિધા પૂરી પડાશે,

એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત આરોગ્ય ક્ષેત્રના ઈન્ડીકેટર્સની ૧૦૦% લક્ષ્ય સિધ્ધિની પ્રાપ્તિ સાથે તેની સફળતામાં સહાયરૂપ બનશે,

              રાજપીપલા: નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જયેશભાઈ પટેલ અને જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ.પાંડે દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના રાજપીપલા શહેરની સરકારી માધ્યમિક હાઈસ્કૂલ અને દેડિયાપાડા તાલુકાની જૂના મોઝદા માધ્યમિક શાળા માટે વિજ્ઞાનના સાધનો પુરા પાડવા માટે બેંગ્લોરની NEW SPACE INDIA LTD (NSIL) ને CSR એક્ટિવિટી અંતર્ગત રૂા.૧૦.૦૦ લાખની દરખાસ્ત મોકલવામાં આવેલ હતી. જે દરખાસ્ત કંપની દ્વારા મંજુર કરી બન્ને શાળાઓને શાળાદીઠ રૂા. ૫.૦૦ લાખના સાધનોની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ સાધનો બન્ને શાળાઓના ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓને અને શિક્ષકોને વિજ્ઞાનના શિક્ષણકાર્યમાં મદદરૂપ અને ઉપયોગી સાબિત થશે તેમજ વિદ્યાર્થીઓના લર્નિગ આઉટકમમાં વધારો થશે.

               આ ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલ દ્વારા CSR એક્ટિવિટી અંતર્ગત બેઝીક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ વાન માટે રૂા.૨૫.૦૦ લાખ અને જિલ્લાના ૨૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે કેન્દ્ર દીઠ એક ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પુરા પાડવા માટે રૂા.૨૨.૪૦ લાખની દરખાસ્ત સહિત કુલ- રૂા.૪૭.૪૦ લાખની દરખાસ્તોને NEW SPACE INDIA LTD (NSIL) કંપનીને મોકલી આપવામાં આવેલ હતી, જેને કંપની દ્વારા હાલમાં જ પ્રાથમિક મંજુરી આપવામાં આવી છે. NEW SPACE INDIA LTD (NSIL) ધ્વારા નર્મદા જિલ્લાના આરોગ્ય ક્ષેત્ર માટે મંજુર કરવામાં આવેલ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ વાનની મદદથી જિલ્લાના દુર્ગમ, અંતરિયાળ અને પહાડી વિસ્તારોના લોકો સુધી ઈમરજન્સીના સમયમાં સમયસર આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી શકાશે તેમજ સંસ્થાકીય પ્રસૂતિ, બાળકોને સંપૂર્ણ રસીકરણ, ANC રજીસ્ટ્રેશન જેવા એસ્પિરેશનલ જિલ્લા કાર્યક્રમનાં અગત્યના ઈન્ડીકેટર્સને ૧૦૦ % સુધી લઈ જવામાં સફળતા પ્રાપ્ત થશે.

Exit mobile version