Site icon Gramin Today

મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમને અનુલક્ષીને સાંસદ પ્રભુભાઇ વસાવાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

દેશના નાગરિકોમાં દેશદાઝની ભાવના જાગે એ માટે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.:-સાંસદ પ્રભુભાઇ વસાવા

મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમને અનુલક્ષીને સાંસદ પ્રભુભાઇ વસાવાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ: 

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના સમાપનના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકોમાં દેશદાઝની ભાવના વિકસે એ માટે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમ સાંસદ પ્રભુભાઇ વસાવાએ જણાવ્યું હતું.
આગામી તા. ૦૯મી, ઓગષ્ટથી યોજાનારા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા અર્થે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા કાર્યક્રમ અંગે આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને ટુંક જ સમયમાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી સઘન કામગીરીની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત તેમણે વહીવટીતંત્રને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનો આ ખૂબ જ મહત્વાકાંક્ષી કાર્યક્રમ હોવાથી વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાય એ પ્રકારની વ્યવસ્થા કરવા તેમજ આગામી સમયમાં ૨૦૪૭માં ઉજવવામાં આવનાર આઝાદીના શતાબ્દી મહોત્સવની ઉજવણી પણ શરૂ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.


વધુમાં તેમણે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનાથી એક ડગલું આગળ વધી સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં ૯૦ અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે અભિનંદનને પાત્ર કામગીરી છે એમ ઉમેર્યું હતું.
જિલ્લા કલેકટર આયુષ ઓકે સમગ્ર તૈયારીઓની ઝીણવટભરી વિગતો સાંસદ સમક્ષ રજૂ કરી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમને અનુલક્ષીને કરેલા આયોજન અંગે વિગતે છણાવટ કરી હતી. ઉપસ્થિત અધિકારીઓને સૂચનો કરતા કલેકટરે જણાવ્યું હતું કે, વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાય તેમજ પંચ પ્રણ પ્રતિજ્ઞા લઇ કેન્દ્ર સરકાર દ્વારા નિર્મિત એપમાં સેલ્ફી અપલોડ કરે એ માટે કાર્યક્રમ સ્થળે સેલ્ફી પોઇન્ટ બનાવવા આવ્યા હોવાનું જણાવ્યું હતું.
રિજીયોનલ મ્યુનિસિપલ કમિશ્નર ડી.ડી.કાપડિયાએ મહાનગર પાલિકા અને નગરપાલિકાઓમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની કરવામાં આવેલી તૈયારીઓ અંગે વિગતે જાણકારી આપી હતી.
બેઠક દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી ઉપસ્થિત સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઇ પટેલને કાર્યક્રમની ઝીણવટભરી માહિતી રજૂ કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, અધિક નિવાસી કલેકટર વાય.બી.ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version