શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
“ડિજીટલ સેવા સેતુ” ના પ્રોજેક્ટ થકી ૨૨ પ્રકારની સેવાઓ સરળતાથી ઘર આંગણે જ ગ્રામ પંચાયત ખાતેથી ઉપલબ્ધ બની રહેશે – ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા
નાંદોદની – ૧૦, તિલકવાડાની-૯, દેડીયાપાડાની -૧૦, સાગબારાની-૯ અને ગરૂડેશ્વર તાલુકાની -૧૦ ગ્રામ પંચાયત સહિત નર્મદા જિલ્લાની કુલ – ૪૮ ગ્રામ પંચાયત ખાતેથી ૨૨ પ્રકારની સેવાઓનો લાભ મળી રહેશે
ભદામ ગ્રામ પંચાયત ખાતે “ડિજીટલ સેવા સેતુ” નો જિલ્લાકક્ષાનો ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
રાજપીપલા :- ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર કે તાલુકા સુધી જવું ન પડે અને સ્થાનિક સ્તરે જ ઓછામાં ઓછા સમયમાં સરકારી સેવાઓનો લાભ મળી શકે તે હેતુસર “ડિજીટલ સેવા સેતુ” ના ભદામ ગ્રામ પંચાયત ખાતે જિલ્લાકક્ષાના યોજાયેલા ઇ-લોકાર્પણ પ્રસંગે ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગત, નાયબ જિલ્લા અધિકારીશ્રી તેજસભાઇ ચૌધરી, જિલ્લાના અગ્રણીશ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, શ્રી અશોકભાઇ વલવી, શ્રી દિવ્યેશભાઇ વસાવા, શ્રી અરવિંદભાઇ પટેલ, ભદામ ગામના સરપંચશ્રી શૈલેષભાઇ સહિત ગ્રામજનોની ઉપસ્થતિમાં આજે “ડિજીટલ સેવા સેતુ” ના પ્રોજેક્ટના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
આ પ્રસંગે ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર કે તાલુકા સુધી જવું ન પડે તે માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ આજથી ગ્રામ પંચાયત ખાતે ડિજીટલ સેવાઓ અંતર્ગત રેશનકાર્ડમાં નામ ઉમેરવા, રેશનકાર્ડમાંથી નામ કાઢવું, રેશનકાર્ડમાં સરનામું સુધારવા, નવું રેશનકાર્ડ કાઢવા સહિતના અન્ય ૨૨ જેટલા કામો હવે ગ્રામ પંચાયત ખાતેથી સરળતાથી મળી શકશે તે બદલ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણીને અભિનંદન પાઠવ્યા હતાં.
શ્રી મનસુખભાઇ વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે, આ તમામ પ્રકારની સેવાઓ માટે પહેલાં તાલુકા કે શહેરો સુધી જવું પડતું હતુ તેને બદલે હવે “ડિજીટલ સેવા સેતુ” ના પ્રોજેક્ટ થકી ૨૨ પ્રકારની સેવાઓ સરળતાથી ઘર આંગણે જ ગ્રામ પંચાયત ખાતેથી ઉપલબ્ધ બની રહેશે. તેમજ અન્ય યોજનાઓના લાભો પણ પ્રજાજનોને સરળતાથી મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું. તેની સાથોસાથ કેન્દ્ર સરકાર દ્વારા ખેડુત સુધારા બિલ પસાર કર્યું છે, જેનાથી હવે ખેડુતો ઇચ્છે તે જગ્યાએ પોતાનો માલ વહેંચી શકશે અને આવક બમણી મેળવી શકશે. કોવીડ-૧૯ ની મહામારીમાં પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે, જેમાં “સાત પગલા ખેડુત કલ્યાણના” યોજના પણ ખેડુતો માટે આશિર્વાદરૂપ બની હોવાનું શ્રી વસાવાએ ઉમેર્યું હતું.
જિલ્લાના નાંદોદની-૧૦, તિલકવાડાની-૯, દેડીયાપાડાની-૧૦, સાગબારાની-૯ અને ગરૂડેશ્વર તાલુકાની-૧૦ ગ્રામ પંચાયત સહિત જિલ્લાની કુલ-૪૮ ગ્રામ પંચાયત ખાતેથી રેશનકાર્ડમાં નામ ઉમેરવા, રેશનકાર્ડમાંથી નામ કાઢવું, રેશનકાર્ડમાં સરનામું સુધારવું, નવું રેશનકાર્ડ કાઢવું, રેશનકાર્ડ જુદું કરવું, રેશનકાર્ડના વાલી માટે અરજી, ડુપ્લિકેટ રેશન કાર્ડ, વિધવા સર્ટિફિકેટ, ટેમ્પરરી રેસિડેન્સ સર્ટિફિકેટ, આવકનો દાખલો, અનામતમાં ન હોય તેવી જાતિનો દાખલો (પંચાયત આવક વગર) સિનિયર સિટીઝન સર્ટિફિકેટ, ભાષા આધારિત માઇનોરિટી સર્ટિફિકેટ, રિલીજિયસ માઇનોરિટી સર્ટિફિકેટ, વિચરતી સૂચિત જાતિના સર્ટિફિકેટ, મુખ્યમંત્રી કૃષિ સહાય, આવકના દાખલાનું એફિડેવિટ, રેશનકાર્ડ માટેનું એફિડેવિટ અને અન્ય તૈયાર એફિડેવિટ સહિતની -૨૨ જેટલી સેવાઓની સાથે (G2C) ગર્વમેન્ટ-ટુ-કસ્ટમર સર્વિસ અને (B2C) બીઝનેશ-ટુ-કસ્ટમર સર્વિસની સેવાઓ પણ ઉપલબ્ધ બની રહેશે.
આ પ્રસંગે ભદામ ગામના ૭ જેટલાં લાભાર્થીઓએ “ડિજીટલ સેવા સેતુ” પ્રોજેક્ટ અંતર્ગત સેવાઓના લીધેલા લાભના જે તે કામના દસ્તાવેજી પત્રો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરી લાભાર્થીઓને પ્રોત્સાહિત કરાયાં હતાં.
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી “ડિજીટલ સેવા સેતુ” ના કરાયેલા ઇ-લોકાર્પણ પ્રસંગના સીધા પ્રસારણ નિહાળી ઉપસ્થિત ગ્રામજનોએ મુખ્યમંત્રી દ્વારા અપાયેલું માર્ગદર્શન મેળવ્યું હતું અને “ડિજીટલ સેવા સેતુ” અંતર્ગત ફિલ્મ પણ નિહાળી હતી.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસભાઇ ચૌધરીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં નાંદોદના આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારીશ્રી મગનભાઇ વસાવાએ આભાર દર્શન કર્યું હતું.