Site icon Gramin Today

મંત્રીશ્રી મુકેશ પટેલના હસ્તે વઘઈના બોટાનીકલ ગાર્ડન ખાતે “ડાંગ મિલેટ્સ કાફે” નો શુભારંભ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, પત્રકાર: દિનકર બંગાળ વઘઇ 

રાજયના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે વઘઈના બોટાનીકલ ગાર્ડન ખાતે “ડાંગ મિલેટ્સ કાફે” નો શુભારંભ કરાયો.

વઘઈ: ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘઇ સ્થિત બોટાનીકલ ગાર્ડન ખાતે, રાજ્ય વન પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે “ડાંગ મિલેટ્સ કાફે”નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેદ્ર મોદીએ વર્ષ-2023ને મીલેટ્સ વર્ષ ઘોષિત કર્યું છે. જેની ઉજવણીના ભાગરૂપે પ્રાકૃતિક ડાંગ જિલ્લામાં, દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા વઘઈ પરિસરિય પ્રવાસન વિકાસ સહકારી મંડળીના નેજા હેઠળ બોટાનિકલ ગાર્ડન ખાતે મહિલાઓ સંચાલિત મીલેટ્સ બેકરીની શરૂઆત કરવામાં આવી છે.

અહિં બનાવવામા આવતી મિલેટ્સ આધારિત વાનગીઓ સાપુતારા આવતા પ્રવાસીઓ માટે ઉપયોગી થશે. તેમજ આવનાર સમયમા ડાંગ સહિત ગુજરાતના અન્ય આદિવાસી જિલ્લાની મિલેટ્સ વાનગીઓને રાજ્ય સરકાર ગુજરાતના દરેક શહેર સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે. જેથી સ્થાનિક લોકોને રોજગારી મળી શકશે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વઘઇ બોટાનીકલ ગાર્ડન ખાતે ‘બામ્બુ હાટ’ શરૂ કરાયો છે. જેમા સ્થાનિક લોકો દ્વારા બનાવેલા બામ્બુ આધારિત‌ ચીજવસ્તુઓનુ વેચાણ કરવામાં આવે છે. જેને પ્રવાસીઓનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.

વઘઇ ખાતે શરૂ કરાયેલા મીલેટ્સ બેકરીમા નાગલી, જુવાર, મકાઈ, બાજરો, ચણા, મોરયો વિગેરે આખા ધાનનો ઉપયોગ કરી બનાવેલી તમામ ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે. જેમાં બિસ્કિટ, કુકીઝ, કેક, બ્રેડ, પિત્ઝા, પાસ્તા વિગેરે વાનગીઓ મહિલાઓ દ્વારા બનાવી વેચાણ કરવામાં આવશે. જેનાથી લોકોને આરોગ્યપ્રદ અને પૌષ્ટિક આહાર મળી રહેશે. સાથે મિલેટ્સ વાનગીઓ પ્રત્યે લોકોને જાગૃત પણ કરી શકાશે અને સ્થાનિક બહેનોને રોજગારીની તક ઉપલબ્ધ કરી શકાશે.

Exit mobile version