Site icon Gramin Today

ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરની 14 એપ્રિલના રોજ જન્મજયંતી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪X૭ વેબ પોર્ટલ

તાપી: ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરની  14 એપ્રિલના રોજ જન્મજયંતી (Dr. Ambedakar Jayanti 2025) માનવી રહ્યા છીએ. ફક્ત ભારત દેશ જ નહિ પણ સમગ્ર વિશ્વમાં તેમની જન્મજયંતી ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે તેમના કાર્યને ફરી યાદ કરીને આજે અમે તેમના વિશે થોડીક વાતો અને સંકલ્પો જણાવીશું. સમાજમાં પ્રવર્તતી અસ્પૃશ્યતા, દલિતો, મહિલાઓ અને મજૂરો પ્રત્યેના ભેદભાવ જેવા દુષણો સામે અવાજ ઉઠાવનાર બાબા સાહેબને ભારતીય બંધારણના આધારસ્તંભ માનવામાં આવે છે.
ડો. બાબાસાહેબ આંબેડકર ‌‍(મૂળ નામ: ભીમરાવ રામજી આંબેડકર) (૧૪ એપ્રિલ ૧૮૯૧ – ૬ ડિસેમ્બર ૧૯૫૬) તેઓ એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ. ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા. તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરા સ્ટેટના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી.                 વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં તેઓ ન્યુયોર્ક જવા રવાના થયા. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે ‘પ્રાચીન ભારતીય વ્યાપાર‘ વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પીએચ.ડી. માટે ‘બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ’ વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી પીએચ.ડી.ની પદવી મેળવી.

૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું. ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. મુશ્કેલીઓ , અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ, આથી  વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાઈ લીધી.

 ૧૯૧૮માં, મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. આર્થિક ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર તેઓ ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો.
૧૯૨૩માં તેઓ બેરિસ્ટર થયા. આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ “રૂપિયાનો પ્રશ્ન” એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ “ડૉક્ટર ઓફ સાયન્સ”ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી તેઓ જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું.
જૂન ૧૯૨૮ માં તેઓ મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા.  આ સમયે “સાયમન કમિશન” ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી.તા.૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે તેઓને મુંબઈની કમિટીમાં નીમ્યા. મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં તેમનો અવાજ ગાજવા લાગ્યો. ૨૩ ઓક્ટોબર ૧૯૨૮ ના રોજ તેમણે “સાયમન કમિશન” સમક્ષ અછૂતોના પ્રાણપ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. મજુર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણાં જ પ્રયત્નો કર્યા.
બ્રિટીશ સરકારે લંડનમાં બધા જ પક્ષોના નેતાઓની એક ગોળમેજી પરિષદ બોલાવી. ૬ ડિસેમ્બર ૧૯૩૦ માં ભારતના વાઈસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા તેમને આમંત્રણ મળ્યું. આ પરિષદમાં ડૉ.આંબેડકરે ભારતના અછૂતોના પ્રશ્નોની વિશદ અને તલસ્પર્શી રજૂઆત કરી તેમને ખાસ કરીને અછૂતોના રાજકીય અને સામાજિક હક્કો માટે બ્રિટીશ સરકાર પાસે બાહેધરી માંગી. તા.૧૪ મી ઓગસ્ટ ૧૯૩૧ માં ડૉ. આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઇ. ૭ મી સપ્ટેમ્બર ૧૯૩૧ માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ મળી અને એમાં તેઓ અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા. તેમણે અછૂતોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી. ડૉ. આંબેડકરે, દાદર, મુંબઈમાં રહેવા માટે અને ઘણા પુસ્તકોની વિશાળ પ્રાઇવેટ લાઈબ્રેરી ઉભી કરવા ‘રાજગૃહ’ નામનું સુંદર મકાન બંધાવ્યું. ડૉ. આંબેડકર હવે લોકનેતા બની ગયા હતા. તેઓ હંમેશા પ્રવૃતિમય રહેતા હતા. દલિત સમાજના કાર્યોના કારણે તેઓ તેમની પત્ની તેમજ પુત્ર ઉપર ખાસ ધ્યાન રાખી શકતા નહિ. ૧ જૂન ૧૯૩૫ માં મુંબઈની સરકારે ડૉ. આંબેડકરની નિમણુક સરકારી લો કોલેજ મુંબઈ ના પ્રિન્સીપાલ તરીકે કરી. અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા છતાં ડૉ. આંબેડકરે પ્રિન્સીપાલ તરીકેની ફરજો સફળ રીતે બજાવી. ઓગસ્ટ ૧૯૩૬ માં ડૉ. આંબેડકરે ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી (સ્વતંત્ર મજુર પક્ષ)ની સ્થાપના કરી. ૧૯૩૭ની ચુંટણીમાં ડૉ. આંબેડકર ધારાસભામાં ચુંટાઈ આવ્યા. અને ત્યાં તેમને પ્રભુત્વ જમાવ્યું. ઓક્ટોબર ૧૯૩૯ માં નહેરુની ડૉ. આંબેડકર સાથે પ્રથમ મુલાકાત થઇ. ૧૯૪૦ માં ડૉ. આંબેડકરનું પુસ્તક “પાકિસ્તાન ઉપર વિચારો” પ્રકાશિત થયું. જુલાઈ ૧૯૪૧ માં ડૉ. આંબેડકર ભારતના વાઇસરોયની એક્ઝીક્યુટીવ કાઉન્સીલમાં પ્રતિનિધિ નિમાયા. ડૉ.આંબેડકરે સ્વબળે અને દલિત સમાજના ટેકા સાથે ઉચ્ચ હોદાઓ મેળવવા ચાલુ રાખ્યા. ૨૦ જુલાઈ ૧૯૪૨ માં ડૉ. આંબેડકરે ભારતના વાઇસરોયની કેબીનેટમાં લેબર મેમ્બર તરીકે નો ચાર્જ સંભાળી લીધો. સરકારના લેબર મેમ્બર તરીકે તેમણે “પીપલ્સ એજ્યુકેશન સોસાયટી”ના નેજા હેઠળ મુંબઈમાં સિદ્ધાર્થ કોલેજની શરૂઆત કરી. આમ ડૉ. આંબેડકરે જીવનના વિવિધ ક્ષેત્રો માં તેમનો નમ્ર ફાળો આપવા કોશિષ કરી. વળી ડૉ. આંબેડકરે “શુદ્રો કોણ હતા?” નામનું પુસ્તક લખ્યું અને તે પ્રકાશિત કરાવ્યું.

 

ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી પર, અમે તેમના પ્રેરણાદાયી વિચારોને યાદ કરી રહ્યા છીએ, જે આજે પણ યુવાનોમાં નવી ઊર્જા ભરવાનું કામ કરે છે. આજે પણ DSC (Doctor Of Science) ની ડિગ્રી આંબેડકર બાદ માત્રને માત્ર ડો. કે.આર. નારાયણન જ લઈ શક્યા છે. આજે પણ ભારતમાં માત્ર બે (૨) જ વ્યક્તિ છે, જેમણે આ સૌથી મોટી ડિગ્રી મેળવી છે. ડૉ. બી.આર. આંબેડકર 64 વિષયોમાં માસ્ટર હતા. તેમને 9 ભાષાઓનું જ્ઞાન હતું તેમજ તેમની પાસે કુલ 32 ડિગ્રી હતી.

૧૯૪૬ માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂંટાયા. ૯ ડિસેમ્બર ૧૯૪૬માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી. ડૉ. આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. ૨૯ એપ્રિલ ૧૯૪૭માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી. ભારતના ભાગલા પછી ભારત-પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા અને ૩ ઓગસ્ટ ૧૯૪૭ માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ.

તેમણે વિશ્વના મહાન ધર્મો નો ઊંડો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમને બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું. અને  ૧૪ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ તેમણે નાગપુર દીક્ષાભૂમિ માં ૬,૦૦,૦૦૦ દલિતો સાથે નવયાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો

ડૉ. બી.આર. આંબેડકરના પ્રેરણાત્મક વિચારો

  • “મને તે ધર્મ ગમે છે જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ શીખવે છે.”
  • “હું કોઈ સમાજની મહિલાઓની પ્રગતિથી જ તે સમાજની પ્રગતિ માનું છું.”
  • “હું હિન્દુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત નહોતી, પણ હું હિન્દુ તરીકે મરીશ નહીં.”
  • “જ્યાં સુધી તમે સામાજિક સ્વતંત્રતા પ્રાપ્ત ન કરો ત્યાં સુધી, કાયદા દ્વારા પ્રદાન કરવામાં આવેલી સ્વતંત્રતાનો તમારા માટે કોઈ અર્થ નથી.”
  • “જે લોકો ઇતિહાસ ભૂલી જાય છે, તે ઇતિહાસ બનાવી શકતા નથી.”
  • “શિક્ષિત બનો, સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો.” “ધર્મ માણસ માટે છે, માણસ ધર્મ માટે નહીં.”
  • “જેમ માણસ નશ્વર છે, તેવી જ રીતે વિચારો પણ છે. એક વિચારને પ્રચારની જરૂર છે, જેમ છોડને પાણીની જરૂર હોય છે, નહીં તો તે સુકાઈ જાય છે અને બળી જાય છે.   

                                                                                                                                                                             બૌદ્ધ ધર્મ અપનાવતા સમયે તેમણે લીધેલી 22 પ્રતિજ્ઞાઓ

    1. હું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં કોઈ વિશ્વાસ નહિ રાખું અને ના હું એમની પૂજા કરીશ.
    2. હું રામ અને કૃષ્ણને ઈશ્વર નહિ માનું ના એમની પૂજા કરીશ.
    3. હું ગૌરી, ગણપતિ અને હિન્દુ ધર્મના કોઈ પણ ભગવાનને ભગવાન નહીં માનું કે એમની પૂજા નહિ કરું.
    4. ઈશ્વરે અવતાર લીધો એમાં મારો વિશ્વાસ નથી.
    5. હું માનું છું કે બુદ્ધ એ વિષ્ણુનો અવતાર છે એ જૂઠો અને ભ્રામક પ્રચાર છે.
    6. હું શ્રાદ્ધપક્ષ નહી કરું અને પિંડદાન પણ નહીં કરું.
    7. બૌદ્ધ ધર્મ સાથે મેળ ન હોય એવાં કોઈ પણ આચાર-ધર્મનું પાલન નહિ કરું.
    8. હું બ્રાહ્મણોના હાથે કોઈ ક્રિયાકર્મ નહિ કરાવું.
    9. બધા મનુષ્ય માત્ર સમાન છે એવું હું માનું છું.
    10. હું સમાનતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશ.
    11. હું બુદ્ધના અષ્ટાંગિક માર્ગનો અનુસરણ કરીશ.
    12. હું બુદ્ધ દ્વારા નિર્ધારિત દસ પારમિતાઓનું પાલન કરીશ.
    13. હું બધા જ જીવિત પ્રાણીઓ પ્રતિ દયા કરીશ.
    14. હું ચોરી નહિ કરું.
    15. હું જૂઠું નહિ બોલું.
    16. હું વ્યભિચાર નહિ કરું.
    17. હું દારૂ નહિ પીવું.
    18. પ્રજ્ઞા, કરુણા અને શીલ આ ત્રણ તત્વોના સહારે હું મારું જીવન વ્યાપન કરીશ.
    19. મનુષ્ય માત્રના ઉત્કર્ષ માટે હાનિકારક અને મનુષ્ય માત્રને અસમાન તેમજ કોઈને નીચ માનવા વાળા મારા જૂના ધર્મનો હું ત્યાગ કરું છું અને બુદ્ધ ધર્મનો સ્વીકાર કરું છું.
    20. બૌદ્ધ ધર્મ સદ્ધર્મ છે એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે.
    21. હું માનું છું કે આજે મારો નવો જન્મ થઈ રહ્યો છે.
    22. આજ પછી હું બુદ્ધે આપેલી શિક્ષા પ્રમાણે જ ચાલીશ.
Exit mobile version