Site icon Gramin Today

ફોર્ટિફાઇડ ચોખા એ પ્લાસ્ટિકના ચોખા નથી, નાગરિકો ગેરમાન્યતા દૂર કરવાની અપીલ કરતા તાપી જિલ્લા નાગરિક પુરવઠા અધિકારી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

ફોર્ટિફાઇડ ચોખા એ પ્લાસ્ટિકના ચોખા નથી, નાગરિકો ગેરમાન્યતા દૂર કરવાની અપીલ કરતા તાપી જિલ્લા નાગરિક પુરવઠા અધિકારી:
……………..
કુપોષણ દૂર કરવા ચોખામાં પોષકતત્વો ઉમેરવાથી તેના રંગમાં નજીવો ફેરફાર થાય છે તે સંપૂર્ણ પણે આરોગ્યપ્રદ છે.
……………..
વ્યારા, તાપી: ફોર્ટિફાઇડ ચોખા એ પ્લાસ્ટિકના ચોખા નથી, નાગરિકો ગેરમાન્યતા દૂર કરવા તાપી જિલ્લા નાગરિક પુરવઠા અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યુ છે કે, આપણા દેશના અમુક રાજ્યના બાળકોમાં કુપોષણ જોવા મળે છે, જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થાય છે. બાળકોમાં કુપોષણ નિવારવા માટેના પગલા તરીકે સરકારશ્રી દ્વારા ખોરાક તેમજ દવાઓ દ્વારા પોષણયુક્ત આહાર પુરો પાડીને તથા પોષણ માટેના જરૂરી વિટામીન્સની ટીકડીઓ પુરી પાડવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા એપ્રિલ-૨૦૨૧ થી સમગ્ર દેશમાં ફોર્ટિફાઇડ ચોખાનો જથ્થો મધ્યાહન ભોજન યોજના માટે વિતરણ કરીને બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવાની યોજના દાખલ કરેલ છે.
ફોર્ટિફાઇડ રાઇસ એ ચોખાના જ લોટમાંથી તૈયાર કરવામાં આવે છે તેમાં માઇક્રોન્યુટ્રિઅન્સ એટલે કે પોષકતત્વો જેવા કે, ફોલિક એસિડ(વિટામીન B-9), વિટામીન B-12 તથા આર્યનની માત્રા ઉમેરીને તેને પ્રોસેસ કરીને ચોખાના દાણા જેવા જ દાણાઓ તૈયાર કરવામાં આવે છે તેને F.R.K.(Fortified Rice Kernel) કહેવામાં આવે છે.
આ પ્રકારના દાણાઓમાં માઇક્રોન્યુટ્રિઅન્સ ઉમેરવાથી ફોર્ટિફાઈડ રાઇસ મુળ ચોખના દાણા કરતાં સહેજ જુદા રંગના/થોડા પીળાશ પડતા અને મુળ ચોખાથી આકારમાં થોડા જુદા જણાતા હોય છે.
આ પ્રકારના ફોર્ટિફાઇડ રાઇસ મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને રાંધીને ખવડાવવાના હોય છે. પરંતુ હાલમાં શાળાઓ બંધ હોઇ આ ચોખા બાળકોના વાલીઓ ઘરે લઇ જઇને રાંધીને વપરાશ કરે છે, જેથી રસોઇ કરતાં પહેલાં ઉપર જણાવ્યા મુજબ દેખાવમાં અલગ રંગ/આકારના જણાતા હોઇ સામાન્ય પ્રજામાં તે પ્લાસ્ટિકના દાણા હોવાની ગેરસમજ પ્રવર્તે છે.
ફોર્ટિફાઈડ રાઇસ રાંધવામાં, મુળભુત ચોખાની જેમ જ રંધાઇ જાય છે, તેને બાળવાથી પ્લાસ્ટિક જેવી વાસ આવતી નથી, પાણીમાં નાખવાથી પોચા થઇને ઓગળી જાય છે. આ અંગેના ટેસ્ટ નાગરિક પુરવઠા નિગમ સંચાલિત ફુડ રિસર્ચ લેબોરેટરી (FRL) દ્વારા કરવામાં આવે છે અને તેની સમજણ પણ સંબંધિત દુકાનદારો/ તાલુકા મામલતદાર/ પુરવઠા અધિકારીશ્રીઓને પણ આપેલ છે.
ફોર્ટિફાઇડ રાઇસ હાલમાં ફક્ત અને ફક્ત મધ્યાહન ભોજન યોજના હેઠળ જ વિતરણ કરવાના થાય છે. પરંતુ, એફ. સી. આઇ. દ્વારા પુરા પાડવામાં આવતા સાદા ચોખાની સાથે જ ફોર્ટિફાઇડ ચોખાનો નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં સંગ્રહ થતો હોવાથી ક્યારેક રાશન કાર્ડ હોલ્ડરોને વિતરણ કરવામાં આવતાં રેશનકાર્ડ હોલ્ડરોમાં ફોર્ટિફાઇડ રાઇસ અંગેની જાણકારી ન હોવાના કારણે આવા પ્રકારના ચોખા પ્લાસ્ટિકના હોવાની ગેરસમજ પ્રવર્તે છે જે ખરેખર ફોર્ટિફાઇડ રાઇસ(ચોખા) છે. આમ કુપોષણ દૂર કરવા ચોખામાં માઇક્રોન્યુટ્રિઅન્સ એટલે કે પોષકતત્વો ઉમેરવાથી તેના રંગમાં નજીવો ફેરફાર થાય છે અને તે સંપૂર્ણપણે આરોગ્યપ્રદ છે. તેથી તાપી જિલ્લાના તમામ નાગરિકોએ કોઈ અફવાથી ગેરમાર્ગે દોરાવું નહિ એમ તાપી જિલ્લા નાગરિક પુરવઠા અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

 

Exit mobile version