Site icon Gramin Today

નર્મદા જિલ્લામાં છેલ્લા ૧ મહિનામાં આ બીજા બાળ લગ્ન અટકાવવામાં મળી સફળતા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લામાં છેલ્લા ૧ મહિનામાં આ બીજા બાળ લગ્ન અટકાવવામાં મળી સફળતા: સમગ્ર જીલ્લામાંના અંતરિયાળ  વિસ્તારોમાં જન જાગૃતિ જરૂરી…. આવાં કિસ્સાઓમાં મદદ રૂપ થાના અને સામેલ બધાં પર  કડક માં કડક કાર્યવાહીની જોગવાય…

જિલ્લામાં બાળ લગ્ન ન થાય તે અંગે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે:-બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી પી.બી.રાણપરિયા

નર્મદા જિલ્લાના દેડીયાપાડાના સુરત જિલ્લાની સરહદે આવેલા એક ગામમાં બાળ લગ્ન અટકાવવા માટેની મળેલી ફરિયાદના આધારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-સમાજ સુરક્ષા અધિકારી નર્મદા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નર્મદા દ્વારા દેડીયાપાડા પોલીસ સ્ટેશનના પ્રોટેકશન હેઠળ તા.૧૨/૦૫/૨૦૨૨ ના રોજ રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવેલી. લગ્ન કરનાર છોકરા છોકરીના ઉંમરના આધાર પુરાવા ચકાસણી કરતાં લગ્ન કરનાર છોકરીની ઉંમર-૧૮ વર્ષ ૦૪ માસ જણાતા છોકરી પુખ્ત વયની હોવાથી લગ્ન લાયક ઉંમર જણાઈ આવેલ હતી, પરંતુ લગ્ન કરનાર છોકરાની ઉંમર ચકાસણી કરતા તેની ઉંમર-૨૦ વર્ષ ૨ માસ જણાઈ આવેલ હતી જે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત લગ્ન કરનાર છોકરાની ઉંમર-૨૧ વર્ષ પૂર્ણ હોવી જરૂરી છે. આથી બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત છોકરાની ઉંમર-૨૧ વર્ષ અને છોકરીની ઉંમર-૧૮ વર્ષ પૂર્ણ થતાં પહેલા જો લગ્ન થાય તો તે ગેરકાયદેસર લગ્ન ગણી તેઓની સામે ગુનો દાખલ કરવાની જોગવાઈ છે.

આમ, બંને પક્ષે વાલી વારસદારોને સમજાવી લગ્ન મોકૂફ રાખવા જણાવવામાં આવેલ હતું. છોકરા પક્ષે તેમના વાલીને કાયદા અંતર્ગત બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી પી.બી.રાણપરિયા દ્વારા નોટિશ આપવામાં આવેલ હતી. છોકરા છોકરી દેડીયાપાડાના વતની હોય પરંતુ લગ્ન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં એક ગામમાં રાખવામાં આવેલા હોય સુરત જિલ્લાના બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીને પણ આ બાબતે જાણ કરી ઉમરપાડા ખાતે બાળ લગ્ન ના થાય તે અંગે નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી કરવા જાણ કરવામાં આવેલ હતી.

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા જિલ્લાની પોલીસ ટીમ સાથે રહીને નર્મદા જિલ્લામાં છેલ્લા ૧ મહિનામાં આ બીજા લગ્ન અટકાવવામાં આવેલા છે. અને જિલ્લામાં બાળ લગ્ન ન થાય તે અંગે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Exit mobile version