Site icon Gramin Today

નર્મદા જિલ્લાના નવનિયુક્ત નિવાસી અધિક કલેકટરશ્રી તરીકે હવાલો સંભાળતા, સી.એ.ગાંધી

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા 

નર્મદા જિલ્લાના નવનિયુક્ત નિવાસી અધિક કલેકટરશ્રી તરીકે હવાલો સંભાળતા, સી.એ.ગાંધી

રાજપીપલા :- ગુજરાતના જીયોલોજી અને માઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટર (GAS) શ્રી સી.એ.ગાંધીની રાજ્ય સરકારે નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટરશ્રી તરીકે બદલી સાથે નિમણૂંક કરતાં શ્રી સી.એ.ગાંધીએ આજે તા.૬ ઠ્ઠી સપ્ટેમ્બર,૨૦૨૨ ને મંગળવારના રોજ રાજપીપલા ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી તરીકેનો હવાલો સંભાળી લીધેલ છે.

સને ૨૦૦૫ માં ગુજરાત વહિવટી સેવા સંવર્ગ (GAS) માં સીધી પસંદગીથી જામનગર શહેરના મામલતદારશ્રી તરીકે તેમની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કરનાર શ્રી સી.એ.ગાંધીએ ૨૦૧૨ સુધી જામનગરમાં મામલતદારશ્રી તરીકેની સેવાઓ બાદ નાયબ કલેકટરશ્રીના પદ પર બઢતી મેળવીને દ્વારકાના પ્રાંત અધિકારીશ્રી તરીકે નિમણૂંક પામ્યાં હતાં. ત્યારબાદ તેઓશ્રીની અમદાવાદ જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારીશ્રી તરીકે સેવાઓ આપી હતી. ત્યારબાદ તેઓશ્રી ૨૦૧૪ થી ૨૦૧૭ માં રાજકોટમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તરીકે સેવાઓ આપી હતી. શ્રી સી.એ.ગાંધીએ ૨૦૧૭ માં અધિક કલેકટરશ્રી તરીકે બઢતી મેળવીને જામનગર જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી તરીકેની સેવાઓ બાદ ૨૦૧૮ માં અમદાવાદ ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તરીકે નિમણૂંક પામતા તેઓશ્રીએ ૨૦૨૨ સુધી આ પદ પર કુશળતાપૂર્વક જવાબદારીઓ સંભાળી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, શ્રી સી.એ.ગાંધીએ તેમની ઉક્ત સેવાકાળ દરમિયાન ૨૦૧૪ અને ૨૦૧૬ માં રાજકોટના શ્રેષ્ઠ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તરીકેની સેવાઓને બિરદાવી ગુજરાતના રાજ્યપાલશ્રીના હસ્તે તેમને સન્માનિત કરાયાં હતાં. તદઉપરાંત કોરોનાકાળ દરમિયાન U.S. અને U.K. ની એમ્બેસીએ તેમના નાગરિકો માટે કરાયેલી ઇવેક્યુએશનની કામગીરી બદલ અમદાવાદ જિલ્લા કલેકટરશ્રીની સાથે તેમને પણ પ્રમાણપત્ર એનાયત કરી તેમની સેવાઓને બિરદાવી હતી.

Exit mobile version